અહંકારનો ત્યાગ
હું જાણું છું કે મારે હજુ વિકટ માર્ગ કાપવાનો છે. તેને સારુ મારે શૂન્યવત્ બનવાનું છે. મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે.
જો આપણે ધર્મ, રાજકારણ, અર્થકારણ ઈત્યાદિમાંથી 'હું' અને 'મારું' ભૂંસી કાઢીએ તો આપણે તરત આઝાદ થઈએ અને પૃથ્વી પર સ્વર્ગ ઉતારીએ.
સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે. પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું. આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે એમાં હું મુદ્દલ અતિશયોક્તિ નથી જોતો.
સત્યનું પાલન કરવા ઈચ્છનાર અહંકારી કેમ થઈ શકે? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય છે?
માણસની શક્તિને મર્યાદા હોય છે, અને જે ઘડીએ માણસ પોતાના મનમાં ફુલાય છે કે હર પ્રકારનાં કાર્ય કરવા પોતે સમર્થ છે, તે ઘડીએ ભગવાન તેનું ગર્વ ખંડન કરવા હાજર હોય છે. મારી વાત કરું તો બાળક પાસેથી કે ધાવણાં બચ્ચાં પાસેથી મદદ મળતી હોય તો તેમની પાસે જવા પૂરતી નમ્રતા સહેજે મારામાં છે.
મારું નસીબ જ એવું છે કે જે જે પ્રવૃત્તિ મેં મારી જિંદગીમાં ઉપાડી છે તે બધી, મારા શોધવા ગયા વિના પોતાની મેળે મારા ખોળામાં આવીને પડેલી છે. હું અહીં, વિલાયતથી આવ્યો ત્યારથી જ એ વસ્તુનો અનુભવ કરી રહ્યો છું.*****
સહુની સાથે બંધુતા
જ્યારે પણ હું કોઈ ભૂલ કરનારને જોઉં છું, તો મને થાય છે કે હુંયે ભૂલ કરનાર છું, એટલે જ સૌને હું મારી દૃષ્ટિમાં રાખું છું, એ સૌનું હિત જોયા વિના હું વિચાર નથી કરી શકતો.
કોઈનું આપણી પાસે લેણું હોય તેના કરતાં કોડી વધારે આપી દઈશ તો ઈશ્વર મને નથી પૂછવાનો, તેના લેણા કરતાં કોડી ઓછી આપીશ તો ઈશ્વર જરૂર મને પૂછવાનો છે.
એક અદના માણસ તરીકે માણસજાતની અપૂર્ણતાઓનું મને એટલું બધું ભાન છે કે કોઈ પણ માણસ કાંઈ કરે તો હું તેના ઉપર ચિડાતો નથી. મારી રીત તો જ્યાં અન્યાય જોવામાં આવે ત્યાં તે અન્યાયનો જ ઉપાય કરવાની છે, અન્યાય કરનારને નુકસાન કરવાની નથી જ, -જેમ હું સતત ભૂલ કરી રહ્યો છું તે માટે મને કોઈ ત્રાસ આપે એવું નથી ઈચ્છતો તેમ.
હું સત્યપ્રતિજ્ઞાથી કહી શકું કે માણસના દોષ જોવામાં હું ધીમો છું, કારણ હું પોતે દોષથી ભર્યો છું. કોઈ પર કાજીપણું ન કરવાનું અને કોઈની ત્રુટિઓ દેખાય ત્યાં પણ આકરા ન થતાં ઉદારભાવે જોવાનું હું શીખ્યો છું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર