'લોકોના દિમાગમાં ઘૂસી ગયો છે વોક વાયરસ',મસ્કે હવે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા

PC: x.com/elonmusk

બ્રિટન, ફ્રાન્સ અને કેનેડા પછી, કટ્ટર દક્ષિણપંથી ટેક્નોક્રેટ એલોન મસ્કની નજર હવે જર્મન રાજકારણ પર છે. એલોન મસ્કે કહ્યું કે, એવું લાગે છે કે વોક વાયરસ લોકોના દિમાગમાં ઘુસી ગયો છે અને તેમના દિમાગમાં ચેપ લગાવી દીધો છે. એલોન મસ્ક તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આયોજિત સ્પેસમાં જર્મનની દક્ષિણપંથી રાજકારણી એલિસ વિડેલ સાથે વાત કરી રહ્યા હતા.

આ શોના હોસ્ટ ખુદ એલોન મસ્ક બન્યા. એલિસ વિડેલનો પરિચય આપતા, એલોન મસ્કે કહ્યું કે, એલિસ વિડેલ હાલમાં જર્મની ચલાવવા માટે સૌથી લાયક ઉમેદવાર છે.

મસ્કે પ્રસારણ દરમિયાન કહ્યું, 'એલિસ વિડેલ સાથેની વાતચીતમાં આપનું સ્વાગત છે, જે હાલમાં જર્મનીની ચૂંટણી માટે અગ્રણી ઉમેદવાર છે, મારુ એવું માનવું છે.'

અમેરિકાથી લઈને યુરોપ સુધીના રાજકારણને પોતાના નિવેદનોથી પ્રભાવિત કરનાર એલોન મસ્ક આજકાલ વિશ્વભરના રાજકારણમાં રસ લઈ રહ્યા છે. જર્મનીમાં આવતા મહિને એટલે કે 23 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. આ પહેલા, ત્યાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

એલોન મસ્કે આ ચૂંટણીમાં સીધી દખલગીરી કરી દીધી છે. તેમણે જર્મનીના નાગરિકોને એલિસ વિડેલને મત આપવા અપીલ કરી છે.

એલોન મસ્ક અને એલિસ વિડેલ વચ્ચેની આ વાતચીતમાં ઊર્જા નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. મસ્ક અને વિડેલ અતિશય અમલદારશાહી અને 'ગાંડપણભરી' ઊર્જા નીતિઓની ટીકા કરી હતી, અને તે વાત પર સંમત થયા હતા કે, પરમાણુ ઊર્જા પ્લાન્ટને તબક્કાવાર બંધ કરવાનો દેશનો નિર્ણય ખોટો હતો.

મસ્કે કહ્યું, 'જ્યારે મેં જોયું કે, રશિયાએ જર્મનીને ગેસ સપ્લાય બંધ કર્યા પછી જર્મની તેના પાવર પ્લાન્ટ બંધ કરી રહ્યું છે, ત્યારે મને લાગ્યું કે આ મેં ક્યારેક જોયેલી સૌથી વિચિત્ર બાબતોમાંની એક છે.'

વિડેલે જર્મન શિક્ષણ પ્રણાલીની ટીકા કરી. તેમણે કહ્યું, 'આપણી શિક્ષણ પ્રણાલીમાં આ પાગલ, જાગૃત, સમાજવાદી, વામપંથી એજન્ડા છે. તેથી જ બાળકો શાળા, યુનિવર્સિટીમાં કંઈ શીખતા નથી.' વિડેલે વધુમાં કહ્યું કે, 'તેઓ ફક્ત જેન્ડર અભ્યાસ વિશે જ શીખે છે.'

મસ્કે જર્મનીની પરિસ્થિતિની તુલના વ્યાપક સાંસ્કૃતિક વલણો સાથે કરતા કહ્યું, 'એવું લાગે છે કે વોક દિમાગી વાયરસ જર્મનીમાં ખૂબ જ ચેપી રીતે ફેલાયો છે.'

મસ્કના સ્ટેજ પર બોલવાની તક મળવા બદલ વિડેલે આનંદ વ્યક્ત કર્યો, અને કહ્યું કે, એક દાયકામાં કોઈ પણ વિક્ષેપ વિના પોતાના વિચારો રજૂ કરવાની આ તેમની પહેલી તક હતી. મસ્કે જવાબ આપ્યો, 'લોકો એવી બાબતોને સેન્સર કરવાનું પસંદ કરે છે જેની સાથે તેઓ સહમત નથી.'

મસ્કે વિડેલની પાર્ટી AfD માટે પણ મજબૂત સમર્થન વ્યક્ત કર્યું અને જર્મન લોકોને પાર્ટીને ટેકો આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, 'લોકોએ ખરેખર AfDને ટેકો આપવાની જરૂર છે, નહીં તો જર્મનીમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે.' તેમણે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે એલિસ વિડેલ ખૂબ જ બુદ્ધિશાળી મહિલા છે.'

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, જર્મન સુરક્ષા એજન્સીઓએ AfDને એક દક્ષિણપંથી જૂથ તરીકે વર્ણવ્યું છે, જે ઇમિગ્રેશનનો વિરોધ કરે છે. પરંતુ જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા આ પક્ષ બીજા સ્થાને ચાલી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, મસ્કની સ્વતંત્ર ટિપ્પણીઓની સમગ્ર યુરોપમાં ટીકા થઈ છે. સ્પેનિશ PM પેડ્રો સાંચેઝે તેમના પર લોકશાહીને નબળી પાડવાનો આરોપ મૂક્યો, જ્યારે ફ્રાન્સના વિદેશ પ્રધાને EUને બહારના હસ્તક્ષેપ સામે સંરક્ષણ મજબૂત બનાવવા વિનંતી કરી.

હકીકતમાં વોક શબ્દ અમેરિકન સમાજમાં ચાલી રહેલા સાંસ્કૃતિક સંઘર્ષનું ઉત્પાદન છે. વોક શબ્દનો સીધો અર્થ આમ તો સાવધાન રહેવું, સાવચેત રહેવું થાય છે. પરંતુ અમેરિકન દક્ષિણપંથી વર્ગ તેને સાંસ્કૃતિક માર્ક્સવાદ કહે છે. જ્યારે તેના સમર્થકો તેને પ્રગતિશીલ વિચારસરણી સાથે જોડે છે. વોકના વિરોધીઓ કહે છે કે, તેમાં યોગ્યતા માટે કોઈ સ્થાન નથી અને તે બિનજરૂરી રીતે સમાજના સ્થાપિત મૂલ્યોનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. વોકના વિરોધીઓ તેને આત્યંતિક જાતીય અભિગમ સાથે પણ જોડે છે.

ઇન્ટરનેટના પ્રસાર પછી આ શબ્દનો ઉપયોગ ખુબ ઝડપથી વધ્યો. તેના સમર્થકોએ વંશીય સંઘર્ષોમાં આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અમેરિકા અને દુનિયામાં ઘણી જગ્યાએ જાતિવાદ વિરુદ્ધ આંદોલનો શરૂ થયા. 'Stay Woke'સૂત્ર આ ચળવળની ઓળખ બની ગયું.

એલોન મસ્કની જેમ, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ શબ્દની વિરુદ્ધ છે. તેઓએ કહ્યું છે કે, તેઓ 'Wokesters'ને દેશભક્તોથી બદલી નાખશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને Woke પસંદ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp