વિશ્વ યોગ દિનઃ રવિવારે સવારે 7 કલાકે CMના ફેસબૂક પેજ પર LIVE

PC: Khabarchhe.com

રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ ઓનલાઇન યોગ કાર્યક્રમો ચાલી રહ્યાં છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા વિવિધ ઓનલાઇન યોગ કલાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિશ્વ યોગ દિવસ નિમિતે તા. 21મી જૂને ‘કોમન યોગા પ્રોટોકોલ’ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીના ઓફિશ્યલ ફેસબુક પેઇજ પરથી લાઇવ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધી 126 યોગ કોચને તાલીમ આપવામાં આવી છે. આ તાલીમબદ્ધ યોગ કોચ દ્રારા રાજ્યનાં 5 હજારથી વધુ યોગ ટ્રેનરોને તૈયાર કરાયા છે. આ તૈયાર થયેલા યોગ ટ્રેનરો મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિઓ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ કલાસ શરૂ કરી સતત આરોગ્યલક્ષી પ્રયત્નો થઇ રહયા છે.

ચેરમેને ઉમેર્યુ કે, ભારતીય સંસ્કૃતિ ‘યોગ’ને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાના આશયથી 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષીત કરાવવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુચન કર્યુ હતું. જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર દ્રારા 2015 થી 21મી જુને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જે સંકલ્પને પરીપુર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ 21 જુન 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.

ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર-પ્રસાર થાય અને લોકો યોગમય બને તે માટેના સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 21મી જુન-2020, વિશ્વ યોગ દિને સવારે 07-00 કલાકથી કોમન યોગા પ્રોટોકોલ (CYP) મુખ્યમંત્રીના ફેસબુક પેઇજ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ફેસબુક પેઇજ પરથી લાઇવ કરવામાં આવશે તેમ ચેરમેને ઉમેર્યુ છે.

હાલમાં 21મી જુન, વિશ્વ યોગ દિવસના ઉ5લક્ષમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા તા.05/06/2020 થી તા.21/06/2020સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઓફીશ્યલ ફેસબુક પેઇજ https://www.facebook.com/Gujaratyogboard/ ઉપરથી વિવિધ કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે. જેમાં ચેરમેને યોગસેવક શીશપાલજી દ્રારા સવારના 6-45 થી 7-50 સુધી ઓનલાઇન યોગ કલાસ ચાલી રહ્યા છે. તે ઉપરાંત સવારના 8-00 થી 8-20 સુધી યોગના નિષ્ણાંત મારફતે ‘યોગ’ વિષય ઉપર લેકચર સીરીઝ ચાલી રહી છે અને મહિલાઓ તથા બાળકો માટે સાંજના 05-30 થી 6-30 કલાક સુધી યોગ નિષ્ણાંત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ ચાલી રહ્યા છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા ચાલી રહેલા ઓનલાઇન યોગ કલાસથી લોકોને લાભ મળી રહયો છે અને લોકો 100 સુર્ય નમસ્કાર કરવા માટેનો ચેલેન્જ પણ એકસેપ્ટ કરી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા યોગ ચેલેન્જ સ્વીકારી યોગ અંગેનો 03 મિનિટનો વિડીયો બનાવી અપલોડ કરવા કરવામાં આવેલી અપીલના ભાગરૂપે ગુજરાતમાંથી પણ આ ચેલેન્જને સ્વીકારી યોગ બોર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરી વિડીયો અપલોડ કરવા પ્રેરણા આપવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર દ્રારા તા.14/06/2020 થી 20/06/2020 સુધી ‘યોગ કરીશું કોરોનાને હરાવીશું’ #DoYogaBeatCorona હેશટેગ સાથે રાજ્ય કક્ષાનો યોગ સપ્તાહ કેમ્પેઇન શરૂ કર્યુ છે જે અંતર્ગત યોગ, પ્રાણાયમ અને ધ્યાનના મહત્વને સમજાવવા ભારત અને ગુજરાતના યોગઋષિ સ્વામી રામદેવ મહારાજ, શ્રી શ્રી રવિશંકર મહારાજ તથા સદગુરુજી સહિતના પ્રેરણાદાયી મહાનુભાવોના લાઇવ કાર્યક્રમ મુખ્યમંત્રીના તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓફિશિયલ ફેસબુક પેઇજથી કરવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયા મારફતે ‘તમને યોગ શા માટે પસંદ છે તે એક પ્લેકાર્ડ પર લખીને ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona સાથે પોસ્ટ કરવા’ તેમજ ‘તમારા ફેવરીટ યોગાસન સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona સાથે પોસ્ટ કરવા’ બે રસપ્રદ ટાસ્ક આપવામાં આવ્યા હતા. આ #DoYogaBeatCorona હેશટેગ કેમ્પઈનને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યુ છે.

શિશપાલજીએ જણાવ્યુ છે કે, સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જેનાથી બીમાર વ્યક્તિને સારૂ સ્વાસ્થ્ય મળે છે અને સ્વસ્થ વ્યક્તિને સફળતા મળે છે. યોગ કરી ઇમ્યુનીટી વધારી કોરોનાને હરાવીએ અને કોરાનાને હરાવવા માટે ઇમ્યુનીટી વધારવા માટે સારો ઉપાય એક માત્ર યોગ છે જે ભારતીય સંસ્કૃતિની દેન છે. જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. જેથી યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા સૌને અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp