ગરીબો સાથે તાદાત્મ્ય

11 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: indiatimes.in

ગરીબોને ફરજિયાત કરવો પડતો શારીરિક શ્રમ આપણે સૌ દિવસમાં એક કલાક કરીએ અને એ રીતે તેમની સાથે અને તેમની મારફતે સારીયે માનવજાતિ સાથે તાદાત્મ્ય અનુભવીએ એના કરતાં વધારે ઉદાત્ત અને વધારે રાષ્ટ્રીય કાર્ય હું કલ્પી શકતો નથી. ગરીબો કામ કરે છે તેમ હું તેમને માટે ઈશ્વરને નામે કામ કરું એના કરતાં વધારે સારી ઈશ્વરની આરાધના હું કલ્પી શકતો નથી.

મનુષ્યને સ્વતંત્ર કરવા માટે ઈશ્વર તેના મૂલ્ય રૂપે વ્યક્તિનું પૂર્ણ આત્મસમર્પણ માગે છે. એક વાર પોતાની હસ્તી મિટાવી દીધા પછી મનુષ્ય પોતાને પ્રાણીમાત્રની સેવામાં લીન બનાવી દે છે.

આ સત્યની આરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છવાસ લઈએ. આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ પાલન અશક્ય છે.

 

પરમાત્મામાં વિશ્વાસ

 

સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને 'જોઈતી' વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે.

 

મનુષ્યની સેવા

 

માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે, અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઈશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઈએ. મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે, કેમ કે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે એની સૃષ્ટિમાં એને જોવો ને એ સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્વારા જ બની શકે. ને એ સેવા દેશસેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું, ને માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ ન શકું.

મારા નજીકમાં નજીકના પડોશી છે એ એવા અસહાય, એવા નિર્ધન, એવા નિષ્ક્રિય બની ગયા છે કે મારે મારી બધી શક્તિ એમની સેવામાં વાપરવી જોઈએ. હિમાલયની ગુફામાં મને ઈશ્વર જડે એવું મારા મનમાં વસી જાય તો હું તરત ત્યાં ચાલ્યો જાઉં. પણ હું જાણું છું કે માનવજાતિથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ નહીં શકું.

મારી પાસે તો ઈશ્વરાનુસંધાન સાધવાનાં અનેક સાધનો છે - રેંટિયો, હિંદુ મુસલમાન ઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ વ. - કારણ ભગવાન તો વિરાટસ્વરૂપ છે, અને જ્યારે જે રીતે તેનું ધ્યાન ધરવું હોય ત્યારે તે રીતે ધરી લઉં છું.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.