ક્રોધનો ત્યાગ
કડવા અનુભવોમાંથી ક્રોધને દાબી દેવો એટલી એક અગત્યની વાત હું 30 વરસમાં શીખ્યો છું. દાબી રાખેલી ઉષ્ણતામાંથી જેમ શક્તિ પેદા થાય છે તેમ સંયમમાં રાખેલ ક્રોધમાંથી પણ એવું બળ પેદા કરી શકાય કે જે સારા જગતને હચમચાવી નાખે.
આચારસંહિતાથી ચલિત થવાના સવાલ પર હું મિત્રો કે દુશ્મનો કોઈને પણ બાકી મૂકતો નથી એ તો હવે જાણીતી વાત છે.
મને ક્રોધ નથી ચડતો એમ નહીં. હું ક્રોધને પ્રગટ નથી થવા દેતો. અક્રોધરૂપી ધીરજનો ગુણ હું કેળવું છું, અને સામાન્ય રીતે એમાં ફાવું છું. પણ મને જ્યારે ક્રોધ ચડે ત્યારે હું એને દબાવું છું. હું કેમ દબાવી શકું છું એ નકામો પ્રશ્ન છે, કેમ કે એ ટેવ દરેક માણસે કેળવવી જોઈએ ને સતત અભ્યાસથી એ પાડવી જોઈએ.
જો મારામાં વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનોયે આપઘાત કર્યો હોત.
હું પ્રખર આશાવાદી છું, કારણ કે મને મારી જાતમાં વિશ્વાસ છે. હું આ કહું છું એમાં તુમાખી દેખાય છે, નહીં? પણ હું તો આ અતિ નમ્રભાવે કહું છું. ઈશ્વર સર્વસત્તાધીશ છે એમ હું માનું છું. હું સત્યનો પૂજારી છું, અને તેથી આ દેશના બલકે, મનુષ્યજાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે મને લેશમાત્ર શંકા નથી.
હું મારી જાત તરફથી બહુ આશા રાખું છું અને તેથી જ હું આશાવાદી છું. હું જાણું છું કે એ આશા ફળીભૂત થઈ નથી, પણ એનું કારણ એ છે કે હું સંપૂર્ણ નથી. જો હું સંપૂર્ણ હોત તો આજે તમારી સાથે બધી ચર્ચા કરવાની જરૂર ન હોત. હું જ્યારે સંપૂર્ણ હોઈશ ત્યારે પ્રજાને તો મારે માત્ર એક બોલ જ કહેવાનો હશે અને તે, એ ઉઠાવી લેશે. હું આ સ્થાન સંપૂર્ણ સેવા કરીને પામવા માગું છું.
જો મારી કંઈ ફિલસૂફી છે એમ કહી શકાય તો એ ફિલસૂફી પ્રમાણે કોઈનું કામ કોઈ પણ બહારા મનુષ્યને કે સમૂહને હાથે બગડતું જ નથી. જ્યારે કામ જો પોતે જ બૂરું હોય, અથવા તો કામ સારું પણ તેના હિમાયતીઓ જૂઠા, હૃદય-દુર્બળ કે મેલા હોય ત્યારે જ એ કામ બગડે છે, ને બગડે એ યોગ્ય છે.***અહિંસાનું આચરણ
આપણે તો સત્ય અને અહિંસાના પાયા ઉપર સમાજસ્થાપના કરનારા નિષ્ણાતો બનવું રહ્યું છે. આપણે સત્યઅહિંસાને માત્ર વ્યક્તિના આચરણને લગતી જ બાબતો નહીં, પણ જનસમૂહો, કોમો અને રાષ્ટ્રો દ્વારા આચરણલાયક બનાવવી છે. - કંઈ નહીં તો મારું તો એ સ્વપ્નું છે જ. એ સ્વપ્નને સિદ્ધ કરવા પ્રયત્ન કરતાં કરતાં જ હું જીવીશ અને મરીશ.
મારી શ્રદ્ધાને બળે રોજરોજ હં નવા સત્યનાં દર્શન કરું છું. અહિંસા આત્માનો ગુણ છે અને તેથી દરેક જણે જીવનના તમામ વહેવારમાં તેને આચરવો રહ્યો છે. બધાં કામોમાં અને બધી દિશાઓમાં જો તે ન આચરી શકાય તો એની વહેવારુ કિંમત કંઈ જ નથી.
મારી શ્રદ્ધા તો સત્ય અને અહિંસામાં દિનપ્રતિદિન વધતી જ જાય છે. અને જેટલે અંશે સમજુ છું તેટલે અંશે તેનો અમલ કરનાર હું પણ વધતો જાઉં છું. એ વસ્તુ જ એવી છે કે એ ક્ષીણ નથી થતી પણ ક્ષણેક્ષણે વધતી જાય છે. એમાં ક્ષણેક્ષણે નવીનતા જોઉં છું, નવો પ્રકાશ પડતો જોઉં છું.
જ્યાં જ્યાં લોક મુશ્કેલીઓમાં આવી પડે ત્યાં ત્યાં તેમને છોડાવવા દોડી જનાર ક્ષતિ-પરિવ્રાજક થવાનો ધંધો કરવો એવું મેં મારું જીવનકાર્ય માન્યું નથી. પણ લોકો શી રીતે પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે તે દેખાડવું એ મારો નમ્ર વ્યવસાય છે.
મારી ત્રુટિઓ અને ભૂલોને પણ મારી સફળતા અને શક્તિની માફક હું ઈશ્વરની એનાયત સમજુ છું અને બંને હું તેને ચરણે ધરું છું. ઈશ્વરે મારા જેવા અપૂર્ણ મનુષ્યને આવા મહા પ્રયોગને માટે કેમ પસંદ કર્યો હશે? અહંકારથી નથી કહેતો, પણ મને ચોખ્ખું ભાસે છે એટલે કહું છું કે પરમાત્માને હિંદુસ્તાનનાં કરોડો મૂંગા, અજ્ઞાન ગરીબોને માટે કામ લેવું હતું એટલે તેણે મારા જેવા અપૂર્ણને પસંદ કર્યો. મારા કરતાં વધારે પૂર્ણ પુરૂષને જોઈને એ બાપડાં કદાચ મૂંઝાઈ જાત. પોતાની જેમ ભૂલો કરનારા મને જોઈને તેમને પણ વિશ્વાસ બેઠો કે તેઓ પોતાની ભૂલો સુધારી શકે અને આગળ વધી શકે. પૂર્ણ પુરૂષને કદાચ તેઓ પિછાની પણ ન શકત અને તેને ગુફામાં ચાલ્યા જવું પડત. મારા પછી જે આવશે તે પૂર્ણ હશે અને તેનો સંદેશો ઝીલવાને માટે પણ તમે એટલા સમયમાં લાયક થઈ ગયા હશો.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર