હાથની આંગળીઓ દ્વારા બનતી મુદ્રાથી વિશેષ શક્તિ અને સફળતા મળી શકે

PC: aboutyoga.in

આધ્યાત્મ જગતમાં માનવીએ પ્રભુ અનુકંપાથી પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ દ્વારા જીવનમાં અસાધારણ શકિત પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ પ્રકારની સાધનાઓનું તંત્ર, મંત્ર, યંત્ર, સ્વરવિદ્યા જેવી અસંખ્ય સાધનાઓ દ્વારા પ્રભુપ્રાપ્તિનો જે માર્ગ સંશોધન કર્યો છે. તેમાં "મુદ્રા' પણ અસંખ્ય રોગોને મટાડવા માટે, સાધનાની પૂર્ણ સફળતા માટે ખરેખર લાભદાયી છે.

મુદ્રાના અનેક અર્થો થાય છે. ઉપાસનાની દૃષ્ટિએ જયોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે શારિરીક ક્રિયાઓ, આસનો, આંગળીઓના વિશિષ્ટ પ્રકારના સમન્વય દ્વારા સર્જાતી, દેખાતી આકૃતિને "મુદ્રા'' કહેવામાં આવે છે. શાસ્ત્ર એમ કહે છે કે મુદ્રા પ્રદર્શન દ્વારા વિશેષ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય એનો સાચો અર્થ એ છે કે તમેં જેમ જેમ વિશેષ પ્રકારની મુદ્રાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરતા જાવ તેમ તેમ તમારામાં વિશેષ પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે.

દેવ એટલે એ ઉર્જા, એ શકિત જેના દ્વારા વિશ્વના પ્રાણી અને પદાર્થ માત્રનું હિત થાય અને કલ્યાણકારી તત્વોની પ્રાપ્તિ થાય.

આમ, જયાં સુધી હાથની મુદ્રાઓનું, આંગળીઓ દ્વારા કરવામા આવતી મુદ્રાઓ શારિરીક દૃષ્ટિએ મનુષ્યના શરીરને પંચતત્વના સમતુલન માટે વિશેષ લાભદાયી હોય છે કારણકે ચાર આંગળી અને એક અંગૂઠો પંચતત્વનો શરીરમાં ઉર્જાના યોગ્ય પ્રવાહને ગ્રહણ કરવાનો અને દૂષિત થયેલા તત્વોને બર્હિગમન કરવાનું મુખ્ય સાધન છે. મુદ્રાઓ દ્વારા જ્યારે શરીરના દૂષિત તત્વો બહાર નીકળી જાય છે. શુદ્ધ કલ્યાણકારી શક્તિદાયીની ઉર્જા જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારે વ્યકિત ધીમે ધીમે વ્યકિત મટીને પરમાત્મામય બની જાય છે. મુદ્રાઓ કરવાનો સમય વિશેષ હોય છે. વિશેષ પ્રકારની મુદ્રા કેટલા સમય સુધી કરવી એના પણ નીતિનિયમો હોય છે.

જયોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું કે જે વ્યકિતની જન્મકુંડળીમાં પાંચમું, આઠમું, નવમું અને બારમું સ્થાન વિશેષ શુભ યોગમાં હોય સૂર્ય-ચંદ્ર-ગુરુ-શનિ-રાહુ-કેતુ દ્વારા વિશેષ આધ્યાત્મિક યોગ સર્જાતા હોય એવા વ્યકિતઓ આવા "ગૂઢ જ્ઞાન - વિજ્ઞાન' પ્રત્યે ખૂબ જ રસ ધરાવતા હોય છે. જ્ઞાન મેળવી જ્ઞાનનો આનંદ માણતા હોય છે અને મનુષ્ય જીવનને ધન્ય ધન્ય બનાવી દેતા હોય છે.

હાથની આંગણીઓ, અંગૂઠો, પંચતત્વના પ્રતિક

શિવ સ્વરોદયના સૂત્રોમાં નાડી પ્રભુત્વ, તત્વ દર્શનમાં મનુષ્યના હાથને આંગળી અને અંગૂઠાને પંચતત્વના સમન્વય માટે વિશેષ માધ્યમ ગણવામાં આવે છે. તેમાં પણ તર્જની આંગળી (અંગૂઠાની પાસેની પહેલી આંગળી) વાયુતત્વ અંગૂઠાથી બીજી આંગળીમાં (મધ્યમાં) અગ્નિ તત્વ, અંગૂઠાથી ત્રીજી આંગળી અને છેલ્લી આંગળીથી બીજી આંગળી (અનામિકા) જળતત્વ અને છેલ્લી આની આંગળી (કનિષ્ટિકા) પ્રભુતત્વના પ્રવાહનું મુખ્ય માધ્યમ છે.

વાયુ અને આકાશ તત્વનો સમન્વય થાય ત્યારે જ્ઞાન મુદ્રા બને છે. જ્ઞાન મુદ્રા દ્વારા વ્યકિત ક્રમશઃ પંચતત્વો પર વિજય મેળવી સમાધિસ્ત થાય છે. જ્ઞાન મુદ્રા દ્વારા મન અને મગજના અનેક રોગો પર વિજય મેળવી શકાતો હોય છે. અનેક રોગોને દૂર કરી શકાતા હોય છે. ભારતીય સંસ્કૃતિનું નાડી વિજ્ઞાન, મુદ્રા વિજ્ઞાન, ધ્યાન યોગ ચિકિત્સા, વૈદિક ચિકિત્સા એકવીસમી સદીમાં વિશ્વ માટે માર્ગદર્શક, પથ પ્રદર્શક બનશે. તે પહેલા ફરી ભારતીય સંસ્કૃતિમાં માનનારા એક એક માનવીએ આ જ્ઞાન નિષ્ઠાપૂર્વક અંતઃકરણથી અપનાવી તન, મન, ધનની સમૃદ્ધિ મેળવવી જ જોઈએ. પ્રાણાયામમાં પણ મુદ્રાઓના મહત્વને વિશેષ મહત્વ આપવામા આવ્યું છે. કાલિકાપુરાણમાં લખ્યું છે - "મુદ્રા વિના તુ યજ્જાપ્યવ પ્રાણાયમ સુરાર્ચન...યોગોધ્યાનસંન યાપિ નિષ્ફલાનિ તુ ભૈરવ"

ભારતીય સંસ્કૃતિમાં સંધ્યા વંદનનું મુખ્ય મહત્વ છે. તેમા પણ ચોવીસ મુદ્રાઓનુ વિશેષ મહત્વ છે. સંધ્યા સમયમાં કરવામાં આવતી ચોવીસ મુદ્રાઓના નામ આ પ્રમાણે છે.

સંધ્યા વંદન સમયે મુદ્રાઓ દ્વારા ઉર્જા ગ્રહણ:

સમ્મુખં, સમ્પુટં, વિતંતં, વિસ્તૃતં, દ્વિમુખં, ત્રિમુખં, ચર્તુમુખં, પંચમુખં, ષષ્મુખં, અધોમુખં, વ્યાપાકં, અંજલી, શકટં, યમપાશં, ગ્રથિંતં, સમ્મુખોન્મુખં, પ્રલયં, મુષ્ટિકં, મત્સ્ય, કૂર્મ, વરાહકં, સિંહક્રાન્તં, મહાક્રાન્તં, મુદ્‍ગરં

આજ રીતે સંધ્યાના ઉત્તરાર્ધના બીજા આઠ મુદ્રાઓના નામ આ પ્રકારે છે.

સુરભિ, જ્ઞાનં, વૈરાગ્ય, યોનિ, શંક, કમલં, લિંગ, નિર્વાણ

આ રીતે બત્રીસ મુદ્રાઓ દ્વારા શરીરમાં સુષુપ્ત નાડીઓ, ચક્રોને જાગૃત કરવામાં વિશેષ સહયોગ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp