સમાજવાદ
હું સોશલિસ્ટ ભાઈઓને કહું છું કે આપણે ત્યાં તો
સબૈ ભૂમિ ગોપાલકી, વામેં અટક કહાં?
જાકે મનમેં અટક હૈ, સોઈ અટક રહા.
એટલે કે ભૂમિ જમીનદારની નથી કે મિલામાલિકની નથી કે ગરીબની નથી, એ તો ગોપાલની છે. ગાયોનું પાલન કરે તેની છે. ગોપાલ એ તો ઈશ્વરનું નામ છે, એટલે એ તેની છે, આપણી તો કહી શકાતી નથી. પણ તેમાં આપણા પૂર્વજોની શિખામણનો કોઈ દોષ નથી. દોષ આપણો છે કે આપણે તેને જીવનમાં ઉતારી નથી શકતા.
મને એમાં જરાય સંદેહ નથી કે રુસ સહિત કોઈ પણ રાષ્ટ્ર માટે આ મેળવવું જેટલું સહેલું છે, તેટલું જ આપણે માટે પણ છે અને તેને માટે હિંસા કરવાની જરૂર નથી.
ભલીભાંતી જીવવા રહેવા જોઈએ તે કરતાં વધુ જમીન કોઈ માણસ પાસે ન હોવી જોઈએ. આપણી આમપ્રજાનું દારુણ દારિદ્ર તેમની પાસે પોતાની કહી શકાય તેવી કશી જમીન ન હોવાને કારણે જ છે એ વાતની કોનાથી ના પડાય એમ છે?
પશ્ચિમનો સમાજવાદ
પશ્ચિમની સામાજિક વ્યવસ્થાનો હું સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરતો આવ્યો છું અને મેં જોયું છે કે પશ્ચિમના લોકોમાં જે બેચેની ને અસંતોષ વ્યાપી રહ્યાં છે તેની પાછળ સત્યની વ્યાકુળ ખોજની ભાવના રહેલી છે. એ ભાવનાની હું કદર કરું છું. આપણી પૂર્વની સંસ્થાઓનો એ વૈજ્ઞાનિક શોધની ભાવનાથી આપણે અભ્યાસ કરીએ એટલે દુનિયાએ કલ્પ્યો હોય તેના કરતાં વધારે સાચો સમાજવાદ કે વધારે સાચો સામ્યવાદ આપણે વિકસાવી શકીશું. પશ્ચિમનો સમાજવાદ કે સામ્યવાદ આમજનતાની ગરીબાઈના સવાલનો આખરી ઉકેલ છે એમ માની લેવું એ ખોટું છે.
મૂડીદારો મૂડીનો દુરૂપયોગ કરે છે એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. મેં કહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે જ્યારે કેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ 'વૈજ્ઞાનિક સમાજવાદ'ને નામે ઓળખાય છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદીઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું.
એ વાત સાચી છે કે હું હંમેશા કેવળ શુદ્ધ અહિંસાનાં સાધનનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ અહિંસાશાસ્ત્રનું મારું અજ્ઞાન હશે. એ સિદ્ધાંત વિશેની મારી શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય છે. પણ એમ બને કે હું એ સિદ્ધાંતનું વિવરણ કરવાને અપાત્ર હોઉં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર