મારો સમાજવાદ

14 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: counterview.net

આ દેશમાં જેમને હું સમાજવાદી તરીકે ઓળખું છું તેમણે સમાજવાદ અંગીકાર કર્યાનું જાહેર કર્યું તે અગાઉથી હું પોતે સમાજવાદી હોવાનો દાવો કરતો આવ્યો છું. પણ મારો સમાજવાદ મારામાં સ્વાભાવિકપણે વિકસ્યો છે, કશાં ગ્રંથકિતાબોમાંથી ગ્રહણ કરેલો નથી. અહિંસા વિષેની મારી અવિચરળ શ્રદ્ધામાંથી તે આવ્યો છે. કોઈ પણ માણસથી સક્રિય અહિંસાની સાધના કરતાં છતાં સામાજિક અન્યાય સામે ઊઠ્યા વગર રહેવાય જ નહીં. પછી એવો અન્યાય ગમે ત્યાં થતો હોય. કમનસીબે પશ્ચિમના સમાજવાદીઓએ સમાજવાદી સિદ્ધાંતોની બજાવણી કરવામાં હું જાણું છું, ત્યાં સુધી હિંસાને જરૂરી માની છે.

મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીચલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુ એમ પણ માન્યું છે કે, સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનામાં દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ માર્ગ અહિંસક અસહકારનો છે.

આપણા સમાજવાદી બિરાદરોની ત્યાગની ભાવનાની પૂરેપૂરી કદર કરવા છતાં, તેમની અને મારી પદ્ધતિ વચ્ચે રહેલો ચોખ્ખો ભેદ મેં હંમેશ સ્પષ્ટપણે બતાવ્યો છે. તેમની આખી મદાર અને તેમની શ્રદ્ધા હિંસા પર અને હિંસામાં જે કંઈ સમાયેલું છે, તે બધાં પર છે. હું નિર્ભેળ અહિંસા પર શ્રદ્ધા રાખનારો ને તેને જ આધારે ચાલનારો છું...

મારા સમાજવાદમાં 'નિરાધાર, દીન, હીન,' સર્વનો સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગા અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. આ લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું. એ તેમની એકમાત્ર નેમ છે.

દાખલા તરીકે, અમેરિકાની નેમ પોતાના એકેએક વતનીને મોટરગાડી મેળવી આપવાની છે. મારી એવી નેમ નથી. મારી નેમ મારો, મારા વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ સાધવાની ને તેને વ્યક્ત કરવાની છે. આકાશમાં ઝગમગતા વ્યાધના તારા સુધી નિસરણી ઊભી કરવાની મારી મરજી હોય, તો તેમ કરવાની મને છૂટ હોવી જોઈએ. એનો અર્થ એવો નથી કે, મારે એવું કશુંક કરવા માંડ્યું છે. બીજા પ્રકારના સમાજવાદમાં વ્યક્તિને કોઈ જાતની સ્વતંત્રતા કે છૂટ નથી. તેમાં તમારું પોતાનું એવું કશું નથી, તમારું શરીર પણ તમારું નથી.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.