સંયોજક શક્તિ
દયાબળ તે આત્મબળ છે, તે સત્યાગ્રહ છે અને આ બળના પુરાવા ડગલે ડગલે નજરે આવી રહે છે. તે બળ ન હોય તો પૃથ્વી રસાતળ પહોંચી ગઈ હોત... હજારો બલકે લાખો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે. કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડો પ્રજા સંપથી રહેલી છે એની નોંધ 'હિસ્ટરી' લેતી નથી, 'હિસ્ટરી' લઈ પણ ન શકે. જ્યારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. એક કુટુંબના બે ભાઈ લડ્યા. તેમાં એકે બીજાની સામે સત્યાગ્રહ વાપર્યો. બંને પાછા સંપી રહેવા લાગ્યા. આની નોંધ કોણ લે છે? જો બંને ભાઈમાં વકીલોની મદદથી કે એવાં બીજાં કારણોથી, વેરભાવ વધતાં, તેઓ હથિયારથી કે અદાલતો (અદાલત તો એક પ્રકારનું હથિયાર, શરીર બળ છે)થી લડત તો તેઓનાં નામ છાપે ચડત, આડોશીપાડોશી જાણત અને વખતે તવારીખમાં નોંધાત. જેમ કુટુંબોમાં, જેમ જમાતોમાં, જેમ સંઘોમાં તેમ જ પ્રજામાં સમજી લેવું. કુટુંબોમાં એક કાયદો અને પ્રજામાં બીજો એમ માનવાનું કંઈ જ કારણ નથી. 'હિસ્ટરી' એ અસ્વાભાવિક બિનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી.
જગતના નિયમો જાણનારા શાસ્ત્રીઓ કહે છે કે જો આ આકર્ષક શક્તિ પરમાણુમાત્રમાં ન હોય તો આ આપણો પૃથ્વીનો ગોળો ભરભર ભૂકો થઈ જાય, એટલે આપણે જીવવું એ જ અશક્ય થઈ પડે. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાની શક્તિ છે. તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં એટલે આપણામાં હોવી જોઈએ. આકર્ષક શક્તિનું નામ પ્રેમ છે. એ પ્રેમ વિના જગત ન નભે. એવો પ્રેમ આપણે પિતા-પુત્ર વચ્ચે, ભાઈ-બહેન વચ્ચે, મિત્ર-મિત્ર વચ્ચે તો અનુભવીએ છીએ. પણ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઈશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ ત્યાં ક્ષેમ છે. જ્યાં વેર ત્યાં નાશ છે.
હું માનું છું કે માનવજાતિની પ્રવૃત્તિ એકંદરે આપણને પાડવા માટે નથી પણ ચડાવવા માટે છે અને એ પ્રેમધર્મની ગૂઢ પણ ચોક્કસ અસરનું પરિણામ છે. માનવજાતિ ટકી રહી છે એ બતાવે છે કે વિનાશ કરતાં જીવનની શક્તિ મોટી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર