ભાષા પછીની ભાષા

31 Mar, 2017
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: pediaa.com

બૉડી લેંગ્વેજ આપણો શબ્દ નથી, એ પશ્ચિમથી આવેલો શબ્દપ્રયોગ છે. બૉડી લેંગ્વેજ એટલે દેહલીલા, દેહભંગિમા, શરીરની ભાષા. બોલ્યા વિના વ્યક્તિ પોતાની વર્તણૂકથી કહી દે એ બૉડી લેંગ્વેજનો વિષય છે. બાળકો ચૂપચાપ રમતાં હોય છે, પણ બાહરી મહેમાન આવે છે ત્યારે શોરગુલ મચાવી મૂકે છે! માણસ ખામોશ રહીને માત્ર શરીરના હાવભાવથી ઘણું કહી શકે છે. વિદેશોમાં બૉડી લેંગ્વેજ વિશે પુસ્તકો લખાયાં છે, આપણે ત્યાં હજી આ નવો વિષય છે.

ઇંગ્લંડમાં જ્યુડી જેમ્સના પુસ્તક ‘સેક્સ સિગ્નલ્સ’માં બૉડી લેંગ્વેજથી પુરુષને આકર્ષવાના નુસ્ખા બતાવવામાં આવ્યા છે. પેટ અંદર, ગર્દન સીધી, છાતી બહાર! લેખિકા જ્યુડી જેમ્સ પુરુષોને સલાહ આપે છે, વારંવાર વાળ પર હાથ નહીં ફેરવવાનો, કપડાં નહીં ખેંચ્યા કરવાનાં. પુરુષ મોંઘી ઘડિયાળ બતાવ્યા કરશે, મોટરકારની ચાવી ફેરવ્યા કરશે. આ મનુષ્યનું ‘મેટિંગ’ છે!

સ્ત્રીએ શું કરવાનું? બૉડી લેંગ્વેજ એક્સપર્ટ જ્યુડી જેમ્સ લખે છે : તમારી પીઠ જરાક પાછળ કરો કે જેથી સ્તન આગળ દેખાય, અદબવાળીને બેસવાનું નહીં કે ઊભા નહીં રહેવાનું. બહુ ઝવેરાત પહેરવું નહીં. ધીમેથી શ્વાસ લેવો, આંખોથી સ્મિત આપવું, બને ત્યાં સુધી ગળામાં કંઈ પહેરવું નહીં, વચ્ચે વચ્ચે ગળા પર હાથ ફેરવી લેવો. અમેરિકનો એક શબ્દ વાપરે છે : ‘એરોબિક લિસનિંગ’, એટલે કે સાંભળતા હોઈએ એવો વ્યાયામ કરતા રહેવાનું! જો હાથમાં ગ્લાસ હોય તો એ એવી રીતે પકડવો કે એની ઉપરી સપાટી તમારાં સ્તનની લાઈનમાં હોય.

લેખિકા જ્યુડી જેમ્સ માને છે કે શબ્દ કરતાં બૉડી લેંગ્વેજ વધારે સેક્સી હોય છે. લેખિકા સ્ત્રીના ‘ક્રોટ્ચ એરીઆ’ ની વાતો કરે છે, આ એ વિસ્તાર છે જ્યાં પુરુષનું ધ્યાન હંમેશાં કેન્દ્રિત થયેલું હોય છે અને એને સતત ઉત્તેજિત કરતું રહે છે. ગુજરાતીમાં એને ઉરપ્રદેશ કે વક્ષઃસ્થળ કહે છે. દેહભંગિમાની વિશારદ જ્યુડી જેમ્સ સલાહ આપે છે કે પગ બહુ પહોળા કરીને ઊભા રહેવું નહીં.

માણસના ભાવ ચહેરા પરના પરિવર્તન કે હાથના હલનચલનથી ખબર પડી જતા હોય છે. જવાન અને વૃદ્ધની, સ્ત્રી અને પુરુષની, બાળક અને વયસ્કની બૉડી લેંગ્વેજ જુદી જુદી હોય છે. આંખો બંધ થાય છે, હોઠ શાંત છે, અભિનિવેશ છોડીને મનુષ્ય આત્માને ઈશ્વરની સામે નગ્ન કરી નાંખે છે. એ પ્રાર્થના છે. બૉડી લેંગ્વેજ કઠોર વિજ્ઞાન છે. ચહેરા પરના ભાવ રોકવા એ હથેળીમાં પારો નચાવવા કરતાં કઠિન છે. આંસુમાં ભીંજાયેલી ક્ષણને સમજવી કઠિન છે. વિસ્મૃતિનું અંધારું વયસ્ક આંખોમાં દેખાય અને વાદળના લંબાતા પડછાયાની જેમ એ ચહેરા પર ઊતરતું દેખાય, એ ટોર્ચર સહન કરવું કઠિન છે. બૉડી લેંગ્વેજની ગમે તેટલી સમજદારી હોય, માણસ માણસને ક્યારેય ઓળખી શકતો હોય છે? માણસની પ્રકૃતિના મોલેક્યુલ્સ કે પરમાણુઓ સતત અસ્થિર, સતત ગતિશીલ હોય છે, દીપની હાલતી જ્યોતની જેમ, કે મંદિરની ફરકતી ધજાની જેમ કે સ્ત્રીના થરકતા સ્તનની જેમ માણસની આંખો ખુલ્લી હોય, કેન્દ્રિત થયા વિના જોતી જ ન હોય, જ્યારે આંખ પોતાનો ધર્મ નિભાવતી ન હોય, ત્યારે?

સમજની પારની નાસમજી, પ્રકટ જ્ઞાનની પાછળનું ગૂઢ અજ્ઞાન, બે શ્વાસોની બે જુદી સેક્સો, દેહલીલા ગૌણ બની જાય છે. શરીરની અંદર સંતાડેલું કંકાલ, ચહેરાની પાછળ છુપાવેલી ખોપરી અને ચહેરા પર ઊભરી આવેલી દબાવી રાખેલી યંત્રણાથી રેખાઓ, દેહલીલા સમાપ્ત થઈ જાય છે. શિશુથી સ્વપ્નદ્રષ્ટાથી શહીદથી સંત સુધીની સફર... ધીરે ધીરે સજાવાતું અર્ધસત્ય બનતું જાય છે. પછી એના પર અસત્યનો ગિલીટ ચડતો રહ્યો છે.

ચહેરાની ઘનતા બાહ્ય છે. પણ ચહેરાની પાછળ એક પ્રવાહિતા હોય છે. પુરુષનો ખાલી ગ્લાસ જેવો ચહેરો અને સ્ત્રીનો છલકાતી પ્યાલી જેવો ચહેરો, ઓગળી રહેલી ચોકલેટ જેવું ઢીલું ઢીલું પુરુષશરીર અને ચુસ્ત મુલાયમિયતમાં ધબકતું સ્ત્રી શરીર. દરેક શરીરની એક ભાષા હોય છે, એક જુદી જુદી બૉડી લેંગ્વેજ હોય છે. તબલાંનાં ખેંચાયેલાં ચામડાં પર થપથપાવતી આંગળીઓ અંદર સંતાડેલા પડઘાઓને બહાર ખેંચી લાવે છે, દેહની ભંગિમાઓ માણસની પ્રકૃતિને, સ્વભાવને, ફિતરતને, તબિયતને એમ જ ખોલી નાંખે છે. મૌન બિડાયેલા હોઠ, બંધ આંખો ઘણું બધું કહી દે છે. માત્ર બારાખડીના અક્ષરો ગોઠવીને બનાવેલા શબ્દો વાપરીને પ્રકટાવેલી કુંઠિત ભાષાને જબરદસ્ત મર્યાદાઓ છે, શરીરની નિઃશબ્દ ભાષાનું ક્ષેત્ર અમર્યાદ છે.

આપણાં પ્રાચીન નાટકોમાં બૉડી લેંગ્વેજ જેવા શબ્દો નથી પણ એ વિશેના ઇંગિત છે, સંકેત છે, શબ્દરચનાઓ છે. સ્ત્રી માટે એક વિશેષણ છે, ‘ચપલા’, અને એ બૉડી લેંગ્વેજ છે. ‘નેત્ર સંકોચન’ એટલે પિયુને આવતો જોઈને થતો દૈહિક ભાવ. ‘લીલા’ એ આપણી બૉડી લેંગ્વેજ છે. હાવભાવ જેવો શબ્દ પણ આ જ ક્ષેત્રનો છે. નૃત્ય દ્વારા પ્રસ્તુત થતા ભાવને વાચિકભાષાની જરૂર પડે છે?

માણસને નાની-નાની અદાઓ ક્યારેક પૂરા વ્યક્તિત્વનો પર્દાફાશ કરી નાંખે છે અને આ વિશે આપણે ઉદાસીન છીએ, અથવા આપણને તાલીમ આપવામાં આવી નથી! ઝીણી આંખો સૂચવે છે કે તમે અન્યની વાત વિશે શંકાસ્પદ છો. જમ્યા પછી હાથ ધોતા હો એમ છાતીની સામે બે હાથ સતત મસળ્યા કરતા હો તો એ બતાવે છે તમે નિર્ણાયક નથી અને સતત દ્વિધામાં છો. લાલકૃષ્ણ અડવાણી સખત નેતા ગણાય છે, પણ હાથ ઘસતા રહેવાની આ એમની બૉડી લેંગ્વેજ છે! એ અસહાય વૃદ્ધાવસ્થાની પણ નિશાની છે. મોઢું ખુલ્લું રાખીને આંગળીઓ અંદર રાખવાથી એવું ફલિત થાય છે કે વ્યક્તિને સમજ પડતી નથી. નખ કરડવા એ ટેન્શનનું ઇંગિત છે. દાંતથી હોઠ કરડવા એ પણ નખ કરડવાની પ્રક્રિયાની બહેન છે. છાતીની સામે અદબ વાળીને ઝીણી આંખે જોયા કરવું એ દર્શાવે છે કે તમને મારી વાતમાં વિશ્વાસ નથી! આંગળીઓથી ગળું પકડવું બંધ કરી દેવું જોઈએ. શરીર પાછળ ફેંકીને ઢગલો થઈ ગયેલાઓ માટે એક સૂત્ર છે : રિલેક્સ, બટ નોટ કોલેપ્સ! આ વાક્ય વિજેતાઓના અહમને કાબૂમાં રાખવા વપરાય છે. મોઢાને આંગળીઓથી ઢાંકીને બોલનારા અનિશ્ચયી હોય છે. કેટલાક નિઃશબ્દ ચહેરાઓની ઝુર્રીઓ અને શિકનો પર જિંદગીભરના દર્દની નકશી કોતરેલી હોય છે. કેટલાક ચહેરાઓ પર છેલ્લા પ્રકરણનાં પહેલાં પાનાં વાંચી શકાય છે.

બૉડી લેંગ્વેજ શબ્દો માટે એવો કોઈ ગુજરાતી શબ્દપ્રયોગ હજી લોકપ્રિય થયો નથી. દરેક પુરુષની એક દેહભંગિમા હોય છે, અને દરેક સ્ત્રીની પણ દેહભંગિમા હોય છે. ભંગિમા અથવા ભંગિમાઓ!

ક્લૉઝ અપ :

‘મુસ્લિમોએ સમજવું પડશે કે એમણે પૂરો દૃષ્ટિકોણ બદલવો પડશે. અત્યારે એ લોકો એક ઘૃણાસ્પદ લઘુમતી બની ગયા છે. બહુમતીના એક બહુ મોટા વર્ગને એમને માટે નફરત થઈ ગઈ છે અને એમને માટે સહાનુભૂતિ બહુ જ ઓછી થઈ ગઈ છે. હિંદુ કોમી રાજનીતિજ્ઞોના વર્તાવમાં જ નહીં પણ માધ્યમોમાં પણ આનું પ્રતિબિબં પડી રહ્યું છે... હું ફિલ કરું છું કે હિંદુસ્તાનના મુસ્લિમો પાસે હિંદુઓ સાથે ભાઈચારો કરવા સિવાય અન્ય વિકલ્પ નથી. ફાલતુ પ્રશ્નો પર આંદોલનો કરવાનું બંધ કરીને એમણે કોમના આજના બે મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - શિક્ષણમાં પછાતપણું અને આર્થિક અવગતિ.’

- પત્રકાર ફિરોઝ બખ્ત અહમદ, ‘હિન્દુ દૈનિક’, જુલાઈ 22, 2003

‘કેટલા મુસ્લિમોને નૉબેલ પારિતોષિકો મળ્યાં છે? કેટલા મુસ્લિમ દેશોમાં લોકશાહી, સ્વતંત્ર સમાચારપત્રો, તટસ્થ ન્યાયાલયો, સ્ત્રીના અધિકાર, પ્રોફેશનલો અને કામગારોનાં યુનિયનો છે? આઝાદી પછી અડધી શતાબ્દીથી વધારે સમય પસાર થઈ ગયો છે પણ હિંદુસ્તાની મુસ્લિમો એક રાષ્ટ્રીય સમાચારપત્ર, એક ટી.વી. ચેનલ, એકમોટી સદ્ધર બેન્ક, એક પ્રમુખ યુનિવર્સિટી પોતાની કોમ માટે પણ કરી શક્યા નથી. લગ્ન સમયે સરેરાશ મુસ્લિમ છોકરીની ઉંમર 15 વર્ષની હોય છે... ભવિષ્યનો મુસ્લિમ અભણ અને મુડદાલ માતાનું સંતાન હશે. આ સૂચકો છે કે હિંદુસ્તાનમાં એક નવ-દલિત વર્ગ ઊભરી રહ્યો છે... ગરીબોને માટે ધર્મની પવિત્રતા વિશેના ઉપદેશો અને સ્વર્ગના સુખનાં વચનો જ રહ્યાં છે.’

- લેખક : એમ.હસન જૌહર, ‘ટાઈમ્સ’ 25, 2003

‘મુસ્લિમ પર્સનલ લૉના કારણે મુસ્લિમ સમાજની ઓછામાં ઓછી અડધોઅડધ પ્રજાને અન્યાય થઈ રહ્યો છે. ટ્રિપલ તલાક, ભરણપોષણનો અધિકાર નહીં, મિલકતના વારસામાં દ્વિતીય દરજ્જોની જેમ મુસ્લિમ પર્સનલ લૉની કેટલીક જોગવાઈઓ મુસ્લિમ બહેનોને અન્યાય કરનારી છે. હું હિંમતપૂર્વક કહેવા માગું છું કે આ જોગવાઈઓ ઈસ્લામિક નથી.

- પત્રકાર : તારિક અન્સારી, ‘મિડ-ડે’ જુલાઈ 25, 2003

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.