મૌનની શક્તિ
ઘણી વાર મને એમ થાય છે કે સત્યના શોધકે મૌન રહ્યો જ છૂટકો. મૌનની આશ્ચર્યકારક શક્તિની મને ખબર છે. મેં એક વાર દક્ષિણ આફ્રિકામાં ટ્રેપિસ્ટ મઠની મુલાકાત લીધી હતી. એ જગ્યા ખૂબ જ સુંદર હતી. એ મઠના મોટા ભાગના સાધુઓ મૌન વ્રતધારી હતા. મેં ત્યાંના ધર્મગુરુને આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે કારણ સ્પષ્ટ છે. 'આપણે નિર્બળ મનુષ્યો છીએ. આપણે શું બોલીએ છીએ તે ઘણી વાર આપણે જાણતા નથી હોતા. આપણા અંતરના ઊંડાણમાંથી નીકળતા અત્યંત મંદ અવાજને જો આપણે સાંભળવા માગતા હોઈએ તો સતત બોલ્યા કરવાથી તે આપણે સાંભળી નહીં શકીએ.' હું તે અમૂલ્ય બોધપાઠ સમજી ગયો. હું મૌનનું રહસ્ય જાણું છું.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે છે કે જુદ રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચારે નહીં બોલે, પોતાના દરેક શબ્દને તોળશે.
હોઠને સીવીને કોઈ મૌન ધારણ કરે એ મૌન નથી. જીભ કપાવી નાખે તોયે મૌન થાય, પણ એયે મૌન નથી. બોલવાની શક્તિ છતાં જે સહેજે મુનિપણું સાચવી શકે છે એ મૌનધારી છે.
મૌન મારા શરીર તેમ જ આત્મા બંનેને આવશ્યક થઈ પડ્યું છે. મૂળ તો મનનો બોજો હળવો કરવાને એ લીધેલું. વળી મારે લખવાને સારુ વખત જોઈતો હતો. પણ કેટલાક વખત સુધી મૌન રાખ્યા પછી મેં એની આધ્યાત્મિક ઉપયોગિતા જોઈ. મારા મનમાં એકદમ ઝબકારાની પેઠે ઊગી આવ્યું કે એ વખતે હું ઈશ્વરપ્રણિધાન સારામાં સારું કરી શકું છું અને હવે મને લાગે છે કે મૌન મારે સારુ સ્વભાવસિદ્ધ વસ્તુ છે.
પ્રાર્થના આખરે તો ઈશ્વરનું સ્મરણ કરવાને અને હૃદયમાં રહેલો મેલ ધોઈ કાઢી તેને શુદ્ધ કરવાને અર્થે થાય છે અને તેથી મૌન રહીને પણ માણસ ઈશ્વરની પ્રાર્થના કરી શકે છે.
છડેચોક કરેલાં કાર્ય કરતાં મૂક પ્રાર્થના ઘણી વાર વધારે શક્તિશાળી હોય છે, તેથી શુદ્ધ હૃદયની પ્રાર્થના કદી સંભળાયા વગર નથી રહેતી, એવી શ્રદ્ધાથી હું મારી લાચારીમાં નિરંતર પ્રાર્થના કરતો રહું છું અને મારી બધી શક્તિથી ઈશ્વરને મંજૂર થાય તેવી પ્રાર્થનાનું શુદ્ધ સાધન બનવાની કોશિશ કરી રહ્યો છું.
વિચારની શુદ્ધિ
કેવળ મોઢેથી રામનામ બબડવં એને ઉપચાર સાથે કશો સંબંધ નથી. હું બરાબર સમજતો હોઉં, તો માનતા કે બાધા-આખડીનો ઉપચાર, એ પેલા મિત્રે વર્ણવ્યો છે, તેવો આંધળો ઈલાજ છે, અને તે જીવતાજાગતા ઈશ્વરના જીવંત નામની હાંસી છે. રામનામ કલ્પનાનું તૂત નથી. એનો નાદ હૃદયમાંથી ઊઠવો જોઈએ.
એ ઈશ્વર પરની જીવંત શ્રદ્ધા છે, તથા તેના કાયદાનું જ્ઞાન છે. એ જ્ઞાન તથા એ શ્રદ્ધા બીજી કોઈ પણ વસ્તુની સહાય વિના સંપૂર્ણપણે દરદ મટાડે છે. એ કાયદો એ છે કે, સંપૂર્ણ મન પર શરીરની સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર છે. પૂર્ણ મન પૂર્ણ હૃદયમાંથી ઉદ્દભવે છે. દાકતરના સ્ટેથૉસ્કોપથી જાણી શકાય છે, તે હૃદય આ નથી. આ તો ઈશ્વરનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે, હૃદયમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એટલે માણસના મનમાં મેલો કે નકામો વિચાર પ્રવેશ કરી શકતો નથી.
વિચારની શુદ્ધિ હોય ત્યાં રોગ અશક્ય બની જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ હોય, એમ બને. પરંતુ એનો સ્વીકાર કરતાંની સાથે તંદુરસ્તીના શિખર પર ચડવાને પહેલું પગલું ભર્યું ગણાય. એનો પ્રયત્ન શરૂ કરવો, એ બીજું પગલું થાય. અત્યાર સુધીરમાં માણસ ખોળી કાઢેલા કુદરતના નિયમોનું પાલન જીવનમાં આવો ધરમૂળનો ફેરફાર કરતાંની સાથે સ્વાભાવિક રીતે જ થાય છે. એ નિયમોની સાથે રમતા કરનાર કોઈ પણ પોતાનું હૃદય નિર્મળ છે, એવો દાવો ન કરી શકે.
વળી એમ પણ કહી શકાય કે, એ જ રીતે, હૃદય નિર્મળ હોય તો રામનામ વિનાયે ચાલે. શુદ્ધતા પ્રાપ્ત કરવાનો બીજો રસ્તો હું જાણતો નથી. પ્રાચીન કાળના દુનિયાભરના સાધુસંતોએ એ જ માર્ગ અખત્યાર કર્યો છે. તેઓ ધર્માત્મા હતા, વહેમી માણસો કે ધુતારાઓ નહોતા.
બીજી સર્વ શક્તિઓની માફક આધ્યાત્મિક શક્તિ પણ માણસની સેવાને અર્થે મોજૂદ છે. શરીરના વ્યાધિઓના ઈલાજ તરીકે તેનો જમાનાઓથી વત્તીઓછી સફળતાથી ઉપયોગ થતો આવ્યો છે, એ વાત બાજુએ રહેવા દઈને તેના ઉપયોગથી શરીરના વ્યાધિઓ સફળતાપૂર્વક મટાડી શકાતા હોય, તો તેનો તે માટે ઉપયોગ ન કરવાની વાતમાં મૂળે જ દોષ રહેલો છે. કારણ એ કે, માણસના બંધારણમાં જડ પદાર્થ અને આત્માના ચેતન તત્વનું મિશ્રણ છે, તે બન્ને એકબીજા પર કાર્ય કરે છે અને બન્નેની એક બીજા પર અસર થયા કરે છે.
જે લાખો લોકોને ક્વિનાઈન મળતું નથી, તેમનો વિચાર કર્યા વિના ક્વિનાઈન લઈને મલેરિયામાંથી સાજા થવાય, તો લાખો અથવા કરોડો લોકો જે ઈલાજનો અજ્ઞાનને કારણે ઉપયોગ કરતા નથી, તેનો આશરો લેવાનો ઈનકાર તમે શા માટે કરો?
બીજા લાખો લોકો પોતાના અજ્ઞાનને કારણે અથવા કહો કે, પોતાની આડાઈને કારણે સ્વચ્છ અને સાજા ન રહે, માટે તમે પણ શું સ્વચ્છ ને સાજા રહેવાનું માંડી વાળશો? માનવસેવાના ખોટા ખ્યાલોથી દોરવાઈ જઈ તમે સ્વચ્છ ન રહો, તો ગંદા ને માંદા રહીને તે જ લાખો લોકોની સેવા કરવાની ફરજ તમે ચૂકતા નથી? સાચે જ, આધ્યાત્મિક દ્રષ્ટિથી સ્વચ્છ અથવા સાજા રહેવાનો ઈનકાર કરવો, એ શરીરની દ્રષ્ટિથી ચોખ્ખા અને સાજા રહેવાનો ઈનકાર કરવાના કરતાં બદતર છે.
રામનું નામ લેવું ને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી નહીં શકીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર