રશિયાનો વર યુક્રેનની લાડી, ભારતમાં ફર્યા સાત ફેરા, કહ્યું યુદ્ધ નહીં પ્રેમ કરો

PC: timesofindia.indiatimes.com

રેફ્યૂજી ફિલ્મનું એક ગીત છે, પંછી, નદિયા, પવનકે ઝોકે, કોઇ સરહદ ઇન્હે ના રોકે. એમાં એમ પણ ઉમેરવું પડે કે પ્રેમને પણ કોઇ સરહદ નડતી નથી. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણકે છેલ્લાં છ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, એ વચ્ચે રશિયાનો વર અને યુક્રેનની લાડીએ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાલામાં હિંદુ રીતિ રિવાજ મુજબ પ્રભૂતામાં પગલાં પાડ્યા છે. લગ્ન પછી નવદંપતિએ કહ્યું કે યુદ્ધ નહી પ્રેમ કરો.

હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાલામાં મંગળવારે રશિયાના યુવક અને યુક્રેનની યુવતીએ સાત ફેરા ફરી લીધા હતા અને લગ્ન જીવનમાં બંધાઇ ગયા હતા. બંનેએ સનાતન ધર્મ અને ભારતીય રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સ્થાનિક લોકોએ મદદ કરી હતી અને આ લગ્ન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ છે, જેમાં બંને પક્ષોની સેનાઓ એકબીજાની સામે મોરચો માંડેલો છે. આ યુદ્ધમાં અત્યાર સુધી બંને દેશોના ઘણા સૈનિકો શહીદ થયા છે. સ્થિતિ વધુ ખરાબ છે, પરંતુ રશિયા અને યુક્રેનના લોકો વચ્ચેનો પ્રેમ ઓછો થયો નથી. પ્રેમની આવી જ એક તસવીર હિમાચલની ધર્મશાલામાંથી જોવા મળી હતી. મંગળવારે મૂળ રશિયાના યુવક અને યુક્રેનની યુવતીએ સાત ફેરા લઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા.

ધર્મશાલામાં આવેલા નારાયણ મંદિર દિવ્ય આશ્રમ ખડૌતામાં આ યુવક યુવતીએ લગ્ન કર્યા હતા. પંડિત સંદીપ શર્માએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોએ પણ જાનૈયા બનીને મજા માણી હતી.

રશિયાનો રહેવાસી Sergei Novikov અને યુક્રેનની રહેવાસી Elona Bramoka  ઘણા સમયથી હિમાચલ પ્રદેશના ધર્મશાલા જિલ્લાના મેકલિયોડગંજના ધરમકોટમાં માં રહે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં રોકાણ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ પછી મંગળવારે બંનેએ ખાડૌટા ગામના રાધા કૃષ્ણ મંદિરમાં લગ્ન કર્યા હતા.જોકે રશિયાના રહેવાસી સેર્ગી નોવિકાએ ઈઝરાયેલની રાષ્ટ્રીયતા મેળવી છે. બંને નવદંપતી આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

 

રશિયા અને યુક્રેને આ દંપતિ પાસેથી પ્રેરણા લઇને 6 મહિનાથી ચાલતા યુદ્ધને હવે સમાપ્ત કરી દેવું જોઇએ. યુદ્ધને કારણે હજારો જિંદગી હોમાઇ ગઇ છે અને આર્થિક નુકશાનનો તો હિસાબ જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp