કેમ્બ્રિજ યુનિવર્સિટી : 800 વર્ષોમાં પ્રથમ મહિલા વાઈસ-ચાન્સેલર!

19 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

ઑક્સફર્ડ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓ વિશ્વવિખ્યાત છે, અને એ બે માટે એક સમાસ વપરાય છે : ઑક્સિબ્રિજ! ઑક્સ અથવા બળદ પાછા ફરતી વખતે અટકતા હતા એ જગ્યાનું નામ ઑક્સફર્ડ પડ્યું. કેમ્બ્રિજની વ્યુત્પત્તિ જરા જુદી છે. કેમ નામની નદી છે, ઉપર એક બ્રિજ કે પુલ હતો માટે આ સ્થાનનું નામ કેમ્બ્રિજ પડ્યું. 1986માં મેં ઑક્સફર્ડ જોયું ત્યારે મને લાગ્યું કે આ એક મોટું શહેર છે. 1997માં કેમ્બ્રિજ જોયું ત્યારે લાગ્યું કે આ સાચા અર્થમાં એક યુનિવર્સિટીટાઉન છે! એક ટીસ પણ ઊઠી ગઈ કે જવાન હોત તો કેમ્બ્રિજમાં પ્રવેશ લીધો હોત. પૂરા કેમ્બ્રિજનું વાતાવરણ ઉચ્ચ અભ્યાસને અનુરૂપ હતું.

કેમ્બ્રિજનું સ્ટેશન કોઈ આર્ટ ગેલેરી જેવું ચકચકિત હતું. સાઈકલ ચલાવનારા પણ માથા પર હેલ્મેટ પહેરીને ચલાવી રહ્યા હતા. એક મિત્રને પ્રશ્ન કર્યો, સ્ટેશન આવું સ્વચ્છ અને ઝગમગાટ? ઉત્તર મળ્યો કે સ્ટેશનો પ્રાઈવેટ કંપનીઓ ચલાવે છે! પ્રશ્ન થઈ ગયો : કેમ નદીં ક્યાં છે? અમે ચાલીને એક પબ તરફ જઈ રહ્યા હતા, મિત્રે બાજુમાં વહેતા પાણીના એક વહેળાને બતાવીને કહ્યું : આ... કેમ નદી છે! તરત જ પ્રતિપ્રશ્ન થઈ ગયો : આ? આને તમે નદી કહો છો?

આજે 800 વર્ષ જૂની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વિરાટ પરિવર્તન આવી ગયું છે. કેમ્બ્રિજના 800 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વાઈસ-ચાન્સેલર તરીકે એક 54 વર્ષીય સ્ત્રી, પ્રોફેસર એલીસન રિચર્ડ નિમાઈ છે. પ્રાચીન વંશશાસ્ત્ર અથવા એન્થ્રોપોલૉજી એમનો વિષય છે અને એમના થિસિસનો વિષય હતો : માડાગાસ્કર ટાપુના લેમુર વાંદરા! પ્રોફેસર રિચર્ડ કેમ્બ્રિજની 344મી ઉપકુલપતિ છે, અને આ પૂર્વે એ અમેરિકાની યેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ તરીકે 30 વર્ષો સુધી સેવા આપી ચૂકી છે, જ્યાં એમનો પગાર વાર્ષિક 2,23,000 પાઉંડ હતો! કેમ્બ્રિજના વાઈસ-ચાન્સેલરની અવધિ 7 વર્ષની હોય છે, અને વી.સી.નો પગાર પ્રમાણમાં ઓછો હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની નીચે 31 કૉલેજો છે, 17,303 વિદ્યાર્થીઓ છે, 8420નો સ્ટાફ છે અને વાર્ષિક ટર્નઓવર 450 મિલિયન પાઉન્ડનું છે. એસેટ્સ અથવા અસ્કયામતો સવા બિલીઅન પાઉન્ડ જેટલી અંદાજવામાં આવે છે. આ સંસ્થા ‘કૉલેજીએટ યુનિવર્સિટી’ કહેવાય છે, અને એની પ્રતિષ્ઠા વિશ્વકક્ષાની છે. નવ-નિયુક્ત પ્રોફેસર એલીસન રિચર્ડ 4 નવા પ્રો-વાઈસ ચાન્સેલરોની નિયુક્તિ કરશે.

આઠસો વર્ષોના ઈતિહાસમાં પ્રથમવાર નિયુક્ત થયેલી મહિલા ઉપકુલપતિ માટે પ્રકાર પ્રકારની ચેલેંજો ઊભી છે. પ્રૉફેસર રિચર્ડ કહે છે કે હું બાંયો ચડાવીને કામ કરીશ, પણ એકસો દિવસોમાં કોઈ જાદુઈ લાકડી ફરી જવાની નથી! કેમ્બ્રિજમાં શિક્ષણનું સ્તર બહુ ઊંચું છે, અને એ સ્તર રહેશે. યુરોપભરની યુનિવર્સિટીઓ કરતાં ઇંગ્લંડની ટ્યૂશન ફી વધારે છે. ઘણાખરા યુનિવર્સિટી કોર્સ ઇંગ્લંડમાં 3 વર્ષના છે, જ્યારે જર્મની અને ઇટલીમાં 5 વર્ષના છે. યુરોપમાં વિદ્યાર્થીઓ ડ્રોપ-આઉટ રેટ 30 ટકા જેવો છે, ફ્રાંસમાં આ 40 ટકા થઈ જાય છે, ઇંગ્લેન્ડમાં ડ્રોપ-આઉટ રેટ 17 ટકા જેવો છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી 2006ના વર્ષથી ફી વધારવાની હતી અને આ ફી ‘ટોપ-અપ ફી’ કહેવાય છે. આ ફી 3000 પાઉંડ સુધીની હતી, સાથે થોડી શર્તો હતી : ગ્રેજ્યુએટ થઈ ગયા પછી જ ફી આપવાની રહેશે. આ ફી ઉપર અત્યારે જે ગ્રેજ્યુએટ-ટેક્ષ લાગે છે એ નહીં લાગે અને વિદ્યાર્થીને 5000 પાઉંડ સુધી અપાતી લોન પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. આ ટોપ-અપ ફી વિશે ઇંગ્લેંડમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ હતી. લંડનનું ‘ગાર્ડિયન’ પત્ર એના ઑક્ટોબર 1, 2003ના તંત્રીલેખમાં લખ્યું હતું કે : સામાન્ય રીતે એક વિદ્યાર્થી વર્ષે 5000 પાઉન્ડ ખર્ચતો હોય છે, જેમાં નિવાસ, ખોરાક, પુસ્તકો આવી જાય છે. જો આ વિદ્યાર્થી લંડન કે ઑક્સબ્રિજમાં હોય તો આ ખર્ચ વધી જાય છે. આજે જે વિદ્યાર્થી શિક્ષણ સમાપ્ત કરીને યુનિવર્સિટી છોડે છે એના માથા ઉપર 10,000 પાઉંડનું દેવું હોય છે. નવાં ધોરણો નીચે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ જાય પછી આ દેવું 15,000થી 20,000 પાઉંડ થઈ જશે.

ઇંગ્લંડમાં 1900 વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને સંશોધન કરવામાં આવ્યું : વિદ્યાર્થીઓ એમને મળતા સ્ટાઈપેન્ડ કે શિષ્યવૃત્તિના પાઉંડ કઈ રીતે વાપરે છે? એક સામાન્ય વિદ્યાર્થી એને મળતા ‘બુક મની’માંથી 43 ટકા પૈસા શરાબ પીવામાં અને ઈતર પ્રવૃત્તિઓમાં વાપરી નાખે છે. પુરુષ વિદ્યાર્થીઓનો ખર્ચ સ્ત્રીવિદ્યાર્થીઓ કરતાં આ બાબતમાં વધારે છે. સ્ત્રી વિદ્યાર્થીઓ એમને મળતી શિષ્યવૃત્તિમાંથી 70 ટકા પુસ્તકો ખરીદવા પાછળ વાપરે છે. મેડિકલ વિદ્યાર્થીઓ સૌથી ગંભીર હોય છે અને એમને મળતા પાઉંડ વિવેકપૂર્વક વાપરે છે,

જ્યારે સ્પોર્ટસના વિદ્યાર્થીઓ એમને મળતી શિષ્યવૃત્તિના 65 ટકા બહાર જઈને ઉડાવી આવે છે. વાસ્તવમાં આ ‘બુક-મની’ છે. સામાન્ય રીતે, સારી સ્થિતિમાં હોય એવાં સેકન્ડ-હેન્ડ પાઠ્યપુસ્તકો મૂળ કિંમતના 66 ટકાના હિસાબે મળી રહેતાં હોય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લંડમાં એની ‘બર્સેરી સ્કીમ’ માટે સુપ્રસિદ્ધ છે. ઇંગ્લંડની કોઈ પણ યુનવિર્સિટી પાસે આટલી મોટી બર્સેરી સ્કીમ નથી. આ યોજનાનો આશય જરૂરતમંદ, વંચિત વિદ્યાર્થીઓને સહાયક થવાનો છે અને નવનિયુક્ત સ્ત્રી-વાઈસ ચાન્સેલર આ વિષયમાં અમેરિકન અનુભવને કારણે વધારે સક્રિય છે. વંચિત તબક્કાના વિદ્યાર્થીઓને સહાયક આર્થિક અનુદાન મળે એ માટે બર્સેરી સ્કીમ મોટા ઉદ્યોગો અને ચેરિટી સંસ્થાઓને યુનિવર્સિટીની સાથે જોડવા માગે છે, અને એ માટે જે જે અવરોધો છે એ ખસેડવા માંગે છે. આમાં જૂના વિદ્યાર્થીઓ પાસેથી મદદ લેવાનો પ્રોજેક્ટ છે.

આર્થિક રીતે સમૃદ્ધ કેવી રીતે થવું એ દરેક યુનિવર્સિટીની સમસ્યા હોય છે, અને એ સમૃદ્ધિનાં ફળ નિમ્ન તબક્કાના તેજસ્વી વિદ્યાર્થીઓને કઈ રીતે મળે એ દરેક યુનિવર્સિટીનો આશય હોય છે. ઇંગ્લંડના ઉચ્ચ શિક્ષણ મંત્રી એલન જ્હોનસનનું સૂચન છે કે ફી વૃદ્ધિ થાય ત્યારે એનો ત્રીજો ભાગ આ બર્સેરી સ્કીમમાં નાખવો જોઈએ. આ પૂર્વે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઉપકુલપતિ સર એલેક બ્રોઅર્સ નામના સજ્જન 7 વર્ષ સુધી હતા. એમના કાર્યકાળમાં નવી કૉમ્પ્યુટર સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને યુનિવર્સિટીને 90 લાખ પાઉંડનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

વિશ્વ વિદ્યાલયો ચલાવવાં આસાન કામ નથી. આપણાં ગુજરાતનાં વિશ્વ વિદ્યાલયો માટે કેમ્બ્રિજ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓ આદર્શરૂપ છે, કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેટલીક કૉલેજોના કેમ્પસમાં ટહલવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અને લાગ્યું છે કે યુનિવર્સિટી આવી જ હોવી જોઈએ! દુનિયાભરથી ભણવા આવેલા કાળા, ધોળા, પીળા, ઘઉંવર્ણા રંગનાં છોકરા-છોકરીઓને મુક્ત સાહચર્યના વાતાવરણમાં જોવાં એ મારે જેવા નિવૃત્ત પ્રોફેસરની આંખોને સકૂન આપનારું દૃશ્ય હતું.

ક્લૉઝ અપ :

હસ્તીપદે પદાનિ સંલીયત્ને સર્વસત્વોદ્દભવાતિ - મહાભારત

(અર્થ : હાથીના પગલામાં બધાં પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય છે.)

(પ્રસ્તુત લેખ વર્ષ 2003માં લખાયો હતો)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.