ભસ્માસુર બન્યું તાલિબાન, પોતાના સુપ્રીમ લીડરની કરી હત્યા, આ નેતાને બનાવ્યા બંધક

PC: tribuneindia.com

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવવા માટે અંદરોઅંદર લોહિયાળ સંઘર્ષે તાલિબાનને મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના એક મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનના સુપ્રીમ હિબતુલ્લાહ અખુંદજાદાનું મોત થઈ ગયું છે અને નાયબ વડાપ્રધાન મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખ્યો છે. સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના જ બે જુથ વચ્ચે થયો હતો. મેગેઝિને એ પણ જણાવ્યું કે હક્કાની નેટવર્ક સાથે આ ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લા બરદારને પહોંચ્યું છે.

બ્રિટનના મેગેઝિને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બે સમૂહો વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે હક્કાની નેતા ખલીલ ઉલ રહમાન હક્કાની પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને તેણે બરાદર પર મુક્કા વરસાવવાની શરૂઆત કરી દીધી. બરાદર સતત તાલિબાન સરકારના કેબિનેટમાં ગેર-તાલિબાનીઓ અને લઘુમતીઓને પણ જગ્યા આપવાનો દબાવ બનાવી રહ્યો હતો જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે.

આ ઘર્ષણ બાદ બરાદર થોડા દિવસો સુધી ગુમ હતો અને હવે ફરીથી તે કંધારમાં જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ, બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી છે જેનું સમર્થન પણ તેને મળ્યું છે. જોકે બરાદર પર દબાવ બનાવીને તેણે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. મેગેઝિને દાવો કર્યો છે કે આ વીડિયોમાં એવા સંકેત મળ્યા છે કે બરાદરને બંધક બનાવી લેવામાં આવ્યો છે. અખુંદજાદાને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી એ જાણકારી મળી શકી નથી કે તે ક્યાં છે.

તે ઘણા સમયથી ન તો દેખાયો છે કે ન તો તેનો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અખુંદજાદાનું મોત થઈ ગયું છે. તાલિબાનમાં તેનાથી પહેલા સત્તાને લઈને એવો સંઘર્ષ જોવા મળ્યો નહોતો. તાલિબાન અને હક્કાની નેટવર્ક વર્ષ 2016માં એક થઈ ગયા હતા. બરાદરનો પ્રયત્ન હતો તે તાલિબાનની એક છબી રજૂ કરે જેથી દુનિયા તેને માન્યતા આપે. તો હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાના પેરોકાર બન્યું હતું.

અફઘાનિસ્તાનમાં શરણાર્થીઓના મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્રએ પોતાના આતંકીઓની લિસ્ટમાં સામેલ કર્યો હતો. એક પહેલું એ પણ છે કે હક્કાનીનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાનનો પણ તાલિબાન સરકારમાં દબદબો છે જેથી તેના માટે પોતાના ઉદ્દેશ્યને પૂરું કરવાનું સરળ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp