સમાન નાગરિકત્વ
લઘુમતી કોમોની વસતિના લોકોને ખાતરી થવી જોઈએ કે જે રાજ્યમાં વસે છે તેના વધુમતી કોમની વસતિના પ્રજાજનો જેવા જ પોતે પણ ગણતરી રાખવા જેવા શહેરીઓ છે.
હિંદુ વધુમતી કોમને પોતાના ધર્મની અને ફરજની કિંમત હોય તો તે કોઈ પણ ભોગે ન્યાયી વર્તન રાખે. એ વધુમતીએ લઘુમતી કોમની ભૂલચૂક અગર મર્યાદા તરફ બેપરવા રહેવું જોઈએ કેમ કે ન્યાય મેળવવાને એમને વધુમતી કોમ સિવાય બીજો કોઈ આધાર નથી.
મુસલમાનોને આપણે સરખા દરજ્જાના પ્રજાજનો લેખવા જોઈએ. ઉર્દૂ લિપિને માટે આદર રાખવાની વાતનો સૌની સાથે સરખી રીતે વર્તવાની ફરજમાં સમાવેશ થઈ જાય છે.
લઘુમતી કોમ સંખ્યામાં ગમે તેટલી નાની હોય તો પણ તેને પોતાના પર જુલમ થાય છે એવી લાગણી ન થવી જોઈએ. આવા બધા સવાલોમાં ખૂબ જ હળવે હાથે કામ લેવાની જરૂર છે.
હિંદુ-મુસલમાનના સવાલને અંગે મારું એક જ ધ્યેય છે કે હિંદી રાજ્યસંઘમાં રહેતી કે પાકિસ્તાનમાં રહેતી લઘુમતી ચાહે તો એક જ વ્યક્તિની હોય તો પણ તે રાજ્યમાં તેને પોતાની પૂરી સલામતી લાગે તો જ એ સવાલનો પૂરેપૂરો ઉકેલ આણેલો કહેવાય.
હિંદુ ને શીખ બહેનોએ હવે મુસલમાન બહેનો પાસે પહોંચી જઈ તેમની સાથે દોસ્તી કેળવવી જોઈએ. વળી ખાસ પ્રસંગોએ અને તહેવારો પર તેમને બોલાવવી જોઈએ. વળી, તેમનાં એવાં જ નિમંત્રણોનો એમણે હંમેશ સ્વીકાર કરવો જોઈએ. મુસલમાન છોકરાઓ અને છોકરીઓએ કોમી નહીં પણ સામાન્ય નિશાળો તરફ ખેંચાવું જોઈએ. તેમણે એ નિશાળોની રમતગમતોમાં ભાગ લેવો જોઈએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર