સાર્વજનિક હિત
દરેક માણસ પોતાનું બધું બુદ્ધિકૌશલ પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવા નહીં, પણ સાર્વજનિક હિત માટે વાપરે, તેમાં સમાજનું ભલું જ થાય એમાં શંકા નથી. હું એવા પ્રકારની જડ સમાનતા પેદા કરવા નથી ઈચ્છતો જેમાં દરેક માણસ પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા અસમર્થ થાય અથવા તેવો તેને બનાવવામાં આવે. એવો સમાજ છેવટે નાશ જ પામે.
તેથી હું સૂચવું છું કે મેં ધનિકોને જે સલાહ આપી છે કે તેઓ ભલે કરોડો કમાય (અલબત્ત પ્રામાણિકપણે) પણ તે જગતની સેવામાં અર્પણ કરે, તે સાચી જ છે. तेन त्यक्तेन मुञ्जीथाः નો મંત્ર અસામાન્ય જ્ઞાનમાંથી સ્ફુરેલો છે. આજની સમાજરચનામાં દરેક માણસ પોતાના પાડોશીનું શું થાય છે, તેનો જરાયે ખ્યાલ કર્યા વિના પોતાનાં જ સુખ અને સ્વાર્થ માટે જીવે છે, ત્યાં આ મંત્ર સાર્વભૌમ હિતની એક નવી જીવન-વ્યવસ્થાના વિકાસ માટે ખાતરીપૂર્વકનો ઉપાય સૂઝાડે છે.
ભીખ
આ દેશ ભૂખમરાથી એવો પીડાય છે કે, ભિખારીઓની સંખ્યા વધતી જાય છે ને તેઓ ખાવાનું મેળવવાને સારુ સામાન્ય મર્યાદાનો લોપ કરે છે. ધનિક લોકો વગરવિચારે, આવા ભિખારીઓને સારુ કામ શોધી આપવાને બદલે તેમને ભિક્ષા આપી પોષે છે.
જે તંદુરસ્ત માણસે પોતાના ભોજન માટે પ્રામાણિકપણે શ્રમ ન કર્યો હોય, તેને મફત જમાડવાનો વિચાર મારી અહિંસા સહી નહીં શકે. જો મારા હાથમાં સત્તા હોય તો હું મફત ભોજન આપનારું એકેએક સદાવ્રત બંધ જ કરાવી દઉં. એણે પ્રજાના ગૌરવને હલકું પાડ્યું છે અને આળસ, નિષ્ક્રિયતા, દંભ અને ગુનેગારવૃત્તિને પણ પોષી છે. ખોટી જગ્યાએ બતાવેલી આવી ઉદારતા દેશની આર્થિક અને આધ્યાત્મિક સંપત્તિનો કશો ઉમેરો કરતી નથી, અને દાતાના મનમાં દાનધર્મ કર્યાનું ખોટું સમાધાન ઊભું કરે છે.
શ્રમ, સખાવત નહીં
જો દાતાઓ તેમને માટે શ્રમ કરનાર સ્ત્રી પુરૂષોને સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણમાં ભોજન આપતી સંસ્થાઓ
ખોલે તો તે કેટલું બધું સારું અને શાણપણભર્યું થાય? મારી પોતાની માન્યતા એવી છે કે રેંટિયા અગર તો રૂ પર થતી કોઈ પણ પ્રક્રિયા સારામાં સારો ધંધો બને. જો એ એમને પસંદ ન હોય તો તેઓ બીજું ગમે તે કામ પસંદ કરે, માત્ર 'શ્રમ નહીં, ભોજન નહીં' એ નિયમ રહેવો જોઈએ...
આળસુઓની સામે મફત ભોજન ફેંકવું વધારે સહેલું છે તે હું જાણું છું. પણ ભોજન મળે તે પહેલાં કશો પણ પ્રામાણિક શ્રમ કરાવનાર સંસ્થાઓ યોજવાનું કામ અતિશય મુશ્કેલ છે. લોકો પાસે શ્રમ કરાવીને તેમને ખવડાવવાનો ખર્ચ પૈસાની દૃષ્ટિએ શરૂ શરૂમાં, પેલાં મફત રસોડાં કરતાં વધુ જ આવવાનો. પરંતુ જો આપણે દેશમાં ઝડપથી ચોમેર ફરી વળતા રખડુઓની ઓલાદને રાતદિવસ ઉત્તરોત્તર વધવા દેવી ન હોય તો મને ખાતરી છે કે લાંબે ગાળે એ કાર્ય ખર્ચની દૃષ્ટિએ સસ્તું પડશે.
ભૂખેથી પીડાતા ધંધા વગરના લોકોનો પરમેશ્વર તો યોગ્ય ધંધો અને તેને પરિણામે મળતું અનાજ જ હોઈ શકે.
જે કપડાંની તેઓને દરકાર નથી એવાં કપડાં નવસ્ત્રાંને આપીને હું તેમનું અપમાન કેમ કરું? જે ધંધાની તેઓને જરૂર છે તે તેમને આપું. હું તેઓનો મહેરબાન થવાનો દોષ કેમ કરું? તેઓને કંગાળ બનાવવામાં મેં ભાગ લીધો છે એવું ભાન થયે હું તો તેઓને ઊંચું સ્થાન આપું. મેં કાઢી નાખેલાં અન્નવસ્ત્ર ન આપું પણ મારાં સારામાં સારા અન્નવસ્ત્રનો ભાગ આપું અને તેઓની મજૂરીમાં તેઓનો સાથી થાઉં.
મને લાગે છે જ કે ભીખને ઉત્તેજન આપવું ખોટું છે, છતાં હું ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં, એ જો કામ ન કરે તો એને હું ભૂખ્યો જવા દઉં. જે અપંગ છે, લૂલાંપાંગળાં છે, આંધળાં છે તેમને સરકારે પોષવાં જોઈએ.
પણ અંધાપાના ઢોંગને નામે કે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઈ ગયા છે. એમને આ લાલચમાં પાડવા એના કરતાં એમને ક્યાંક અનાથાશ્રમમાં લઈ જવા એ સારું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર