ગ્રામીણ અર્થકારણ

17 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: philippineslifestyle.com

મારી પાસે ઐતિહાસિક પુરાવો તો નથી પણ મેં હંમેશાં માન્યું છે કે ભારતવર્ષમાં એક કાળે ગામડાંનું અર્થકરણ આવા નિર્દોષ અહિંસક વ્યવસાયો ઉપર રચાયું હતું. માણસના હકો ઉપર નહીં પણ માણસના ધર્મો અને ફરજો ઉપર તે ખડું હતું. આવા ધંધાઓમાં રોકાનારા પોતાનો રોટલો કમાતા જ, પણ ઉપરાંત તેમનો પરિશ્રમ આખા સમાજનાં હિત અને કલ્યાણમાં પરિણમતો.

એ ધંધાઓ અને ઉદ્યોગોમાં શરીરશ્રમ એ મુખ્ય વસ્તુ હતી. વિરાટ સાંચાકામ તે કાળે નહોતાં. કારણ જ્યારે માણસ જાતે ખેડી શકે તેટલી જ જમીનથી સંતોષ માનતો હોય ત્યાર પછી તે બીજાને શોષી ન શકે. હાથઉદ્યોગોમાં શોષણ અને ગુલામીને અવકાશ નથી.

વિરાટ સાંચાકામો એક માણસના હાથમાં ધનના ઢગ ભેળા કરે છે જેના જોરે પેલો અનેક પાસે પોતાને સારુ વૈતરાં કરાવે છે. પોતાના કામદારોને માટે આદર્શ સ્થિતિ ઊભા કરવા પણ કદાચ એ પ્રયત્ન કરતો હશે, પણ તેમ છતાં એમાં ચૂસણ અને શોષણ તો રહેલાં જ છે અને એનો અર્થ અમુક રૂપમાં હિંસા જ છે.

જ્યારે સમાજ બીજાઓનાં શોષણ ઉપર નહીં પણ ન્યાય ઉપર રચાયેલો હતો એવી વાત હું કરું છું ત્યારે હું એટલું જ સૂચવવા માગું છું કે સત્ય અને અહિંસા કેવળ વ્યક્તિઓને સાધ્ય એવા ગુણો નથી પણ આખી જમાતો અને માનવસમાજો અમલમાં મૂકી શકે એવી ચીજ છે. જે ગુણ મઠ કે મઢૂલીની અંદર જ ખીલી શકે અથવા માત્ર વ્યક્તિઓ જ ખીલવી શકે છે તે મારી નજરમાં ગુણ નથી. મારે મન એવા ગુણની કિંમત નથી.

 

આર્થિક સમાનતા 

 

બુદ્ધિની તેમ જ સગવડની અસમાનતા વિશ્વના અંત સુધી ચાલ્યા જ કરવાની. વેરાન રણમાં રહેતા માણસ કરતાં નદી કાંઠે રહેતા માણસને અનાજ પકવવાની સગવડ હંમેશાં વધારે રહેવાની. પણ અસમાનતાઓ અનિવાર્ય હોય તેથી કંઈ સૌ વચ્ચેની તાત્વિક સમાનતાને પણ આપણે ભૂલવી ઘટતી નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.