ધર્મો પ્રત્યે આદર
અમે એકબીજાના ધર્મનો કોઈ પણ રીતે વિરોધ નહીં કરીએ, એકબીજાની ધાર્મિક લાગણી નહીં દુભવીએ.
પોતાના ધર્મપ્રચારને નામે બીજા ધર્મોની નિંદા કરવાની પ્રવૃત્તિ ચાલવા ન જ દઈ શકાય.
એકબીજાના ધર્મની બદગોઈ કરવી, ગમે તેવાં નિરંકુશ કથનો કરવાં, અસત્યનું ઉચ્ચારણ કરવું, નિર્દોષના પ્રાણ લેવા, મંદિરો અને મસ્જિદોને અપવિત્ર કરવાં - એ બધું ઈશ્વરને પદભ્રષ્ટ કરવો નહીં તો બીજું શું છે?
રસ્તો તો એ જ પુરાણો એકનો એક જ છે. આપણે સૌ આપણા પોતપોતાના ધર્મને વળગી રહી પોતપોતાના ધર્મનું પાલન કરીએ.
પ્રાચીન સંસ્કૃતિના ગુપ્ત ખજાનાની શોધનો પ્રયાસ કરતાં આકસ્મિક રીતે મને જેના મૂલ્યનો અંદાજ ન થાય એવું વરદાન મળ્યું છે કે પ્રાચીન હિંદુ સંસ્કૃતિમાં જ બધું સનાતન છે, તે બધું ઈશુ, બુદ્ધ, મોહમ્મદ અને જરથુસ્ટ્રના ઉપદેશમાં પણ જોવા મળે છે.
મારા હિંદુ ધર્મમાં સર્વ ધર્મો સમાઈ જાય છે. સર્વ ધર્મનો નિચોડ અથવા સાર હિંદુ ધર્મમાં મળે છે. તેથી તેનો ઈસ્લામ અથવા તેના અનુયાયીઓ સાથે કોઈ ઝઘડો ન થઈ શકે.
તલવાર એ કંઈ ઈસ્લામનું ચિહ્ન નથી. પણ ઈસ્લામનો જન્મ જ એવી પરિસ્થિતિ વચ્ચે થયો જ્યાં તલવાર જ મોટામાં મોટો કાયદો હતી અને હજુ રહી છે... મુસલમાનોમાં હજુ આજે પણ તલવાર જ્યાં ને ત્યાં ચમકી રહી છે. જો ઈસ્લામને એની જે અર્થમાં આ જગતમાં હસ્તી છે તે - શાંતિ - ના આદર્શને પહોંચવું હોય તો એ તલવાર મ્યાન થયે જ છૂટકો છે.
ઈશ્વર એક જ છે. એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઈસ્લામમાં છે તે સહુને માટે માણસમાત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઈસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આપેલી અનોખો ફાળો છે.
ઈસ્લામનો અર્થ જ શાંતિ છે. એ શાંતિ મુસલમાનોની જ શાંતિ નથી, પણ સૌ કોમોની અને વિશ્વની શાંતિ છે.
બળાત્કારે ધર્માંતર
બળાત્કારે વટલાવવાના દિવસો હવે ગયા છે.
આજના ધર્માંતરમાં તો ધર્મના એક વાડાની આણ મૂકીને બીજાની માનવામાં આવે છે અને વિરોધી ધર્મો એકબીજાને ઉતારી પાડે છે, જેને લીધે પરસ્પર દ્વેષની જ વૃદ્ધિ થાય છે.
ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી.
જેમ દુન્યવી વહેવારની બાબતોમાં આપણે એકબીજાનાં માથાં ભાંગવા તૈયાર નથી થઈ જતાં તેમ ધાર્મિક બાબતોમાં પણ ન જ થઈએ.
મારી તો ખાતરી છે કે જ્યાં આગેવાનોને લડવાની ચળ નથી ત્યાં આમપ્રજાને લડવાની કે માથાં ભાંગવાની મુદ્દલ વૃત્તિ નથી. તેથી જો આગેવાનો કબૂલ થાય કે બધા આપસના કજિયાઓને જંગલી તથા અધાર્મિક ગણીને બીજા બધા સભ્યદેશોની માફક આ દેશોમાંથી પણ કાયમને માટે તિલાંજલિ આપવામાં આવે તો આમપ્રજા તાબડતોબ એ ભાવનાને ઝીલી લેશે એ વિશે મને છાંટાભાર શંકા નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર