સમાન વર્તન
મારી મુખ્ય નેમ - આખા જનસમાજમાં સમાન હક અને સમાન વર્તન એટલે કે સેવા કરવાનો સમાન હક.
અર્ધસત્ય એ છે કે બધા જ સરખા છે કારણ કે એ બધાની ઉંમર, ઊંચાઈ, ચામડી અને બુદ્ધિ સરખી નહીં હોવા છતાં આ અસમાનતાઓ ક્ષણિક અને ઉપલક્રિયા છે, જ્યારે આ પાર્થિવ કોચલાની અંદર પુરાયેલો આત્મા એક છે અને તમામ દેશોમાં વસતાં તમામ સ્ત્રીપુરૂષો માટે એકસરખો છે, આપણી આસપાસ જોવામાં આવતી તમામ વિવિધતાની પાછળ એક સાચી અને નક્કર એકતા રહેલી છે. 'અસમાનતા' શબ્દમાંથી એક પ્રકારની બદબો છૂટે છે અને તેણે પૂર્વના તેમ જ પશ્ચિમના બંને ગોળાર્ધના દેશોમાં મિથ્યાભિમાન અને અમાનુષી અત્યાચારોને જન્મ આપેલો છે. વ્યક્તિઓ વિશે જે સાચું છે તે પ્રજાઓ વિશે પણ સાચું છે, કેમ કે પ્રજાઓ વ્યક્તિઓના સમૂહોની જ બને છે. અસમાનતાના જૂઠા અને હઠીલા સિદ્ધાંતે તો એશિયા અને આફ્રિકાની પ્રજાઓનાં તુમાખીભર્યા શોષણ કરાવ્યાં છે. કોને ખબર છે કે પૂર્વના દેશો પર પશ્ચિમના દેશો અત્યારે તરાપ મારી શકે છે એ પશ્ચિમના દેશોના ચડિયાતાપણાની અને પૂર્વના દેશોના ઊતરતાપણાની નિશાની છે?
અદૃષ્ટ પ્રાણ, આત્મા એક છે. આત્મારૂપે તેઓ એક છે, શરીરરૂપે જુદા છે, હાથી અને કીડીમાં કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. ઊંચનીચભાવ ભુલાવવો એ ધર્મનું કામ છે. અનેકમાં એકને જોયો, વિચિત્રતામાં એક ચિત્ર જોવું, ભેદમાં અભેદ જોવો એ મનુષ્યનો ને ધર્મનો અંતિમ આદર્શ છે.
પ્રેમના કાનૂનના સર્વોપરી સત્તાધારી અમલને હું માનવાવાળો છું અને તે પ્રેમના અમલમાં હિંદુ કે મુસલમાન કે એવા બીજા કોઈ ભેદ નથી.
મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શક્યું એમ કહી શકું છું. આ વસ્તુને મારે વિશે હું ગુણ નથી માનતો, કેમ કે જેમ અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યમોને કેળવવાનો પ્રયત્ન કર્યાનું ને તે પ્રયત્ન હજુ ચાલુ હોવાનું મને પૂર્ણ જ્ઞાન છે, તેમ આવો અભેદ કેળવવાનો મેં ખાસ પ્રયત્ન કર્યો હોય એવો મને ખ્યાલ નથી.
આપણા કુટુંબના પ્રેમમાં આખું ગામ સમાઈ જવું જોઈએ, ગામમાં તાલુકો, તાલુકામાં જિલ્લો અને જિલ્લામાં પ્રાન્ત, તે એટલે સુધી કે છેવટે આખો દેશ આપણને કુટુંબવત થઈ જાય.
મૂલ્યની આંકણીમાં ઝપાટાબંધ ફેરફારો થઈ રહ્યા છે એ જમાનો આજ આપણો છે. મંદ પરિણામોથી આપણે સંતોષાતા નથી. આપણી નાતના જ કે એકલા આપણા દેશનાય પણ હિતથી આપણને ધરપત નથી, આપણને આખા માનવ્ય માટે લાગે છે, અથવા લાગે એમ ચાહીએ છીએ. માનવસમાજની માનવસમાજની પોતાના આદર્શ લક્ષ્ય તરફ પ્રગતિમાં, આ બધું અતિ ભારે ફાયદાસૂચક છે.
મારી તમને વિનંતી છે કે... હૈયાં સમુદ્ર જેટલાં વિશાળ કરો... તમે કાજી બનશો જ નહીં, બનશો તો તમારા દોષોને જોનારા અપાર મળશે. ઈશ્વર એ જ ન્યાયમૂર્તિ છે, તમારામાં અનેક શત્રુઓ પડેલા છે, અનેક શત્રુઓથી તમે વીંટાયેલા છો છતાં તમને તે બધાથી રક્ષે છે, અને તમને પોતાના કરુણાકટાક્ષથી ઠારે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર