શાંતિપૂર્ણ પ્રતિકાર

07 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: fineartamerica.com

સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે. તે જેમ વાપરો તેમ વપરાય. વાપરનાર તથા જેની ઉપર તે વપરાય છે તે સુખી થાય છે. તે લોહી કાઢતી નથી, છતાં પરિણામ તેથી પણ ભારે લાવી શકે છે. તેને કાટ ચડી શકતો નથી. તે કોઈ લઈ જઈ શકતું નથી.

મારો ચોખ્ખો મત છે કે નિઃશસ્ત્ર પ્રતિકાર કઠોરમાં કઠોર હૃદયને પણ પીગળાવી નાખે છે... આ એક ઉત્તમ અને અસરકારક ઉપચાર છે. આ એક અત્યંત શુદ્ધ શસ્ત્ર છે. આ નબળી વ્યક્તિનું શસ્ત્ર નથી. શારીરિક પ્રતિકાર કરવાવાળાં કરતાં નિઃશસ્ત્ર પ્રતિકાર કરવાવાળાંમાં ઘણું સાહસ હોવું જોઈએ.

આવું સાહસ ઈશુ, ડેનિયલ, ક્રેન્મર, લેટિમર અને રિડલીમાં હતું. તેમણે સ્વસ્થતાપૂર્વક પીડા અને મૃત્યુનો સામનો કર્યો. આવું જ સાહસ ટૉલ્સ્ટૉયમાં હતું, જેમણે રશિયાના ઝારોને પડકારવાનું સાહસ કર્યું. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ખરે જ, એક જ સંપૂર્ણ સત્યાગ્રહી, અધર્મની સામે ધર્મની લડાઈમાં વિજય મેળવવાને સારુ, બસ છે.

મારો દાવો છે કે... નિઃશસ્ત્ર પ્રતિકારની વિધિ... બધાંથી સ્પષ્ટ અને સુરક્ષિત છે, કારણ કે, જો પ્રતિકારનો ઉદ્દેશ સાચો ન હોય તો નુકસાન તો પ્રતિકાર કરનારને જ પહોંચે છે.

ઈશુ ખ્રિસ્ત, ડેનિયલ અને સોક્રેટિસે નિઃશસ્ત્ર પ્રતિકાર અથવા આત્માના બળના સર્વોત્તમ રૂપનું પ્રતિનિધત્વ કર્યું. આ બધા મહાનુભાવોએ પોતાના આત્માની તુલનામાં પોતાનાં શરીરને સાવ નજીવું ગણ્યું. ટૉલ્સ્ટૉય આ સિદ્ધાંતના સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ (આધુનિક) સમર્થક હતા. તેઓ ફક્ત સમર્થક જ નહોતા. પરંતુ તેમણે સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યો. ભારતમાં આ સિદ્ધાંત તો પશ્ચિમમાં પ્રચલિત થયો તે પહેલાં જ સમજાયેલો અને સામાન્યતઃ આચરણમાં મુકાયો હતો.

આત્માની શક્તિ શરીરની શક્તિ કરતાં ઘણી ચડિયાતી છે તે સમજવું સહેલું છે. બૂરાઈના નિવારણનો પાકો બંદોબસ્ત કરવા માટે લોકો જો આત્માની શક્તિનો સહારો લેવાનું શરૂ કરી દે, તો ઘણી વર્તમાન હેરાનગતિ ટાળી શકાય.

કોઈ પણ પરિસ્થિતિમાં આત્માની શક્તિનો આશરો કોઈ વ્યક્તિને કદાપિ દુઃખ નથી પહોંચાડતો. તેથી જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે એ પ્રયોગકર્તાને નુકસાન પહોંચાડે છે. તેને નહીં કે જેની વિરુદ્ધ તેનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. સદ્દગુણની જેમ પોતે જ પોતાની બક્ષિસ બને છે. આત્માની આ પ્રકારની શક્તિના ઉપયોગમાં અસફળતાની કોઈ જ ગુંજાઈશ નથી.

બુદ્ધ પોતાની લડત દુશ્મનની જ છાવણીમાં નિર્ભય રીતે લડ્યા હતા અને તુંડમિજાજી બ્રાહ્મણવૃત્તિને એમણે નમાવી હતી. ઈશુ ખ્રિસ્તે નાણાં ધીરનારાઓને જેરુસલેમના મંદિરમાંથી કાંડી કાઢ્યા હતા અને દંભીઓ અને પાખંડીઓ ઉપર સ્વર્ગમાંથી શાપનો વરસાદ વરસાવડાવ્યો હતો. બંને મહાપુરૂષો સીધા પ્રતિકારના પ્રખર હિમાયતી હતા.

આ રીતે બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તે શિક્ષા કરી ખરી, પરંતુ એમના પ્રત્યેક કાર્યમાં એમણે અચૂક રીતે દયાભાવ અને પ્રેમભાવ દાખવ્યો હતો. તેઓ પોતાના શત્રુઓ સામે એક આંગળી સરખી ઊંચી કરતા નહોતા, પરંતુ પોતે જે સત્યને માટે જીવતા હતા તેનો ત્યાગ કરવા કરતાં એ માટે તેઓ પોતાની જાતને ખુશીથી ન્યોછાવર કરવા તૈયાર રહેતા.

જો બુદ્ધના પ્રેમનો પ્રભાવ બ્રાહ્મણોને મનાવવાના કામમાં કારગત ન નીવડ્યો હોત, તો તેઓ પોતે બ્રાહ્મણોનો વિરોધ કરતાં કરતાં ખપી ગયા હોત. એ જ રીતે ઈશુ ખ્રિસ્ત પણ એક આખા સામ્રાજ્યની તાકાતનો સામનો કરતાં કરતાં, પોતાને માથે કાંટાનો તાજ પહેરીને ક્રોસ પર ચડ્યા અને મૃત્યુ પામ્યા. એટલે જો હું અહિંસાત્મક પ્રતિકારો ઊભા કરતો હોઉં, તો તેનો અર્થ એટલો જ થાય છે કે મારા ટીકાકારે જે મહાન ઉપદેશકોનાં નામ દીધાં તેમને પગલે પગલે જ હું નમ્ર ભાવે ચાલી રહ્યો છું.

 

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.