પરસ્પર સહિષ્ણુતા

25 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: thefamouspeople.com

પરસ્પર સહિષ્ણુતા જ આચરણનો સર્વશ્રેષ્ઠ નિયમ છે. આપણા સહુના વિચાર એકસરખા નહીં જોવા મળે અને સત્યને આપણે હંમેશાં ખંડિત અને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોશું. અંતરનો અવાજ સૌને માટે સરખી વસ્તુ નથી. એટલે વ્યક્તિગત આચરણ માટે એ જોકે માર્ગદર્શક છે, પણ એ આચરણને બધા પર લાદવું એ બીજાના અંતરાત્માની સ્વતંત્રતામાં અસહ્ય હસ્તક્ષેપ કરવા બરાબર થાય... અંતરાત્માને પૂછીને ચાલનારી વ્યક્તિઓના વિચારોમાં પણ પ્રામાણિક મતભેદ માટે પૂરતો અવકાશ છે. તેથી કોઈપણ સભ્ય સમાજમાં પરસ્પર સહિષ્ણુતા એ જ આચરણનો નિયમ હોવો જોઈએ.

શાંત રહીને જ બધા ક્ષમા બતાવે? ક્ષમા એટલે શું? કેવળ અક્રોધ? અક્રોધથી ક્રોધને જિતાય એમ બુદ્ધ ભગવાને કહ્યું ત્યારે અક્રોધ એટલે કશું કરવું નહીં, ચૂપ રહેવું એમ કહેવા ધાર્યું હશે? મને નથી લાગતું. क्षमा वीरस्य भूषणम् કહ્યું, એ ક્ષમા તે કેવળ નિષ્ક્રિય ક્ષમા હશે? ના. એ અક્રોધ એ ક્ષમા દયામાં પરિણમે, પ્રેમમાં પરિણમે ત્યારે એ શુદ્ધ ક્ષમા- વીરનું ભૂષણ બને છે. ક્રોધની સામે ક્રોધ ન કરતાં ક્રોધીને જઈને કહીએ કે તમને ક્રોધ કરાવવા માટે માફી માગું છું, અને પછી તેને નમ્રતાથી સમજાવવું કે સામાની કંઈ ભૂલ થાય તો પણ ક્રોધ કરવો એ બરોબર નથી. આમ, આત્માની શક્તિનો પ્રયોગ કરવામાં ક્ષમા રહેલી છે. અહિંસા એ આળસ નથી, પ્રમાદ નથી, અશક્તિ નથી, એ સક્રિયતા છે. આવી રીતે આત્માની શક્તિ પ્રગટ કરીને આપણે સામાનું જ નહીં પણ જગતનું કલ્યાણ કરવું એવું જ્ઞાન એ ક્ષમા વિશે રહેલું હોવું જોઈએ. આ ક્ષમા, આ પ્રેમ જેનામાં હોય તે પ્રગટાવી શકે એ સાચી વાત છે. પણ એ ધીમે ધીમે કેળવી શકાય તેવો ગુણ છે.

જે વ્યક્તિઓ માટે સાચું છે તે રાષ્ટ્રો માટે પણ સાચું છે. ક્ષમાશીલતાને કોઈ મર્યાદા નથી. નબળો માણસ કદી ક્ષમાવાન બની શકે નહીં. ક્ષમા એ તો બળવાનનું ભૂષણ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.