અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર
મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી. જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાનાં હિતને ઈજા કરે તે નીતિની વિરુદ્ધ હોઈ પાપ છે. તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવાને સારુ અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું. મજૂરોનું લોહી ચૂસીને બનેલી વસ્તુઓ લેવી કે વાપરવી એ પાપ છે.
જે સંપત્તિશાસ્ત્રમાં નીતિના અને લાગણીના વિચાર કરવામાં આવતા નથી તે સંપત્તિશાસ્ત્ર તો લાખના પૂતળા જેવું છે. તે જીવતા માણસ જેવું દેખાય છે પણ તેમાં જીવ નથી હોતો. વ્યવહારમાં અણીને વખતે આ નવતર સંપત્તિશાસ્ત્રના કાયદા કાંઈ કામ નથી આવતા. જે રાષ્ટ્રો અથવા વ્યક્તિઓ તેમને માર્ગદર્શક સિદ્ધાંત તરીકે સ્વીકારશે તેમનું આવી બનશે.
જે અર્થશાસ્ત્ર નૈતિક આંકને કોરે મૂકે છે અગર તેની ઉપેક્ષા કરે છે તે અર્થશાસ્ત્ર ખોટું છે. અર્થશાસ્ત્રના પ્રદેશમાં અહિંસા નિયમનો વિસ્તાર કરીએ તો એનો અર્થ ચોખ્ખો છે કે આંતરરાષ્ટ્રીય વેપારવણજના નિયમનમાં પણ નૈતિક આંકનો ભાવ પુછાય.
આદર્શ આર્થિક રચના
આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઈએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં, એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યમ મળી રહે.
અને જો આવી સ્થિતિ આખા જગતને વિશે આપણે ઈચ્છતા હોઈએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક મનુષ્યની પોતાની પાસે રહેવાં જોઈએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ રાખવો જ ન જોઈએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે અથવા હોવો જોઈએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઈએ. તેનો ઈજારો કોઈ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં પણ અન્યાય છે. આ મહાન સિદ્ધાંતોનો અમલમાં અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી જ આ દુઃખી દેશમાં અને જગતના બીજા ભાગમાં પણ ભૂખનું દુઃખ વર્ત્યા કરે છે.
સાચું અર્થશાસ્ત્ર કદી ઉચ્ચતમ નૈતિક ધોરણનું વિરોધી નથી હોતું. (જેવી રીતે સાચું નીતિશાસ્ત્ર એને જ માનવામાં આવે છે જે નીતિશાસ્ત્ર હોવાની સાથે સાથે સારું અર્થશાસ્ત્ર પણ હોય તેવી રીતે) એ અર્થશાસ્ત્ર જૂઠું અને નિરાશાજનક છે જે કુબેરની પૂજાને પ્રાધાન્ય આપે છે અને શક્તિશાળી લોકોને દુર્બળ લોકોની કિંમત પર ધન સંચય કરવામાં મદદ કરે છે. એ તો મોતના પેગામ જેવું છે, તેનાથી ઊંધું, સાચું અર્થશાસ્ત્ર સામાજિક ન્યાયને ટેકો આપે છે, દુર્બળ વ્યક્તિ સહિત બધાંની ભલાઈ કરે છે અને ઢંગની જિંદગી જીવવામાં મદદ કરે છે.
જો આપણે કેવળ આપણાં ઘરો, મહેલો અને મંદિરોમાંથી ધન-દોલતનાં પ્રતીકોની સ્થાપના કરીએ, તો વિપુલ ફોજના ખર્ચાનો ભાર ઉપાડ્યા વિના કોઈ પણ આક્રમક શક્તિઓનાં સંગઠન જોડે, યુદ્ધ માટે તત્પર થઈ શકીએ. પહેલાં તો આપણે ઈશ્વરનાં સામ્રાજ્ય અને તેની ચચ્ચાઈનો આશરો લઈએ તો એનું અફર વચન છે કે આપણામાં બધું ઉમેરાતું જશે. આ જ વાસ્તવિક અર્થશાસ્ત્ર છે. ચાલો, આપણે તેને કીમતી ગણીને સંગ્રહી રાખીએ અને આપણા જીવનમાં આગ્રહપૂર્વક અમલ કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર