અસ્પૃશ્યતાનો શાપ

05 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: thevoiceofnation.com

મારે પુનર્જન્મ નથી લેવો. મેં પ્રભુની પ્રાર્થના કરેલી કે હું આવતે જન્મે જન્મું તો અંત્યજ જ જન્મું અને તેમને પડતાં દુઃખો અનુભવું ને તે ઓછાં કરવા તપશ્ચર્યા કરું. હું બ્રાહ્મણ, વૈશ્ય કે શૂદ્ર પણ નહીં પણ અિતશૂદ્ર જ જન્મવા ઈચ્છું છું.

હું મારી પત્નીને પરણ્યો તે પહેલાં ઘણા વખત પર અસ્પૃશ્યતાનિવારણને વર્યો હતો. અમારા સંયુક્તજીવનમાં બે પ્રસંગો એવા આવ્યા હતા જ્યારે મારે અંત્યજોને માટે કામ કરવાની અને પત્નીની સાથે રહેવાની વચ્ચે પસંદગી કરવાની હતી, અને મેં પહેલી જ પસંદગી કરી હોત. પણ મારી પત્નીની ભલાઈને લીધે એ અણીનો વખત ટળી ગયો. મારો આશ્રમ જે મારું કુટુંબ છે તેમાં કેટલાયે અંત્યજો છે, અને એક મીઠી પણ તોફાની બાળા મારી પોતાની દીકરી તરીકે રહે છે.

લોકો પ્રત્યેના પ્રેમને જ કારણે મારા જીવનમાં અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્નને દાખલ કર્યો. મારી મા કહે, 'તારાથી આ છોકરાને ન અડકાય, એ અસ્પૃશ્ય છે.' 'કેમ નહીં?' મેં સામું પૂછ્યું. અને તે દિવસથી મારો બળવો શરૂ થયો.

જો હિંદુસ્તાનની વસતીના પાંચમા ભાગને આપણે કાયમને માટે દબાયેલો રાખવા માગતા હોઈશું અને રાષ્ટ્રીય સંસ્કૃતિનાં અમૃતફળથી એને ઈરાદાપૂર્વક વંચિત રાખવા માંગતા હોઈશું તો સ્વરાજ્ય એક અર્થહીન શબ્દ બની રહેશે. આત્મશુદ્ધિની આ મહાન ચળવળમાં આપણે ઈશ્વરની સહાય માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, પરંતુ એ જ ઈશ્વરે સર્જેલાં જે મનુષ્યોને માનવતાના અધિકારોની સૌથી વધારે જરૂર છે તેમને તે અધિકારો આપવા ના પાડીએ છીએ. અને જ્યારે આપણે પોતે જ નિષ્ઠુર છીએ, ત્યારે બીજાઓની નિષ્ઠુરતામાંથી આપણને છોડાવવા માટે આપણે પ્રભુના સિંહાસન આગળ પ્રાર્થના ન કરવી જોઈએ.

હિંદુ ધર્મની સુધારણા તેમ જ રક્ષાને અર્થે અસ્પૃશ્યતાનિવારણ એ જ સૌથી મોટી વસ્તુ છે... અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય એ આધ્યાત્મિક ક્રિયા છે.

અસ્પૃશ્યતા અથવા સ્પર્શાસ્પર્શનો મેલ હિંદુ ધર્મમાં રહેશે તો તેનો નિશ્ચે નાશ છે.

અસ્પૃશ્યતા જીવે એના કરતાં તો હિંદુ ધર્મ રસાતળ જાય એ હું વધારે ઈચ્છું.

અસ્પૃશ્યતા સામે સંગ્રામ ચલાવવામાં અને એ સંગ્રામમાં જાતને હોમી દેવામાં મારી મહત્વાકાંક્ષા મનુષ્યસમાજનો સંપૂર્ણ કાયાપલટો થયેલો જોવાની છે. એ ખાલી સ્વપ્નું હોય, છીપમાં રૂપું જોવા જેવો આભાસમાત્ર હોય. જ્યાં સુધી એ સ્વપ્નું ચાલે છે ત્યાં સુધી મારે મન એ આભાસરૂપ નથી અને રોમાં રોલાંના શબ્દમાં કહું તો 'વિજય ધ્યેયની સિદ્ધિમાં નથી, પણ એની અવિશ્રાંત સાધનામાં છે.'

અસ્પૃશ્યતા અને જ્ઞાતિ

શરીર ઉપરના ગડગૂમડને કારણે શરીરનો નાશ કરવો અથવા નીંદણને કારણે તૂલનો નાશ કરવો એ જેમ ખોટું છે તે જ રીતે અસ્પૃશ્યોને કારણે જ્ઞાતિનો નાશ કરવો એ ખોટું છે. એટલે અસ્પૃશ્યતાનો, જે અર્થમાં આપણે અસ્પૃશ્યતાને સમજીએ છીએ તેનો, જડમૂળથી નાશ કરવો જોઈએ. આખા સમાજ-શરીરનો નાશ ન થવા દેવો હોય તો આ વધારાના અંગને દૂર કરવું જોઈએ. એટલે અસ્પૃશ્યતા જ્ઞાતિપ્રથાની ઊપજ નથી પણ ઊંચનીચના ભેદમાંથી પેદા થયેલી છે, જે હિંદુ ધર્મમાં પેસી ગયો છે અને તેને ધીમે ધીમે કોતરી ખાય છે. અસ્પૃશ્યતા ઉપરનું આક્રમણ આમ આ ઊંચનીચ ભાવ પરનું આક્રમણ છે અને જે ક્ષણે અસ્પૃશ્યતા જશે તે જ ક્ષણે જ્ઞાતિપ્રથા પોતે શુદ્ધ થઈ જશે, એટલે કે, મારા સ્વપ્ન મુજબનું, તેનું સાચા વર્ણાશ્રમમાં - સમાજના ચાર વિભાગમાં - રૂપાંતર થશે. આ ચાર વિભાગો એકબીજાના પૂરક થશે, એકબીજાથી ચડતા કે ઊતરતા નહીં હોય અને દરેક વિભાગ બીજા કોઈ પણ વિભાગ જેટલો જ સમગ્ર હિંદુ સમાજ માટે આવશ્યક હશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.