જ્યારે જર્મનીમાં વહેવા લાગી ચોકલેટની નદી...

PC: bbci.co.uk

ચોકલેટ એ દરેક બાળકની નબળાઈ હોય છે. બાળકો જ નહીં ચોકલેટને જોઇને તો વડીલોના મોંમાં પણ પાણી આવી જાય છે. હવે જરા વિચારો જો રોડ પર તમને ચોકલેટની નદી વહેતી જોવા મળે તો? આમ, તો આ માન્યામાં આવે એવી વાત નથી પણ ખરેખર આવું થયું છે. રસ્તાઓ સામાન્ય રીતે ડામરના હોય છે પણ જર્મનીમાં એક સડકનો રંગ બદલાઈને ભૂરો થઈ ગયો. આવું એટલે થયું કારણ કે, તે સડક પર ચોકલેટની ચાદર પથરાઈ ગઈ હતી.

જર્મનીના વેસ્ટનન શહેરની શેરીઓમાં સોમવારે રાત્રે ચોકલેટની 'નદી' વહેવા લાગી. શહેરની ડ્રેમિસ્ટર ચોકોલેટ ફેક્ટરીની એક ટાંકી ઓવરફ્લો થવાને લીધે નજીકના વેસ્ટસ્ટ્રેસે રોડ પર લિક્વિડ ચોકલેટ વહેવા લાગી, જ્યાં જોતજોતામાં ચોકલેટની નદી જેવું દૃશ્ય ઊભું થઈ ગયું હતું. થોડા સમય પછી ઠંડીને લીધે રોડ પર જ એક ટન જેટલી લિક્વિડ ચોકલેટ જામી ગઈ અને કોઈ કાર્પેટની જેમ પથરાઈ ગઈ.

રસ્તા પર લિક્વિડ ચોકલેટ ઢોળાઈ ગઈ હોવાને કારણે રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને 25 અગ્નિશામકોએ ચોકલેટને સાફ કરવા માટે ગરમ પાણી અને પાવડાનો ઉપયોગ કરી રસ્તો સાફ કર્યો હતો. આ કામમાં ફેક્ટરીના કર્મચારીઓએ પણ મદદ કરી હતી. સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લગભગ બે કલાક સુધી માર્ગ સાફ કરવામાં આવ્યો હતો. તેને સાફ કરવા માટે સખત મહેનત કરવી પડી. આ ઘટનાથી ટ્રાફિક પણ ડાયવર્ટ કરવો પડ્યો. ક્રિસમસ ઉપર થયેલું આ નુક્સાન ફેક્ટરીને થોડું નુક્સાન કરાવી ગયું છે. જો કે, અત્યાર સુધી આપણે ચોકલેટનો આનંદ જ માણ્યો છે પણ થોડાં સમય માટે રસ્તા પર વહી ગયેલી આ ચોકલેટ કર્મચારીઓને ચિંતામાં મૂકી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp