જીવનનો નિયમ

23 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: huffingtonpost.in

શસ્ત્રબળના બીજા અખતરાઓ તો હજારો વર્ષ થયાં થતા જ આવ્યા છે. તેનાં કડવાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ભવિષ્યમાં તેમાંથી મીઠાં પરિણામો ઊપજવાની આશા થોડી જ બાંધી શકાય. અંધારામાંથી જો અજવાળું ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય.

મેં જોયું છે કે જીવન વિનાશની વચ્ચે જ ટકી રહ્યું છે, તેથી વિનાશ કરતાં બીજો કોઈ મોટો નિયમ હોવો જોઈએ. તે નિયમ તળે જ સુવ્યવસ્થિત સમાજ જેવી વસ્તુ હોઈ શકે અને જીવન જીવવાયોગ્ય રહે અને જો તે જીવનનો નિયમ હોય તો આપણા રોજના વ્યવહારમાં પણ તેને અમલમાં મૂકવો જોઈએ. જ્યાં જ્યાં ઘર્ષણ પેદા થાય, જ્યાં જ્યાં તમારી સામે વિરોધી આવીને ઊભો રહે ત્યાં તેને પ્રેમથી જીતજો. આવી સાદી રીતે મેં તેને મારા જીવનમાં આચર્યો છે. તેનો અર્થ એ નથી થતો કે મારી બધી મુશ્કેલીઓ ઊકલી ગઈ છે. પરંતુ મને એટલું ચોક્કસ દેખાયું છે કે વિનાશનો નિયમ નહીં નીવડ્યો હોય તેટલો આ પ્રેમનો નિયમ સફળ નીવડ્યો છે.

પ્રેમ અથવા અહિંસા એ જો જીવનધર્મ ન હોય તો... ફરીફરીને સળગતા ને દર વખતે ખૂનરેજીની ભયાનકતામાં વધતા જતા યુદ્ધમાંથી છૂટવાનો રસ્તો રહેતો જ નથી...

જગતમાં થઈ ગયેલા સર્વ ધર્મગરુઓએ ઓછાવત્તા જોશથી એ પ્રેમધર્મનો ઉપદેશ આપ્યો છે. પ્રેમ એ જો જીવનધર્મ ન હોત તો ચોમેર મૃત્યુ વ્યાપેલું હોવા છતાં જીવન ટકી રહ્યું છે તે ટકી ન શકત. જીવન એ મૃત્યુ પરનો નિરંતર વિજય છે. મનુષ્ય અને પશુ વચ્ચે ધરમૂળનો કંઈ ભેદ હોય તો તે એ છે કે મનુષ્ય આ જીવનધર્મને ક્રમશઃ ઓળખતો ગયો છે ને તેને પોતાના આચરણમાં ઉતારવાનો એણે પ્રયત્ન કર્યો છે. જગતના પ્રાચીન તેમ જ અર્વાચીન સર્વ સાધુસંતો, પોતપોતાનાં જ્ઞાન અને સામર્થ્ય પ્રમાણે, આપણા એ પરમ જીવનધર્મની જીવતીજાગતી પ્રતિમારૂપ હતા. આપણા હૃદયમાં રહેલી આસુરી વૃત્તિ ઘણી વાર સહેજે જીત મેળવતી દેખાય છે એ સાચું છે. પણ એથી એ જીવનધર્મ ખોટો સિદ્ધ નથી થતો. એ તો બતાવે છે કે એનું આચરણ કેટલું આકરું છે. જે ધર્મ સત્યના જેટલો જ પરમ કોટિનો છે તેનું આચરણ અઘરું કેમ ન હોય? એ ધર્મનું આચરણ સર્વવ્યાપી થશે ત્યારે ઈશ્વર જેમ સ્વર્ગમાં રાજ્ય કરે છે તેમ ધરણી પર પણ કરશે. સ્વર્ગ અને ધરણી આપણાં હૃદયમાં જ છે એ વસ્તુની મને યાદ દેવાની જરૂર નથી. આપણે આપણાં હૃદયમાં રહેલી ધરણીને ઓળખીએ છીએ, હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલા સ્વર્ગથી અજાણ્યા છીએ. પ્રેમધર્મનું આચરણ કેટલાકને માટે શક્ય છે એમ કબૂલ કરીએ તો સૌને માટે શક્ય નથી એમ કહેવું એમાં અહંકાર છે. હજુ થોડા જ જમાના પર આપણા પૂર્વજો નરભક્ષણ કરતા ને એવાં બીજા ઘણાં કામો કરતા જેથી આજે તો આપણને ચીતરી જ ચડે. એ દિવસોમાં પણ ડિશ શેપર્ડ જેવા માણસો પડ્યા હશે. જીવતા મનુષ્યને ખાવાની ના પાડવાનો એ જમાનાના લોકોને વિચિત્ર લાગતો સિદ્ધાન્ત ઉપદેશવા માટે એવા માણસોને લોકોએ હસી કાઢ્યા હશે ને કદાચ ફાંસીએ પણ ચડાવ્યા હશે.

જગતનો ઈતિહાસ એ અવિરત સંગ્રામોની કથા છે ખરી, પણ અમે નવો ઇતિહાસ રચવા મથી રહ્યા છીએ. અને હું આમ કહું છું એનું કારણ એ છે કે અહિંસાની બાબતમાં ભારતવર્ષના રાષ્ટ્રીય માનસનો પ્રતિનિધિ હું છું. મેં તલવારના ન્યાય વિશે મનમાં ઘણા વિચારો કર્યા છે, એને વિશેની દલીલો તોળીતોળીને તપાસી છે, એની શક્તિ કેટલી છે તેનો અંદાજ કાઢ્યો છે, અને છેવટે હું એ નિર્ણય પર આવ્યો છું કે મનુષ્યને માટે ઈશ્વરે નિર્મેલું કાર્ય એ છે કે તેણે અરણ્યનો નિયમ છોડીને જ્ઞાનપૂર્વક પ્રેમધર્મનો સ્વીકાર કરવો.

પ્રેમનો બેલી ઈશ્વર છે જ.

પ્રેમ કદી માગતો નથી, તે તો આપ્યે જ જાય છે. તે કષ્ઠ વેઠ્યા જ કરે છે, પણ કદી નારાજ નથી થતો, કદી બદલો નથી ઉતારતો.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.