વિરોધી સાથે પ્રેમભાવ
મતભેદ ગમે તેટલા હોય તો પણ પ્રેમભાવ તો ચાલુ જ રહેવો જોઈએ. જો એમ ન હોય તો મારે મારી પત્નીના પણ શત્રુ બનવું જોઈએ. આ જગતમાં મતભેદ સમૂળો ન હોય એવી બે વ્યક્તિ હું જાણતો નથી. ગીતાનો સમદૃષ્ટિનો ઉપદેશ માનતો હોઈ મેં તો મારી જિંદગીમાં એવો પ્રયત્ન કર્યો છે કે જેની સાથે મતભેદ હોય તેની સાથે તેટલો જ સ્નેહ રાખું, જેટલો મારાં માતાપિતા, બંધુ, ભગિની, પત્ની સાથે રાખું.
જેમનાં સિદ્ધાંતોનો કે નીતિનો મારે વિરોધ કરવો પડે છે તેમનો જ પ્રેમ અને વિશ્વાસનું હું હંમેશા પાત્ર બન્યો રહું એ બિના મારા જીવનની એક કાયમના સુખની સેર છે. દક્ષિણ આફ્રિકામાં મારું આયુષ્ય લડતમાં વીત્યું પણ અંગત નાતે ત્યાંના નિવાસીઓએ વિશ્વાસ અને મૈત્રી મારા પર વરસાવેલાં.
આજે પણ બ્રિટિશ રાજ્યનીતિ અને તંત્રના મારા આવડા વિરોધ છતાં હજારો અંગ્રેજ સ્ત્રીપુરૂષો મારા પર પ્રેમ ધરી રહ્યાં છે અને આજના આધિભૌતિક સુધારાને હું મુક્તકંઠે વખોડતો હોવા છતાં મારા યુરોપિયન તથા અમેરિકન મિત્રોની સંખ્યા વધે જ જાય છે. આ બધો અહિંસાનો જ વિજય છે.
જાણીજોઈને હું કોઈ પણ જીવની હિંસા કરી શકું એમ નથી, તો મનુષ્યહિંસાની તો વાત જ શી? પછી, ભલેને, તે માણસોએ મારું કે જેમને હું મારાં સમજું તેમનું ભારેમાં ભારે અહિત કર્યું હોય!
મારા જીવનભરમાં એવું કદી બન્યું નથી ને કોઈ બતાવી પણ નહીં શકે કે મેં કોઈનું શત્રુત્વ કર્યું હોય, કોઈને શત્રુ માન્યો હોય. મારો ધર્મ મને નથી શીખવતો કે કોઈ પ્રાણીનો કે જીવનો હું દ્વેષ કરું અથવા કોઈ ધર્માવલંબીનો દ્વેષ કરું.
*****
હું નાહિંમત નથી
હાર મને નાહિંમત નથી કરી શકતી. એથી તો કેવળ હિંમત વધે છે... મને વિશ્વાસ છે કે ઈશ્વર મને માર્ગ બતાવશે. માણસનું ડહાપણ જ્યાં ન ચાલે ત્યાં સત્ય તો જરૂર ચાલે.
મેં મારો આશાવાદ કદી છોડ્યો નથી. જ્યારે આસપાસ ઘોર અંધારું દેખાયું છે એવે વખતે મારા હૃદયમાં આશાની જ્યોત ઝગમગાટ બળતી રહી છે. એ આશાને હું પોતે તો સંહારી નહીં જ શકું. એ આશા સાચી પડવા જેટલું નજરે દેખાય એવું પારખું હું આપી શકતો નથી. પણ મારા મનમાં હાર જેવી વસ્તુ છે જ નહીં.
ભવિષ્ય વિચારવું એ મારું કામ નથી. મારી ફરજ વર્તમાનને સંભાળવાની છે. આવતી વળ ઉપર ઈશ્વરે મને કશોયે અધિકાર નથી બક્ષ્યો....
****
અંતરાત્માનો અવાજ
જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે કે જ્યારે કોઈ વિશે આપણને બાહ્ય પ્રમાણની અપેક્ષા રહેતી નથી. અંતરાત્મા આપણને કહે છે : 'તું ખરા રસ્તે છે, જમણી કે ડાબી બાજુએ ન વળતો, પરંતુ તે સીધા અને સાંકડા માર્ગે તું ચાલ્યા કરજે.'
તમારા જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે તમે ઉત્તમ મિત્રોને સાથે રાખી શકતા ન હો છતાં પણ તમારે તમારું કર્તવ્ય બજાવવું પડે છે. કર્તવ્યનો સંઘર્ષ ઊભો થાય ત્યારે તમારે તમારી અંદર રહેલા 'નાનકડા શાંત અવાજ'ને હંમેશ છેવટનો નિર્ણાયક બનાવવો જોઈએ.
અંતર્નાદ ચોખ્ખી રીતે સાંભળી શકાય એવું અંતઃકરણ શુદ્ધ કરવાને સારુ લગભગ અર્ધા સૈકાનો મારો અવિચ્છિન્ન પ્રયત્ન છે. એ પ્રયત્નને અંતે અંતર્નાદ સાંભળવાની થોડી થોડી શક્તિ મળી છે, એમ મેં માન્યું છે.
મારા અંતરાત્માનો અવાજ સાંભળતો હું અટક્યો કે હું નકામો થઈ પડવાનો છું એમ ખચીત માનજો.
પ્રાયશ્ચિત એ મારે સારુ યાંત્રિક ક્રિયા નથી. અંતરાત્માનો અવાજ કહે ત્યારે જ હું પ્રાયશ્ચિત કરું છું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર