અમેરિકન સ્ત્રી : ડુંગરા દૂરથી રળિયામણા....
બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરીને રિલેક્ષ થયા, પછી એમણે પુરુષનું સર્જન કર્યું. પણ બ્રહ્માને લાગ્યું કે પુરુષને માટે કંઈક બનાવવું જોઈએ, એટલે એમણે જેટલા સ્પેરપાર્ટ બચ્યા હતા એમાંથી સ્ત્રીને ‘ઘડી’, દીપકની જ્યોત જેવી નાસિકા અને સરોજ-કમલ જેવાં નેત્રો અને પ્રવાલ જેવા હોઠ અને એવું બધું ફિટ કર્યા પછી બ્રહ્માએ અમૃતકુંભ જેવા ઉન્નત પીનપયોધર બનાવ્યા અને નાભિપ્રદેશમાં ત્રિવલીની રેખા આંકી. સ્ત્રી તૈયાર થઈ ગઈ અને આ મોહિની પર સ્વયં બ્રહ્મા મોહિત થઈ ગયા! સ્ત્રી એટલે? મતિરામ કવિએ ગાયું છે : ઉપજત જાતિ વિલોકિકે/ચિત્ત બિચ રતિભાવ...! મતલબ કે... જેને જોવાથી મનમાં રતિભાવ ઉત્પન્ન થાય. આપણી ભાષામાં કહીએ તો ‘એક્સાઈટ’ થઈ જવાય એ....
આપણે મિસ્ટર મુરારિદાસ હરિયાણી કે મિસ્ટર સચ્ચિદાનંદ કે મિસ્ટર રમેશભાઈ ઓઝા નથી કે મિસ્ટર એમ.કે. ગાંધી પણ નથી કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ વિચલિત ન થઈએ. આપણે પામર મનુષ્યો છીએ, આડુંઅવળું સંસ્કૃતમાં વાંચીને જાણી ગયા છીએ કે કામસૂત્રમાં 7 કલાઓ વર્ણવી છે : પ્રણયવાર્તા, સ્પર્શ, આલિંગન, અધરપાન, નખક્ષત, મર્દન અને રમણ!
ખૂબસૂરત સ્ત્રીઓને જોઈને ગુજરાતી સાધુબાવાઓ ખુશ થતા નથી, આપણી એ કમજોરી છે કે આપણે તરત ખુશ ખુશ થઈ જઈએ છીએ! સૌંદર્ય ક્ષણભંગુર છે, હે ભવ્યજનો! તમે જે જુઓ છો, એ નથી અને તમને જે ખબર નથી, એ છે. બ્રહ્માએ મેન્યુફેક્ચર કર્યું એ સ્ત્રીનું શરીર આ નથી. હવે માણસે વિજ્ઞાનને તાબેદાર બનાવી દીધું છે. હવે સ્ત્રીનું શરીર, માથાના વાળથી પગની પાની સુધી, ભગવાનભરોસે નથી. અમેરિકા આપણો આદર્શ છે અને અમેરિકા નવા નવા પ્રયોગોની માતૃભૂમિ છે. સ્ત્રી હવે ડિઝાઈનર બૉડી બનાવી શકે છે. તોડ અને ફોડ, ફેર અને ફાર, ઊંધું અને ચત્તું, નાનું અને મોટું... શરીરના દરેક અંગ અને ઉપાંગની સાથે શું શું નથી કરી શકાતું? બ્યુટી-બિઝનેસ અમેરિકામાં સન 2003માં 8.4 બિલીઅન ડૉલરનો બિઝનેસ હતો! એ વર્ષે 30 લાખ અમેરિકનોએ, જેમાં જબરદસ્ત બહુમતી સ્ત્રીઓની હતી, કોઝમેટિક પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. ચહેરા પરની ઝુર્રીઓ અને શિકનો અને રેખાઓ કાઢી નાંખવા માટે બોટોક્ષનાં ઈંજેકશનો અપાવાં શરૂ થયાં, 2001માં જેટલાં ઇંજેકશનો અપાયાં એનાથી ડબલ 2003માં અપાયાં! એક ઈંજેકશનની કિંમત? માત્ર 376 ડૉલર! એ વર્ષે અમેરિકનોએ આ ઇંજેકશન લેવા માટે શું ખર્ચ કર્યો? 1.1 બિલીઅન ડૉલર!
ડુંગરા દૂરથી રળિયામણા... કહેવત આપણા વડીલોએ આપણા કાનોમાં 5000 વખત કહી છે, પણ એ કહેવતનો પાછલો ભાગ 50 વખત પણ કહ્યો નથી. ડુંગરા દૂરથી રળિયામણા અને પાસેથી બિહામણા! આ કહેવત અમેરિકન હસીનાઓને ખાસ લાગુ પડે છે. બોલો તમારે શું કરાવવું છે? ફોરહેડ-લિફ્ટ? કપાળ આગળ કરવાના 2797 ડૉલર પડશે, અને લોકોએ આની પાછળ 161 મિલીઅન ડૉલર સન 2003માં ખર્ચ્યા હતા. લીપ-ઓગમેન્ટેશન? હોઠ સેક્સી બનાવવા છે ને? ભાવ 1325 ડોલર છે, અને 30 મિલીઅન ડૉલર દેશભરમાં ખર્ચાયા છે. નાક? એટલે કે નોઝ-રિશેપિંગ? નાકનો આકાર બદલવો છે? 3188 ડૉલર પડશે. એક બિલીઅન ડૉલર ખર્ચ્યા છે સ્ત્રીઓએ, નાકનો આકાર, નાકનો પ્રોફાઈલ બદલવા પાછળ? ગાલ? પહેલાં નક્કી કરો, ગાલ કે હડપચી? ચીક-ઈમ્પ્લાન્ટ એટલે ગાલ ફુલાવવા, અને એના 2083 ડૉલર હોય છે, પણ ચીક-ઓગમેન્ટેશન, એટલે કે હડપચી સરસ બનાવવાના ફક્ત 1693 ડૉલર જ લાગે છે. હા, આંખોની સર્જરી થાય છે અને આંખોનાં પોપચાંની જુદી સર્જરી પણ થાય છે અને હોલસેલમાં ફેસલિફ્ટનું પેકેજ લો તો 5283 ડૉલરમાં થઈ જાય છે...
અમેરિકન સ્ત્રીના શરીરમાં કેટલું ભગવાનનું આપેલું છે અને કેટલું માણસે રિપેર કરી આપ્યું છે એ સમજવું કઠિન છે. આપણી નાયિકાઓના ભરતમુનિએ આઠ ભાગ પાડ્યા હતા : વાસકસજ્જા, સ્વાધીનપતિકા, વિરહોત્કંઠિતા, ખંડિતા, કલહાંતરિતા, વિપ્રલબ્ધા, પ્રોષિત પતિકા અને અભિસારિકા! આમાંથી આપણે માત્ર અભિસારિકા વિશે થોડુંઘણું સાંભળ્યું કે વાંચ્યું છે. અભિસારિકા મેક-અપ કરતી હતી, અને હેવી મેક-અપ કરતી હતી. શરીર એને માટે એક ઘાતક શસ્ત્ર હતું. આપણાં શૃંગારસર્જનોમાં વિષકન્યા વિશે બહુ ઓછું લખાયું છે એ બહુ ગમતું નથી. સોનેરી શરીર અને લીલી આંખોવાળી સ્ત્રી કેવી હશે જે એક રાતમાં પુરુષને ખતમ કરીને એની લાશને બહાર ફેંકાવી દેતી હશે? અઘરામાં અઘરાં કામો વિષકન્યાઓ આસાનીથી કરાવી લેતી હતી? કદાચ પ્રાચીન ગ્રીક કથાઓમાં આવતી ‘સાઈરન’ જેવી એ સ્ત્રીઓ હતી, ખૂબસૂરત મૌત જેવી, લોહચુંબક લોખંડને ખેંચી લે એમ અથવા મીણબત્તીની લૌ પર પતંગિયું ઝપટ મારીને સળગીને પડી જાય એમ, એ વિષકન્યાઓ મૃત્યુને રમાડતી રહેતી હતી. અમેરિકન સ્ત્રીઓ ‘પરફેક્ટ બૉડી’ની તલાશમાં ખુવાર થવા તૈયાર છે.
શરીરનો કોઈ હિસ્સો બાકી નથી. ટમી-ટક એટલે કે પેટ અંદર લઈ શકાય છે. બટક-લિફ્ટ એટલે નિતંબનો ઉભાર વધારવો. એ જ રીતે થાઈ-લિફ્ટ થાય છે, જેમાં સાથળો વધુ માંસલ બનાવવામાં આવે છે. ખભા પણ સપ્રમાણ બનાવી આપવામાં આવે છે. લેસર કિરણોથી વધારાના વાળ કે રૂંવાટી કાઢી આપવામાં આવે છે. અને એક અત્યંત લોકપ્રિય સર્જરી છે, લિપોસક્શન, જેમાં શરીરની અંદરની વધારાની ચરબી ખેંચી કાઢવામાં આવે છે. પગની અંદરની નસોને માટે પણ લેસર ટ્રીટમેન્ટ થાય છે.
કદાચ સૌથી લોકપ્રિય કોઝમેટિક પ્લાસ્ટિક સર્જરી સ્તનો વિશે છે, અને એના વિવિધ પ્રકારો છે. મહાસ્તની અને મહાનિતંબિની થવાનો અમેરિકન મહિલાઓનો શોખ, વાસ્તવમાં એક અસાધ્ય ક્રેઝ છે! આ ક્રેઝ એ હદે વકર્યો છે કે પુરુષોમાં પણ ‘સ્તન’ (બ્રેસ્ટ) ઓછાં કરવાની ટ્રીટમેન્ટ લેવાય છે, અને એની સરેરાશ કિંમત 2939 ડૉલર છે. સ્ત્રીઓની વાત જુદી છે. ત્યાં ઓગમેન્ટેશન અને લિફ્ટ અને ઈમ્પ્લાન્ટનો ક્રેઝ છે. સ્તનોને સુડોળ બનાવવાનો ભાવ 3375 ડૉલર છે, સ્તનોને લિફ્ટ આપવાની સરેરાશ કિંમત 3857 ડૉલર છે, બાકી સૌથી વધારે સ્તનોની અંદર ઈમ્પ્લાન્ટ કરીને સ્તનોને વધારે માંસલ અને ભરાવદાર અને ચુસ્ત બનાવવાની સર્જરી છે. દુનિયામાં જે થતું નથી એ અમેરિકા કરી શકે છે. સ્તનોમાં મૂકેલાં ઈમ્પ્લાન્ટને કાઢી નાંખવા અને બદલવા માટે પણ સર્જરી થાય છે! એનો ભાવ પ્રમાણમાં સસ્તો છે : માત્ર 2047 ડૉલર. આ બધા ભાવ વર્ષનાં કુલ ઑપરેશનો અને વ્યક્તિઓને ધ્યાનમાં લઈને સરેરાશ કાઢવામાં આવ્યા છે. કાનની બૂટ-રિપેર કે ભ્રમણ ઊંચી કરવા જેવી નાની સર્જરીઓને આમાં સ્થાન નથી...
ક્લૉઝ અપ :
ઓછાં લાકડે બળવું નહીં.
- જૂની ગુજરાતી કહેવત
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર