સમાજવાદમાં સમાનતા
સમાજવાદ સુંદર શબ્દ છે. હું જાણું છું ત્યાં લગી સમાજવાદ એટલે સમાજનાં બધાં અંગ સરખાં, ન કોઈ નીચાં ન કોઈ ઊંચાં. નથી માથું ઊંચું કેમ કે તે શરીરની ટોચ પર છે, નથી પગનાં તળિયાં નીચાં કેમ કે તે જમીનને અડે છે. જેમ વ્યક્તિનાં શરીરનાં બધાં અંગ સરખાં તેમ જ સમાજશરીરનાં, આવી માન્યતાનું નામ સમાજવાદ.
આ વાદમાં રાજા ને પ્રજા, ધનિક ને ગરીબ, માલિક ને મજૂર એવું દ્વૈત નથી. આ રીતે સમાજવાદ એટલે અદ્વૈતવાદ.
સમાજ ઉપર નજર નાખીએ તો જોઈએ છીએ કે બધે દ્વૈત જ છે. આ ઊંચો, પેલો નીચો. આ હિંદુ, પેલો મુસલમાન, ત્રીજો ખ્રિસ્તી, ચોથો પારસી, પાંચમો શીખ, છઠ્ઠો યહુદી. વળી તેમાંય પેટા જાતિ. મારા અદ્વૈતવાદમાં આ બધાનું એકીકરણ છે. એ બધાં અદ્વૈતમાં સમાઈ જાય.
આ વાદને પહોંચવા સારુ આપણે એકબીજાની સામે જોયા ન કરીએ, જ્યાં સુધી બધાનો પલટો ન થાય ત્યાં લગી આપણે બેઠા રહીએ, જીવનમાં ફેરફાર ન કરીએ, ભાષણ કરીએ, પક્ષ બનાવીએ ને બાજપક્ષીની જેમ જ્યાં શિકાર મળે ત્યાં ઝડપ મારીએ - આ સમાજવાદ નથી જ. સમાજવાદ જેવી ભવ્ય ચીજ ઝડપ મારતાં આપણાથી દૂર જ જવાની.
સાધન
સમાજવાદનો આરંભ પહેલાં સમાજવાદીથી થાય. એકડો હોય ને તેની ઉપર મીંડાં ચડે તોય તેમની કિંમત બેવડી નહીં પણ દશ ગણી થાય ને દરેક મીંડું ચડ્યે તેની કિંમત આગલાની દશગણી થતી જાય. પણ જો એક મીંડું જ હોય તો મીંડાં ગમે તેટલાં મેળવો છતાં તેમની કિંમત મીંડું જ રહેવાની, માત્ર કાગળ બગડશે અને મીંડાં ભરતાં મહેનત થાય તે એળે જશે.
વળી, સમાજવાદ અત્યંત શુદ્ધ વસ્તુ છે, તેને પહોંચવાનાં સાધન પણ શુદ્ધ જ હોવાં જોઈએ. ગંદા સાધનથી ગંદુ જ સાધ્ય સિદ્ધ થવાનું. તેથી રાજાને મારીને રાજાપ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર માલિક નહીં બને. આમ બધાને વિષે ઘટાવી શકાય.
અસત્યથી સત્યને ન પહોંચાય. સત્યને પહોંચવા નિરંતર સત્ય આચર્યે છૂટકો. અહિંસાને સત્યની તો જોડી ખરી ના? નહીં જ. સત્યમાં અહિંસા છુપાયેલી છે, અહિંસામાં સત્ય. તેથી જ મેં કહ્યું છે કે એ બન્ને એક સિક્કાની બે બાજુ છે. બેયની કિંમત એક જ. વાંચવામાં જ ફેર, એક બાજુ અહિંસા, બીજી બાજુ સત્ય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર