માનવની એકતા

10 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: minzhuzhongguo.org

એક માણસ આધ્યાત્મિક ઉન્નતિ કરે અને તેની આસપાસના નીચે પડે એવું હું માનતો નથી. હું उद्वैत માનું છું. 'યથા પિડે તથા બ્રહ્માંડે' એ ન્યાયે માણસ માત્રમાં બલકે જીવમાત્રમાં એક જ આત્મા વ્યાપી રહ્યો છે એમ હું માનું છું. તેથી હું માનું છું કે જેટલે અંશે એક માણસ ચડે છે અગર પડે છે તેટલે અંશે આખું જગત ચડે છે અગર પડે છે.

હું એમ નથી માનતો કે આધ્યાત્મિક કાયદાનો અમલ એના પોતાના ક્ષેત્રમાં જ થઈ શકશે. ઊલટું, જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ દ્વારા જ એ પ્રગટ થાય છે. એટલે કે એ આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પણ કામ કરે છે.

જો આપણે ઈશ્વર જેવા થઈ જઈએ, તેનામાં ભળી જઈએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઈએ. સમુદ્રથી છૂટેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ, પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી? સમુદ્રને એક ક્ષણનો પણ આરામ છે જ ક્યાં? બરાબર એ જ પ્રમાણે આપણું છે.

ઈશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઈએ, એટલે આપણો આરામ ગયો, આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ, એ મહા અશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવનમાત્રની સેવા અર્થે સર્વાર્પણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસે નથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ.

ગરીબો સાથે તાદાત્મ્ય ગરીબોને ફરજિયાત કરવો પડતો શારીરિક શ્રમ આપણે સૌ દિવસમાં એક કલાક કરીએ અને એ રીતે તેમની સાથે અને તેમની મારફતે સારીયે માનવજાતિ સાથે તાદાત્મ્ય અનુભવીએ એના કરતાં વધારે ઉદાત્ત અને વધારે રાષ્ટ્રીય કાર્ય હું કલ્પી શકતો નથી. ગરીબો કામ કરે છે તેમ હું તેમને માટે ઈશ્વરને નામે કામ કરું એના કરતાં વધારે સારી ઈશ્વરની આરાધના હું કલ્પી શકતો નથી.

મનુષ્યને સ્વતંત્ર કરવા માટે ઈશ્વર તેના મૂલ્ય રૂપે વ્યક્તિનું પૂર્ણ આત્મસમર્પણ માગે છે. એક વાર પોતાની હસ્તી મિટાવી દીધા પછી મનુષ્ય પોતાને પ્રાણીમાત્રની સેવામાં લીન બનાવી દે છે.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છવાસ લઈએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.