કોમી સંવાદિતા
હું જાણું છું કે મારા જીવતાં નહીં તો મારા મરણ પછી હિંદુ અને મુસલમાન, બંને તેના સાક્ષી હશે કે મેં સાંપ્રદાયિક શાંતિની લાલસા ક્યારેય છોડી નહોતી.
મારી અભિલાષા તો એ છે કે જરૂર હોય તો મારા લોહીથી બંને કોમોને હું સાંધું.
હું જેટલો હિંદુને ચાહું છું તેટલો જ મુસલમાનોને પણ. મારું હૃદય હિંદુઓ માટે જેટલી લાગણી અનુભવે છે, તેટલી જ લાગણી મુસલમાનો માટે પણ અનુભવે છે. જો હું મારા હૃદયને ચીરીને બતાવી શકું તો, તમે જોઈ શકત કે તેમાં કોઈ અલગ-અલગ ખાનાં નથી, એટલે કે એક ખાનું હિંદુ માટે, બીજું એક મુસલમાન માટે, અને એવું જ બીજા માટે.
એકતાનો અર્થ
મને છેક જુવાનીની શરૂઆતથી એની (હિંદુ-મુસલમાન એકતાની) લગની લાગેલી છે. કેટલાક ખાનદાનમાં ખાનદાન મુસલમાનોની હું મારા મિત્રોમાં ગણના કરું છું. એક મુસલમાન બહેન છે તે મારે મન મારા ફરજંદથી પણ અધિક છે. મુંબઈની જુમા મસ્જિદના મરહૂમ મુઆઝીનના દીકરા એક ચુસ્ત આશ્રમવાસી હતા.
આપણો ઉદ્દેશ સમાન હોય, આપણું ધ્યેય સમાન હોય અને આપણાં દુઃખો સમાન હોય એમાં હિંદુ-મુસલમાન ઐક્ય સમાયેલું છે. અને આ ઐક્ય, સમાન ધ્યેય માટે સહકાર સાધીને એકબીજાના દુઃખમાં ભાગીદાર બનીને, તથા પરસ્પર સહિષ્ણુતા કેળવીને સૌથી સારી રીતે સાધી શકાશે.
હિંદુ-મુસલમાનનું ઐક્ય એટલે કેવળ હિંદુ અને મુસલમાન કોમ વચ્ચેનું જ ઐક્ય નહીં, પણ જે જે કોઈ લોકો - પછી તે ચાહે તે ધર્મને માનતા હોય - હિંદુસ્તાનને પોતાનું ઘર માની આ દેશમાં વસે છે તે બધા વચ્ચેનું ઐક્ય.
જેમ ધર્મનો પાયો પ્રેમ છે તેમ અમારી મૈત્રીનો પાયો પણ પ્રેમ છે. હું પ્રેમના હકથી મુસલમાનોની મિત્રતા મેળવવા ઈચ્છું છું અને એક જ કોમ પોતાના પ્રેમમાં કાયમ રહે તો પણ આપણા રાષ્ટ્રીય જીવનમાં એકતા એ સિદ્ધ થયેલી વસ્તુ થઈ પડે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર