ગુજરાતના અર્થશાસ્ત્રમાં અગરબત્તીના અગરની જેમ જામેલા જૈનો
કલકત્તાની ઉત્તરમાં બેલગાછિયામાં એક જૈનમંદિર છે. એ જોવા ગયો ત્યારે એના બિનજૈન બિહારી ભૈયાએ મને રોક્યો: ‘તમે જૈન નથી!’ કોઈ પણ પ્રકારની દલીલથી એ પલટ્યો નહીં અને મેં હજી સુધી એ મંદિર જોયું નથી - એ મંદિર કે જેનાથી બે ફ્લાંગ દૂર મેં જિંદગીનાં તેર વર્ષ ગુજાર્યા છે! આબુના અચળગઢના જૈન મંદિરમાં પણ આવો જ અનુભવ થયો હતો: તમે જૈન નથી! બહુ ઝઘડા પછી તર્ક પછી અમને અંદર ઘૂસવાનું કન્સેશન મળ્યું હતું. આજે પણ હું પચાસ પૈસાના કડું-કરિયાતુંની બૉટલ લેવા જૈન પ્રતિષ્ઠાનમાં જાઉં તો મારે મારું જૈનત્વ સાબિત કરવું પડે! બીજા ધર્મો ડઝનબંધ પુસ્તકો મફત આપે છે ત્યારે જૈન ધર્મ હજી મધ્યયુગમાં બંધ હતો એવો જ રહેવા માગે છે.
હું જૈન છું, અકસ્માતે! આ ‘અકસ્માત’ શબ્દ પર એક તદ્દન અપરિચિત જૈન મુરબ્બી બૅન્કના કાઉન્ટર પર ઊછળી પડેલા. જૈનો અહિંસક છે, પણ બીજો જૈન એમના જેટલો કટ્ટર ન હોય તો એમની વાણીમાં હિંસક રંગ આવી જાય છે! નાનો હતો અને એક અપાસરામાં મને ખસેડીને એક મોડા આવેલા જાડા શેઠિયાને બેસાડવામાં આવ્યો ત્યારથી જ મારો જૈન ધર્મ હાલી ગયો હતો. ઘરમાં પાંચ તિથિઓ અને અન્ય બધી જ ધાર્મિક વિધિઓ આસ્થાથી થતી હતી એટલે જૈન-જીવનથી હું તદ્દન અજ્ઞાન નથી.
જૈનોની ધાર્મિક વિધિઓએ સદીઓથી એક પરિભાષા જન્માવી છે. જે જૈનેતરોને સમજાય એવી નથી, પણ જૈન એ શબ્દો દૈનિક જીવનમાં વાપરતા હોય છે : કટાસણા, મુહપતી, ચરવળો, નવકારવાળી, ત્રાંબાકૂંડી, આભરણો, વાસકુપી! ખમાસમણ અને લોગસ્સ, નવકારશી અને આયંબિલ, મિચ્છામિ દુક્કડં અને પડિલેહણ, પાંચમો આરો અને તિર્યંચ, તીર્થંકર અને શ્રાવક, એકાસણું અને અઠ્ઠાઈ, કાઉષગ્ગ અને કષાય, અપરિગ્રહ અને કેવળ જ્ઞાન! જૈન ધર્મને સમજવાનો પ્રયત્ન કરવો એ જીવનભરની પ્રવૃત્તિ છે. દરેક વ્યાખ્યા ચોક્કસ શબ્દના અર્થ પર આધાર રાખે છે. ભાગ્યે જ કોઈ ધર્મ આટલો તર્કશુદ્ધ, નિશ્ચિત હશે. ક્યારેક લાગે છે કે જૈન ધર્મનું એક પાકું ગણિત છે!
દૃષ્ટિ આઠ પ્રકારની છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે, ઈન્દ્રિયો પાંચ પ્રકારની છે, જેમાંની એક છે કાન! એ પણ ત્રણ જાતના શબ્દો સાંભળે છે : સૂચિત્ત, અચિત્ત અને મિશ્ર! ઈન્દ્ર એટલે જીવ અને એ જાણવાનું સાધન એટલે ઈન્દ્રિય. જે ક્રિયાથી રસ, લોહી આદિ સાત પ્રકારની ધાતુઓ શોષાઈ જાય એનું નામ તપ! યોગ એટલે મન, વચન કાયાની પ્રવૃત્તિ, મન ધજાના છેડા જેવું ફરફર કરે છે માટે અસ્થિર છે. ગણની રચના કરે એ ગણધર કહેવાય. વ્રત એટલે પ્રતિજ્ઞા. મૈથુન બે પ્રકારનાં - સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત, રાગદ્વેષ આદિ સર્વ દોષોથી રહિત એટલે જિન! સંસ્કૃતમાં જી એટલે જીતવું, આના પરથી શબ્દ આવ્યો જૈન. યત્નશીલ રહે એ યતિ અને મૌન રાખે એ મુનિ. ધર્મ બે પ્રકારના છે. શ્રમણ ધર્મ અને શ્રાવક ધર્મ.
હે ભવ્યજનો! આ છે જૈન ધર્મની એક ઝાંખી! પણ જૈન ધર્મના ઊંડાણને સમજવું હોય તો ઈરિયાવહિર્ય સૂત્રના એકબે શ્લોકોના અનુવાદ જોવાથી ખ્યાલ આવી જશે : એક સ્થાનથી બીજે સ્થાન જતાં જો જીવોને પગે કરીને ચાંપવાથી, બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી કરોળિયાવાળી જાળને ચાંપવાથી પીડા ઉપજાવી હોય.
અને કેવા જીવો? જીવોના પ્રકાર: એક ઈન્દ્રિયવાળા (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પિતકાય), બે ઈન્દ્રિયવાળા (કૃમિ, શાખ, અળસિયાં વગેરે), ત્રણ ઈન્દ્રિયવાળા (જૂ, માંકડ, કીડી વગેરે). ચાર ઈન્દ્રિયવાળા (વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે) અને પાંચ ઈન્દ્રિયવાળા (નારકી, તિર્યંચમાં જલચર, સ્થળચર અને ખેચર, મનુષ્ય અને દેવ)...
અને આગળના શ્લોકમાં પીડા ઉપજાવવાના દસ પ્રકાર વર્ણવ્યા છે.
કદાચ હજારો વર્ષ પહેલાં કોઈ ધર્મ આટલો વૈજ્ઞાનિક ન હતો. કદાચ આ ધર્મની આટલી બારીકી પર જ્યોર્જ બર્નાર્ડ શો જેવા વિચારક ઝૂમી ગયા હતા. કદાચ અઢી હજાર વર્ષોથી આ ધર્મ જીવતો રહ્યો છે એ એના સ્પષ્ટ માર્ગદર્શનને લીધે.
જૈનોએ ચાલ્સ ડાર્વિનના ‘શક્તિશાળી જ આ દુનિયામાં જીવે છે’ (સરવાઈલ ઑફ ધી ફીટેસ્ટ) જેવા મહાન સિદ્ધાંતને ખોટો પાડ્યો છે. જો શરીરની શક્તિથી જ પ્રાણીઓ ટકી શક્યાં હોત તો જૈનો આ પૃથ્વી પરથી બીજી સેંકડો જાતિઓની જેમ ભૂંસાઈ ચૂક્યા હોત, પણ જૈનો જીવ્યા છે. જીવે છે, જીવશે! એ આ પૃથ્વી પરની સૌથી પ્રાચીન જાતિઓમાંની એક છે. ભારતના લેખિત ઈતિહાસની સાથે જ એમનો ઈતિહાસ શરૂ થાય છે. આપણા દેશમાં સેંકડો જાતિઓ આવી અને ખોવાઈ ગઈ, પણ જૈન પ્રજા વિકાસ કરતી રહી. ઈતિહાસની પરિષદોમાં મેં એક પ્રશ્ન વિદ્વાનોને પૂછ્યો છે, પૂછતો રહ્યો છું: ક્ષત્રિય અને રાજપૂત, બ્રાહ્મણ અને શૂદ્ર બધા જ મુસ્લિમ બન્યા, પણ જૈનમાંથી મુસ્લિમ કેમ બન્યા નહીં? જૈનો પાસે રાજપૂતોનું વીરત્વ ન હતું. એ લડાયક ન હતા. પણ મુસ્લિમો એમને કેમ વટલાવી શક્યા નહીં? ગુજરાતીમાં એક કહેવત છે : ‘વાણિયો વટલે નહીં, અને સોનું સડે નહીં!’ કદાચ જૈનોના ધન, ઉદ્યોગ, વ્યવસાય, આર્થિક સૂઝની દરેક શાસકને જરૂર પડતી હતી! એમની બુદ્ધિ વિના રાજ્યકારભાર ચલાવવો નવા હાકેમ માટે શક્ય ન હતો. અને જૈનો શાસક થવા યોગ્ય દરેકને આર્થિક મદદ કરતા રહેતા હતા! અને જૈનો અત્યંત ધર્મચુસ્ત પ્રજા હતી અથવા કદાચ એમનો ધર્મ હતો - ધન!
સંખ્યાની દૃષ્ટિએ જૈનો બહુ મોટી પ્રજા નથી. 1971ની વસતી ગણતરી પ્રમાણે ભારતની પંચાવન કરોડની વસતીમાં 26 લાખ જૈનો હતા અથવા કુલ વસતીના અડધા ટકાથી પણ ઓછા (0.47 ટકા) હતા! આ વસતીમાં ગુજરાતી વસતી હતી બે કરોડ સડસઠ લાખની, જેમાં માત્ર સાડા ચાર લાખ જૈન હતા અથવા ગુજરાતની કુલ વસતીમાં જૈન બે ટકાથી પણ ઓછા (1.68 ટકા) મતલબ કે હિન્દુસ્તાનના 26 લાખ જૈનોમાં ગુજરાતી જૈનો માત્ર સાડાચાર લાખ છે! ઉત્તરમાં જૈન પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં ફેલાયેલા છે. દક્ષિણમાં કર્ણાટકમાં જૈનો મોટી સંખ્યામાં છે, કર્ણાટકમાં જિનગોડા અટક બતાવે છે કે વ્યક્તિ જૈન છે. ઉત્તરમાં સામાન્ય રીતે જૈનો પોતાની અટક જ ‘જૈન’ લખે છે, પણ ગુજરાતમાં માત્ર અટક જોઈને સમજ ન પડે કે આ માણસ જૈન છે કે નહીં (બક્ષી પણ જૈન હોઈ શકે!)
બંગાળમાં જનતા નેતા બિજોયસિંહ નોહાર જૈન છે. જૈનોમાં આવાં નામો હોય એ સુખદ આશ્ચર્ય છે. તામિલનાડુમાં પણ જૈનો સારી સંખ્યામાં હતા અને છે. એક એવી માન્યતા થઈ ગઈ છે કે હિન્દુસ્તાનમાં સૌથી વધુ જૈનો ગુજરાતમાં છે, પણ એ માન્યતા ખોટી છે. 1971ની વસતી ગણતરી પ્રમાણે હિન્દુસ્તાનના 26 લાખ જૈનોમાંથી ગુજરાતમાં માત્ર 4 1/2 લાખ જૈનો છે, જે કુલ જૈન વસતીના 17 ટકા જેવા થાય છે!
ગુજરાતના અર્થશાસ્ત્રમાં જૈનો અગરબત્તીના અગરની જેમ જામેલા છે. એના અગ્નિની જેમ ચમકી રહ્યા છે અને એના સુવાસિત ધુમાડાની જેમ ફેલાઈ ગયા છે. સાહુ-જૈન કે દાલમિયા ઉદ્યોગ ધરાણાં કે અમદાવાદનાં જૈન ઘરાણાંઓ વિશ્વભરમાં વિખ્યાત છે. ભારતની સંસ્કૃતિમાં આટલી નાની કોઈ પણ જાતિએ આટલું વિરાટ યોગદાન આપ્યું નથી! જૈનો એટલા માતબર અને સાહસિક છે કે પારસીઓ અને શીખોની જેમ એમને લઘુમતી તરીકે ગણવાનું પણ ભુલાઈ ગયું છે. હિન્દુસ્તાનના કેટલાય ઉદ્યોગો-વ્યવસાયો એમની મોનોપોલી થઈ ગયા છે. પણ જૈનોએ આ દેશને શું આપ્યું છે?
વર્ધમાન મહાવીરના સમય પછી જૈનોનો સુવર્ણયુગ આવે છે - 1000થી 1300 સુધીમાં! હિંદુત્વ ઈસ્લામના આક્રમણ સામે પીછેહઠ કરી ચૂક્યું હતું. બૌદ્ધ ધર્મ શેષ થઈ ગયો હતો, એ કાળમાં જૈનોએ સંસ્કૃતિની મશાલ જલતી રાખી. ભારતમાં ઘણાંખરાં મહાન જૈન મંદિરો એ કાળમાં બનેલાં છે. જગતમાં ભાગ્યે જ આટલી નાની કોઈ પ્રજાએ આટલું વિરાટ સ્થાપત્યસર્જન કર્યું છે. દેશનાં હજારો જૈન મંદિરો અને સ્થાપત્યોમાંથી થોડાંનાં નામો, આબુ પર દેલવાડાનાં જૈનમંદિરો, પાલિતાણા પાસે શત્રુંજય, ગિરનારનું નેમિનાથનું મંદિર, બિહારના પારસનાથ પરનું સમેતશિખર, મારવાડના રાણકપુર પાસે આદિનાથનું ચૌમુખ મંદિર, મધ્ય ભારતમાં મુક્તાગિરિ અને કુન્ડલપુર, ઓરિસ્સામાં ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ, કર્ણાટકની શ્રવણ બેલગોડાની વિરાટ દિગમ્બર મૂર્તિ (છપ્પન ફીટ ઊંચી આ મૂર્તિ ઈજિપ્તની વિશ્વવિખ્યાત સ્ફીંક્સ મૂર્તિ કરતાં દસેક ફીટ જ નાની છે!) આ સિવાય ચિત્તોડ, ઈલોરા, ખજુરાહો, બદામી વગેરે પ્રખ્યાત સ્થાનોમાં પણ જૈનમંદિરો છે. કલકત્તાનું વિખ્યાત બદ્રીનાથ જૈનમંદિર તો હજી ગઈ સદીમાં જ બંધાયું છે.
આ સિવાય જૈન સાધુઓએ આ સુવર્ણયુગમાં હજારો ગ્રંથો લખ્યા જે મંદિરોના ગ્રંથાગારો અને ઉપાશ્રયોમાં આજ સુધી પડ્યા છે. ભારતમાં પંદર લાખથી વધુ હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં છે. એમાં તત્ત્વજ્ઞાનના ગ્રંથો ઉપરાંત ઇતિહાસ, વ્યાકરણ, સિદ્ધાંત, જ્યોતિષ જેવા ડઝનો વિષય પર જૈન વિદ્વાનોએ કામ કર્યું છે. જ્યારે બાકીનું હિન્દુસ્તાન વેરાન થઈ રહ્યું હતું ત્યારે જૈનોની વિદ્વતાએ સાહિત્ય અને સંસ્કારને જીવતાં રાખ્યાં. આમાંના લાખ ગ્રંથો વંચાતા તો દૂર રહ્યા, પણ હજી વ્યવસ્થિત કેટલૉગ પણ થયાં નથી. આ જ યુગમાં ગુજરાતના જૈન સમ્રાટ કુમારપાળે એમનું વિશાળ સામ્રાજ્ય એમના ગુરૂ કલિકાલસર્વજ્ઞસૂરિ હેમચંદ્રાચાર્યને અર્પણ કરી દીધેલું! આ સમયથી ગુજરાતી જીવન પર જૈન અસર સાચા અર્થમાં શરૂ થઈને આજ સુધી કાયમ રહી છે.
જૈનોની ત્રીજી વિશેષતા છે આંકડાઓ! કહેવાય છે કે ભારતના તંત્રજ્ઞાનમાં આંકડાશાસ્ત્રનો જે મુખ્ય આધાર હતો તે તિબેટ ગયો, ત્યાંથી ચીનમાં પહોંચ્યો! આજે પણ સામ્યવાદી ચીનમાં આંકડાનું બહુ જોર છે. સરકાર તરફથી આઠ સારાઈઓ અને છ ખરાબીઓ ગણાવવામાં આવે! આપણા જમાનામાં આંકડાઓનો રાજનેતાઓએ કાબેલિયતથી ઉપયોગ કર્યો છે - દા.ત. હિટલરના 20 સિદ્ધાંતો ઈન્દિરા ગાંધીનો 20 સૂત્રી કાર્યક્રમ! આંકડા જનતાને યાદ રહી જાય છે. આ બધાનું મૂળ જૈન ધર્મમાં હશે? આ વિષય અભ્યાસીઓનો છે. પણ હિટલરના નાઝીવાદનું પ્રતીક ‘સ્વસ્તિક’ હતું. જે જૈનોનું પણ છે! જૈનોના દરેક તીર્થંકરની ઉંમર તથા ઊંચાઈનાં પણ માપ છે. દાખલા તરીકે અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું આયુમાન (ઉંમર) 84 લાખ વર્ષ અને શરીરમાન (ઊંચાઈ) 80 ધનુષ્ય જેટલું હતું!
જૈનોમાં થોડી વિચિત્રતા જૈનેતરોને જોવા મળે છે. જૈન સ્ત્રી લાખોપતિની પત્ની હોય, પણ મંદિરે જાય ત્યારે ઉઘાડા પગે જાય - પણ હાથમાં ચાંદીનો ડબ્બો હોય, અંદર ચોખા હોય અને એમાં સિક્કાઓ મૂક્યા હોય! દરેક ધાર્મિક વિધિનું રૂપિયામાં મૂલ્યાંકન થાય - અપાસરામાં સપનાં બોલાવવાનાં હોય કે ઘી બોલાવવાનું હોય તોપણ! આરસની તખતી લગાવીને દાતાનું નામ અને દાન કરેલા રૂપિયાનો આંકડો લખાવવો એ ધર્મ છે! આબુના વિશ્વવિખ્યાત વિમલ શાહના મંદિરમાં પણ એમની અને પરિવારના દરેક સભ્યની હાથી પર બિરાજમાન આરસની મૂર્તિઓ છે. કલકત્તામાં એ જ રીતે રાય બદ્રીદાસ બહાદુરની મૂર્તિ મંદિરની બહાર કોતરેલી છે. નામ જીવતું રાખવાની આ લાલસા આજે પણ જૈન દાનોમાં જોવા મળે છે. હીરાનું સ્મગલિંગ કરીને કરોડો રૂપિયા કમાનાર જૈનોને આજે પણ થોડા હજાર રૂપિયા ધાર્મિક દાન આપીને બિલકુલ પવિત્રતા કે સ્વસ્થતાની લાગણી થઈ શકે છે!
કાળાંબજાર અને ઉપવાસ કોઈપણ પ્રકારની દોષની ભાવના વિના સાથે સાથે ચાલી શકે છે. અપરિગ્રહની મહત્તા ધર્મે બહુ ઊંચી મૂકી છે, પણ આટલી પરિગ્રહી પ્રજાઓ બહુ ઓછી છે, જૈન ધર્મગ્રંથોમાં પણ કથાનાયક ઘણી વાર વૈશ્ય કે શ્રેષ્ઠિ જ હોય છે, જૈન ધર્મમાં આજે પણ વેપારીનું સ્થાન બહુ ઊંચું છે. પૈસા કમાનાર સમાજનો હીરો બની શકે છે. મંદિરોની અંદરનો સફેદ આરસ અને પ્રકાશનો ઝગમગાટ જોઈને એવી ચોક્કસ અસર થાય છે કે આ ધર્મને ધનપતિઓ વધારે પ્યારા છે. વ્યક્તિગત પુણ્ય અને સામાજિક પાપ વચ્ચેની ભેદરેખા એક ગૃહસ્થ કે શ્રાવક માટે હજી સ્પષ્ટ નથી.
મુંબઈ યુનિવર્સિટીમાં ઉર્દૂ માટે પણ ‘ચેર’ની પ્રવૃત્તિ તેજી પર છે. કરોડો રૂપિયા કમાનાર જૈનોને એ કેમ સૂઝ્યું નથી કે દસ લાખ રૂપિયા ખર્ચીને યુનિવર્સિટીમાં જૈન ધર્મની એક ‘ચેર’ કરાવીએ? આમાંથી અડધા તો સરકાર આપે છે! પશ્ચિમ જર્મનીમાં જૈન ધર્મના અભ્યાસ માટે ‘ચેર’ છે! પંજાબની ગુરૂનાનક યુનિવર્સિટીમાં શીખ ધર્મ માટે શું કામ થઈ રહ્યું છે એ મેં અમૃતસરના ગેસ્ટહાઉસમાં ત્રણ દિવસ રહીને જોયું છે અને ત્યાં શીખ ધર્મના પ્રોફેસરો સાથે ચર્ચા કરીને હું સમજ્યો છું. જૈનોની પોતાની વર્ધમાન મહાવીર યુનિવર્સિટી હોવી જોઈએ.... પણ પૈસા કમાવામાંથી એટલી ફુરસદ ક્યાં છે? અને જે બુદ્ધ મુરબ્બીઓ જૈન ધર્મના નગરશેઠો બની ગયા છે એમને સદ્દભાગ્યે આવા કુવિચારો આવતા નથી.
હિન્દુ ધર્મના કર્મકાંડ અને વિધિઓના વિરોધરૂપે જૈન ધર્મ પ્રકટ્યો હતો. જૈનોમાં વર્ણવ્યવસ્થા નથી, પણ જેમ દરેક ધર્મના નવા વિચારો પ્રકટતા જાય અને નવા ફિરકાઓ બનતા જાય એમ જૈનોમાં પણ બન્યું છે. તમે જૈન છો? એ પ્રશ્નનો ઉત્તર ‘હા’માં આપવાથી જ વાત અટકી નથી નથી. એ પછીનો પ્રશ્ન હોય છે : શ્વેતામ્બર કે દિગમ્બર? ‘સ્થાનકવાસી’ કે ‘દહેરાવાસી?’ સ્થાનકવાસી એટલે જે અપાસરામાં જઈને વ્યાખ્યાન સાંભળે છે, એ મૂર્તિની પૂજા કરનારો નથી. દહેરાવાસી દહેરા કે મંદિરમાં જાય છે, એ મૂર્તિપૂજક છે. સ્થાનકવાસી પ્રથમ પાંચ મંત્રોમાં માને છે, જ્યારે દહેરાવાસી એ પછીના ચાર સૂચના-મંત્રોમાં પણ માને છે. આ બંને પેટાજાતિઓનાં પર્યુષણ અને સંવત્સરી પણ અલગ અલગ દિવસે હોય છે! પહેલાં એમની વચ્ચે બેટી વ્યવહાર પણ ન હતો, હવે એવું રહ્યું નથી.
દહેરાવાસી તો ખરા, પણ ‘શ્વેતામ્બર કે દિગમ્બર?’ શ્વેતામ્બર એટલે સફેદ કપડાં પહેરનારા અને દિગમ્બર એટલે દિશાઓ જેમનાં વસ્ત્રો છે અથવા સીધી ભાષામાં કહીએ તો નગ્ન રહે છે એ! ગુજરાતી જૈનોમાં દિગમ્બર ઓછા છે, ઉત્તર ભારતમાં વિશેષ છે. પછી શ્રીમાળી, ઓસવાલ, પોરવાડ આદિ આવે, એટલે કે ક્યાંથી આવ્યા? એનો ઉત્તર મળે : શ્રીમાલ, ઓસનગર અથવા ઓસિયા અને પ્રાગ્વાટ નામનાં ગામો પરથી આ નામો આવ્યાં છે! એ પછી ક્યાં વસ્યા? ઉત્તર મળે - અથવા દસા કે વીસા, અર્થાત્ દસ ગામવાળા, વીસ ગામવાળા વગેરે!
(વધુ આવતા અંકે)
(આ પુસ્તક વર્ષ ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું, જેથી લેખમાં આવતી કેટલીક માહિતી કે આંકડા જે-તે સમયના છે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર