રશિયાએ એવી તે શું જાહેરાત કરી કે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ

PC: zeenews.india.com

અમેરિકામાં વધતા તનાવ વચ્ચે રશિયાએ એક એવું એલાન કર્યું છે જેને લીધે આખી દુનિયા ટેન્શનમાં મુકાઇ ગઇ છે. રશિયાએ જાહેરાત કરી હતી કે આ વર્ષે 200થી વધારે મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવશે. આ પહેલા રશિયાએ પોતાની મહાવિનાશક નવી મિસાઇલ SATAN-2ના પરિક્ષણની વાત કરી હતી. અંદાજે 10 હજાર કિલોમીટર સુધી વાર કરવાની ક્ષમતા ધરાવતી આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે. એક જ વાર મિસાઇલથી  વાર કરવાથી આખું શહેર તબાહ થઇ શકે એટલી આ મિસાઇલની તાકાત છે.જે દેશોના રશિયા સાથે સબંધો  વણસેલા છે તેવા દેશોમાં રશિયાની આ જાહેરાતને કારણે ભારે ગભરાટ ફેલાયો છે.

રશિયાના રક્ષા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા બયાનમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં આ વર્ષે રશિયા 200થી વધારે મિસાઇલનું પરિક્ષણ કરશે. રશિયાની સમાચાર સંસ્થા તાસના કહેવા મુજબ 2021માં સ્ટ્રેટેજિક મિસાઇલ ફોર્સ વિભિન્ન સ્તરોએ 200 અભ્યાસ કરશે. એમાં મિસાઇલ રેઝિમેન્ટ અને મિસાઇલ ડિવિઝનના રણનીતિક અને વિશેષ અભ્યાસ સામેલ છે.ગયા વર્ષે પણ રશિયાએ અનેક મિસાઇલના પરિક્ષણ કર્યા હતા.

રશિયા હાલમાં ફલાઇટ ટ્રાયલ માટે SATAN2 ઇન્ટરકોન્ટિનેટલ બેલાસ્ટીક મિસાઇલ તૈયાર કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મિસાઇલ કોઇ પણ એર ડિફેન્સ સીસ્ટમનો વિનાશ કરી શકે છે. એક અમેરિકન રિપોર્ટના કહેવા મુજબ SATAN2 10 હજારથી માંડીને 18 હજાર કિ.મી. સુધી  વાર કરી શકે છે. આ મહાવિનાશક મિસાઇલને લઇને નાટો દેશોમાં ભારે ગભરાટનો માહોલ છે, કારણ કે છેલ્લાં કેટલાંક સમયથી આ દેશોના રશિયા સાથેના સબંધ વણસેલાં છે.

ગયા વર્ષે એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટને લઇને રશિયા અને અમેરિકા આમને સામને આવી ગયા હતા. અમેરિકાએ કહ્યું હતું કે રશિયાએ એન્ટી મિસાઇલ ટેસ્ટ કર્યો છે જે કરારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.અમેરિકાએ ચેતવણી આપી હતી કે, જો રશિયા આ પરિક્ષણ ચાલું રાખશે તો રશિયા પર પણ તુર્કીની જેમ કડક આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવશે. તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઇલ ખરીદી હતી જેનાથી નારાજ થઇને અમેરિકાએ તુર્કી પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે.

રશિયાએ આ વર્ષે મિસાઇલ પરિક્ષણ કરવાની જાહેરાત કરવાને કારણે પાવરફુલ દેશો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.

 

 

.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp