ગરવી ગુજરાતણનું ઝાંખુ પડ્યું ઓજસ - Ep. 51
અમેરીકાથી મહેમાન આવ્યા છે, અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરી ઇવાન્કા ટ્રમ્પ. હૈદરાબાદમાં આયોજીત આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિક સંમેલનમાં ઇવાન્કાની હાજરી ઉડીને આંખે વળગે તેવી છે. આ કાર્યક્રમમાં પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા સશક્તિકરણનું ચિત્ર દુનિયાની સામે બતાવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યુ કે ભારત દેશમાં મહિલાઓનો ઇતિહાસ ઘણો મજબૂત રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ યાદીમાં નારીનો પ્રભાવ ઝાંખો થઇ ગયો છે. એક તરફ સરકાર 36 ટકા મહિલા અનામતની જોગવાઇ કરે છે, તો શું તે અનામત રાજકારણ માં ન મળે? વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે માત્ર 6.59 ટકા મહિલા ઉમેદવાર અને કોંગ્રેસે 5.49 ટકા મહિલા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે આ ઉમેદવારોમાંથી જો ઘણા ઉમેદવાર હારે તો આ ટકાવારી હજુ નીચે જઇ શકે છે, ત્યારે સવાલ એ થાય કે હજુ પણ ભારત દેશને પુરુષ પ્રધાન દેશ કહી શકાય, શું નારીશક્તિને હંમેશાં હાંસિયામાં જ ધકેલી દેવામાં આવશે? આ ચિત્ર જોતા તો એવું લાગે છે કે આવનારા પાંચ વર્ષોમાં નારીની સમસ્યાને વાંચા કોણ આપશે, કોણ બનશે સ્ત્રીઓના મંસિહા, શું ફરી 21મી સદીની નારી અબળા બની જશે. જવાબ ના હોવો જોઇએ? જો વિદેશી મહિલા ભારતમાં આવે અને નારી શક્તિની વાત કરે ત્યારે ભારતીય નારીને પણ બહાર આવવાની તક મળવી જ જોઇએ. આ તક કોઇએ પણ ગુમાવવી ન જોઇએ. આવો સાથે મળીને સંકલ્પ કરીએ, રસોઇ ઘરમાં બેસેલી મહિલાઓને બહાર કાઢીને તેમની પાસે મતદાન કરાવીએ અને કરીએ અને ભારતની નારીને સશક્ત બનાવીએ. Khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હીતની ગુણિયલ ગુજરાતની જય હો.