સત્યાગ્રહીની લાયકાત

08 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: fineartamerica.com

નીચલી લાયકાતો જેને હું આ દેશના દરેક સત્યાગ્રહીને સારુ જરૂરી ગણું છું.

1. ઈશ્વર ઉપર જ્વલંત શ્રદ્ધા, કારણ એ જ એકમાત્ર અતૂટ આધાર છે.

2. તેને સત્ય અને અહિંસામાં ધર્મભાવે આસ્થા હોવી જોઈએ. અને તેથી મનુષ્ય સ્વભાવના હાડમાં વસતી ભલાઈમાં તે માનતો હોવો જોઈએ. આ ભલાઈને સત્ય તેમ જ પ્રેમને રસ્તે જાતે દુઃખ ખમીને જાગ્રત કરવાની તે હંમેશાં આશા રાખે.

3. તે શુદ્ધ જીવન ગાળનારો હોય અને પોતાના કાર્યને અર્થે પોતાનાં જાનમાલ સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા હંમેશાં તૈયાર હોય.

4. તે સતત ખાદીધારી તેમ જ કાંતનાર હોય. હિંદુસ્તાનને સારુ આ બાબત અગત્યની છે.

5. એ નિર્વ્યસની હોય અને બધી જાતનાં કેફી પીણાં ઈત્યાદિથી મુક્ત રહે. તેથી તેની બુદ્ધિ હંમેશાં નિર્મળ અને તેનું મન નિશ્ચળ રહેતું હોય.

6. વખતોવખત ઘડાતા શિસ્તના નિયમોનું તે રાજીખુશીથી અને ચીવટપૂર્વક પાલન કરે.

7. તે જેલ નિયમોનું પાલન કરે સિવાય કે જ્યાં તેના માનભંગને ખાતર જ કોઈ નિયમો ખાસ ઘડવામાં આવ્યા હોય.

સત્યાગ્રહીની લાયકાતોની આ યાદીને કોઈ સંપૂર્ણ ન ગણે. ઉદાહરણ રૂપે જ તે અહીં આપી છે.

સેતાનની પાંખે ચડીને સ્વર્ગમાં પહોંચાતું હોય તો પણ સત્યાગ્રહી તે ન કરે.

સત્યાગ્રહમાં ફરેબને કે જૂઠને સ્થાન નથી.

માનભરી શરતોએ સમાધાન કરવાની તક સત્યાગ્રહી કદી ગુમાવે નહીં, ગુમાવી શકે નહીં. મસલત પડી ભાંગતાં તે યુદ્ધ કરવા નિરંતર તૈયાર હોય છે એ તો હંમેશાં માની જ લીધેલું હોય છે. તેને અગાઉથી તૈયારીની જરૂર નથી હોતી, તેની બધી બાજી હંમેશાં ખુલ્લી હોય છે.

એ પણ ઘણી વાર ભુલાઈ જવાય છે કે સત્યાગ્રહીનો હેતુ બૂરાઈ કરનારને મૂંઝવવાનો કદી નથી હોતો. એના ભયને નહીં પણ એના જિગરને જ હંમેશાં જાગ્રત કરવાનો એનો પ્રયત્ન હોય છે. સત્યાગ્રહી એ દુષ્ટને મજબૂર કરવા નહીં પણ એનો હૃદયપલટો કરવા જ હંમેશાં ઈચ્છશે, સત્યાગ્રહીએ પોતાનાં તમામ આચરણમાં કૃત્રિમતાને કાઢી નાખવી રહી. એ હંમેશાં સ્વાભાવિકપણે અને અંતરના વિશ્વાસને આધારે જ વર્તશે.

સત્યાગ્રહ ખરાનો ખેલ છે. સત્યાગ્રહી અહિંસાથી બંધાયેલો હોય છે અને જો લોકો મનસા, વાચા, કર્મણા શાંતિ ન જાળવે તો મારાથી સત્યાગ્રહની લડત કદી ન લડી શકાય.

મેં હંમેશાં એમ માન્યું છે કે, બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઈએ ને પોતાના રાઈ જેવડા લાગતા દોષોને પહાડ જેવા જોતાં શીખીએ, ત્યારે જ આપણને પોતાના ને પારકા દોષોનું ઠીક ઠીક પ્રમાણ મળી રહે. મેં એમ પણ માન્યું છે કે, આ સામાન્ય નિયમનું પાલન સત્યાગ્રહી થવા ઈચ્છનારે તો ઘણી વધારે સૂક્ષ્મતાથી કરવું જોઈએ.

પશુબળના જુલમ સામે રક્ષા કરવાને માટે સત્યાગ્રહી ઈશ્વર પણ આધાર રાખે છે.

ઘડાયેલો સાચો સત્યાગ્રહી સામા પક્ષ તરફથી આવતાં દીઠાં કે અણદીઠાં જોખમોથી દબાઈ ન જાય, ડરે નહીં. હરેક લશ્કરને, તેમ તેને બહારનાં નહીં, અંદરનાં જોખમોથી ડરવાનું હોય છે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.