વિશ્વાસ અને વિશ્વશાંતિ
માનવસ્વભાવ વિશે શંકા કરવાનો હું ઈનકાર કરું છું. કોઈ પણ મૈત્રીભર્યા અને ઉમદા કાર્યનો પ્રત્યુત્તર એ વાળશે જ અને એણે વાળવો જોઈએ.
માનવ અને માનવજાતિ પ્રત્યે મારામાં વિશ્વાસનો અભાવ નથી. (જેઓને અવિશ્વાસ છે) તેમણે ઈશ્વર સમક્ષ જવાબ આપવાનો રહેશે. એટલે મારે શા માટે ચિંતા કરવી જોઈએ? પરંતુ જ્યાં મારા પોતાના જીવનકાર્યના મિશનનો સવાલ છે, ત્યાં મારો વિચાર સક્રિય બને છે, અને વહેમ અને અવિશ્વાસ પ્રવર્તતા હોવા છતાં બધાનું ભલું ઈચ્છવાની કોશિશ કરું છું. મારા નસીબમાં હશે તો હું દુઃખ ભોગવીશ, પણ જ્યારે અનિષ્ટની સામે હું લડી શકું ત્યારે મારું મનોબળ તોડી નાખું નહીં.
પરસ્પરનો પ્રેમ એ સાચો પ્રેમ નથી, પરસ્પરનો વિશ્વાસ એ સાચો વિશ્વાસ નથી. તમારા પર દ્વેષ કરનારાઓને ચાહવા, તમારો તમારા પડોશી પર વિશ્વાસ ન હોય છતાંયે તેને ચાહવો એ સાચો પ્રેમ છે. અંગ્રેજ સત્તાવાળાઓ ઉપર અવિશ્વાસ રાખવાનાં મારી પાસે સંગીન કારણો છે. જો મારો પ્રેમ સાચો હોય તો તેમને વિશે મને અણભરોસો હોવા છતાંયે મારે તેમને ચાહવા જોઈએ. મારા મિત્રપર મને ભરોસો હોય ત્યાં સુધી જ મારો પ્રેમ ટકતો હોય તો એ પ્રેમ શા ખપનો? એવો પ્રેમ તો ચોર લોકોમાંયે હોય છે. પતીજ જતાંવેંત તેઓ પરસ્પર દુશ્મન બની જાય છે.
વિશ્વ શાંતિ
...હું એક આ પાઠ શીખ્યો છું. મનુષ્યને માટે જે અસંભવિત છે તે ઈશ્વર આગળ છોકરાની રમત જેવું છે અને તેની સૃષ્ટિના અણુઅણુના ભાગ્યવિધાતા પરમેશ્વરમાં જો આપણી શ્રદ્ધા હોય તો નિઃસંદેહ દરેકેદરેક વસ્તુ સંભવિત થઈ શકે છે. અને એ જ છેવટની આશામાં હું જીવું છું, મારો વખત ગાળું છું અને તેની ઈચ્છાને તાબે થાઉં છું.
.... સંસારમાં ખરી શાંતિ જો આપણે જોઈતી હોય, જો આપણે યુદ્ધની સાથે સાચું યુદ્ધ કરવું હોય, તો આપણે તેનો બાળકોથી જ આરંભ કરવો જોઈએ. જો તેઓ સ્વાભાવિક અને નિર્દોષપણે ઊછરીને મોટાં થાય તો આપણે લડવું નહીં પડે, આપણે નકામા ઠરાવો નહીં કરવા પડે, પણ જાણેઅજાણે પણ જે શાંતિ અને પ્રેમની આખા સંસારને ભૂખ છે તે પ્રેમ અને શાંતિ દુનિયાના ખૂણે ખૂણે ન પ્રસરી જાય ત્યાં આપણે પ્રેમથી પ્રેમ અને શાંતિથી શાંતિ મેળવતા જઈશું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર