બેવતન : બાબુલ મોરા નૈહર છૂટો જાય...

11 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

વતન એ વિચિત્ર શબ્દ છે, એ શબ્દમાં જ વિરોધિતા છે, બે વિચારો સાથે જીવે છે. વતનની માયા માણસને મૃત્યુ સુધી રહે છે અને દુનિયાનાં આક્રોશોમાં ઊડવા માટે માણસ વતન છોડે છે. જે વતન છોડતો નથી એ ગતિશીલ રહેતો નથી, શિથિલ થઈ જવાનો ભય છે અને દુનિયા જીતી લીધા પછી વતન છૂટતું નથી, પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. વતન એટલે દેશ, વતન પરસ્તી એટલે દેશભક્તિ. બેવતની એટલે ઉસ્થાપિત, વિસ્થાપિત ઊખડી જવાની ક્રિયા, વતન ઘણીવાર ઘૂટન પૈદા કરે છે. શક્તિઓને રૂંધી નાખે છે, માણસ વતન છોડવા માટે બાધ્ય બની જાય છે અને બીજો માણસ સાત સમુદ્રો ઓળંગીને પાછો ફરે છે, અય વતન, અય વતન...! કવિ ઝવેરચંદ મેઘાણી ગાય છે : વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી’તી/વળો પાછા, વળો પાછા એમ વ્યર્થ વલવલતી જતી’તી! બીજી લીટીમાં માણસ પોતાના મૂડ-મિજાજ પ્રમાણે ફેરફાર કરી શકે છે...

વતન માટે આટલો બધો લગાવ હતો તો વતન છોડ્યું શા માટે? રોટી માટે, અનજાનની શોધ માટે, પરાક્રમના તજુર્બા માટે, માર ખાવાના રોમાંસ માટે, પૈસા કમાવા માટે, મર્દાનગીની ચેલેન્જ માટે. એક હજાર નાનાંમોટાં કારણો હોઈ શકે છે અને બેવતની એક કસક પૈદા કરે છે. બેવતન થયેલા માણસને જ વતનના લગાવનો સાચો અહસાસ થતો હોય છે. આપણે વિદેશ જઈએ છીએ, સાત દિવસ, ચૌદ દિવસ, એકવીસ દિવસ... અને પછી રાત્રે પથારીમાં થકાનથી ચૂર થઈ ગયેલું શરીર લંબાવીએ છીએ અને બંધ આંખોમાં વાપસીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે. આઠ દિવસ રહ્યા, હવે સાત છ... પાંચ... અને ‘હોમ-સિક’ થઈ જઈએ છીએ અને ઘણા માણસોની જિંદગીમાં એ ઘર, ગલીઓ, એ સ્ટેશન માત્ર સ્મૃતિરૂપે જ રહી જાય છે, એ નિરાશ્રિત, શરણાર્થી, રેફ્યુજી કદાચ હતા. હંમેશને માટે આ બધું છોડી દેવાનું છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, મિત્રકવિ આદિલ મન્સૂરીએ એમના અમર અવસાદગીતમાં ગાયું છે. વળાવવા આવ્યા છે એ ચહેરા આંખોમાં ફરતા રહેશે, સફરમાં હમસફર મળે ન મળે. વતન હંમેશને માટે છોડી દેવાનો વિષાદયોગ આ કૃતિની દરેક પંક્તિ, દરેક વાક્ય, દરેક શબ્દમાંથી ટપકતો રહે છે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ/અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે!

ગોવામાં મંડોવી નદીને કિનારે કોંકણીના ખ્યાતનામ કવિ ડૉ. મનોહર સરદેસાઈએ એમની અમર કૃતિ ‘ગોયાં, તુજ્યા મોગા ખાતિર’, ગોવા તારા પ્રેમને ખાતર... સંભળાવી હતી. પોર્ટુગીઝ હકૂમતે દેશનિકાલ કરેલા કવિએ પેરિસમાં આ ગીત રચ્યું હતું. ગોવામાં સ્વાતંત્ર્ય-આંદોલન ચાલતું હતું અને બેવતન થયેલા કવિની માનસિક યંત્રણા આ કવિતામાં આત્મસાત્ થઈ છે. ગોવા, તારા પ્રેમને ખાતર શું શું છોડ્યું છે? સૂચિ લાંબી છે. વતનથી બેવતન થયેલો કલાકાર જ આ સંવેદનાને કવિતામાં રડી શકે છે. સુંદરીચો સોડલો ભોગ/ગોંયા, તુજ્યા મોગા ખાતિર... સ્વરૂપવાન સ્ત્રીઓનો ભોગ છોડ્યો, ગોવા, તારા પ્રેમને ખાતર! અને છતાં પણ? તરીય તુજી તાંબડી માતી/મ્હજ્યા હાતાક લાગલી ના! છતાં પણ તારી ત્રાંબા જેવી લાલ મિટ્ટી, મારા હાથ પર લાગી નહીં. આદિલ મન્સૂરી ધૂળથી માથું ભરી લેવાની વાત કરે છે. ડૉ. મનોહર સરદેસાઈ નખમાં લાલ મિટ્ટી ભરાઈ જવાની વાત કરે છે. એક કવિએ અત્યંત સરળ લહજામાં કહી દીધું છે : કૌન કિસકે કરીબ હોતા હૈ/અપના અપના નસીબ હોતા હૈ...

બેવતનીનો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે. પિતાનું ઘર છોડવાનું છે. એ સગાંઓ, એ સ્વજનો, એ સુહૃદોને છોડવાનાં છે. બિરાદરી છોડવાની છે. ભૂતકાળ કાપીને જવાનું છે. આસું મૂકીને જવાનું છે. આત્મીય મૃતકોના સુખડના હાર ચડાવેલા ફોટાઓને પ્રયત્ન કરીને ભૂલીને જવાનું છે. એ મંમીની ચંપલ, એ ડેડીનું ટૂથબ્રશ, એ નાનીબહેનો કાંસકો, એ મોટાભાઈનો ટુવાલ હવે નવા જીવનમાં નથી. દાદીનાં બાયફોકલ ચશ્માં અને દાદાના ડેન્ચર હવે પાછળ રહી જવાનાં છે. કદાચ વિદેશમાં જવાનું છે, દરિયાપાર, એ દેશમાં જ્યાં સાસરું અને પિયેર જેવા શબ્દો જ નથી. એ દીકરી જેના વાળ ઓળીને રિબન બાંધી આપી હતી, એ વડોદરા કે વલસાડથી નીકળીને બોસ્ટન જવાની છે. એ દીકરી જેની આંખોમાં તમારી આંખોનો પારદર્શક બદામી-સોનેરી રંગ ઊતર્યો છે, એ સુરેન્દ્રનગર કે સુરતથી નીકળીને હ્યુસ્ટન જવાની છે. એ દીકરી જેના નાના ટિફિનમાં તમે રોજ બે સેન્ડવિચ મૂકી આપતા હતા, એ પાલનપુર કે પોરબંદરથી, ક્રોયડન ગઈ છે. ફોન આવે છે : મંમી, હું સુખી છું! પછી મૌન. ખામોશી, શાંત કોલાહલ. ગર્ભિત ચુપ્પી. વોઈસીસ ઑફ સાયલન્સ. મૌન વધારે કહી જાય છે, અવાજ કરતાં. અને એ વિદેશી બની રહેલી દીકરીનો અવાજ ફરીથી સંભળાય છે : મંમી, હું સુખી છું! મંમી કહે છે : બેટા, તબિયત સંભાળજે! અવાજને સ્વસ્થ રાખવાની મંમીની કોશિશ, સુખ અને દુઃખની ભેદરેખાઓ ધૂમિલ થઈને ભૂંસાવા લાગે એ ક્ષણ. એ શાયરે ગાયું છે એમ જ... દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ....

ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કવિતા કઈ? મતૈક્ય શક્ય નથી, જરૂરી પણ નથી, મતાંતર સંપૂર્ણ હોઈ શકે, હોવું પણ જોઈએ. પણ મારી દૃષ્ટિએ, જે કાવ્યને હું શ્રેષ્ઠ ગણું છું, એ પેઢી-દર-પેઢી ગવાતું ગયું છે. કોણે લખ્યું છે કોઈને ખબર નથી, લોકગીત લાગે છે અને જનતાની જબાન પર જીવતું રહ્યું છે. કદાચ દરેક દૂર પરણેલી દીકરી પોતાની માતાને કહેવા માંગે છે, પોપટ એક પ્રતીકરૂપે મુકાયો છે : ગાયોના ગોવાળ... ગાયોના ગોવાળ...! મારી માને એટલું કહેજે/પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી/પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય/પોપટ આંબાની ડાળ, પોપટ સરવરની પાળ/પોપટ રમ્યા કરે! આ રૂપક-ગીત દરેક ગુજરાતી પરિવારમાં, જ્યાં દીકરી છે, સતત ભજવાતું રહે છે, અદૃશ્ય રીતે.

બેવતન થવાની વાત માટે એક પ્રસંગગીત હંમેશાં યાદદાસ્તમાં લરઝતું રહે છે. અવધની રિયાસત હતી, પાયતખ્ત લખનૌમાં છેલ્લો નવાબ વાજિદઅલી શાહ રાજ કરતો હતો. લૉર્ડ ડેલહાઉસી હિંદુસ્તાનનો નકશો બદલી રહ્યો હતો. અંગ્રેજોએ અવધને ખાલસા કર્યું, 24મે વર્ષે અવધની ગાદી પર આવેલા નવાબ વાજિદઅલી શાહને 8 વર્ષ પછી 33મે વર્ષે દેશનિકાલ કરવામાં આવ્યો અને કલકત્તાના મટિયાબુર્જમાં એ 31 વર્ષ સુધી બંદી રહ્યો. આ 31 વર્ષો સુધી એ કલકત્તામાં રહ્યો અને પોતાના પ્રિય લખનૌથી વંચિત રહ્યો. લખનૌ છોડતી વખતે એણે ભૈરવીમાં એક ઠુમરી લખી, જે મહાન સાયગલે ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’માં ગાઈ અને દેશભરમાં મશહૂર બનાવી દીધી.

બેવતનીનું આ કાવ્ય દેશની મૌસીકીના દિગ્ગજોએ ગાયું છે. ફૈયાઝ ખાંથી કિશોરી આમોનકર અને બેગમ અખ્તરથી ગિર્જાદેવી સુધીના શીર્ષસ્થ ગાયકોએ આ ઠુમરી ગાઈ છે. સાસરે જઈ રહેલી દીકરીની વાત છે અને વતનને હંમેશને માટે છોડી રહેલા વાજિદઅલી શાહની અસહ્ય વેદના પણ છે. એ અમર સર્જનના આરંભની લીટીઓ : બાબુલ મોરા નૈહર છૂટો જાય/ચાર કહાંર મિલી, ડોલિયા ઉઠાઈન/મોરા અપના બેગાના છૂટા જાય/અંગના તો પરબત ભયો, દેહરી ભઈ બિદેસ/લે, બાબુલ ઘર આપનો, મૈં ચલી પિયા કે દેસ....

ક્લૉઝ અપ :

અબ તૂ જાગ મુસાફિર પ્યારે, રૈન ઘટી લટકે સબ તારે
આવાગવન સરાઈ ડેરે, સાથ તયાર મુસાફિર તેરે

- બુલ્લે શાહ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.