તમામ શુદ : સાગર મિલે કૌન સે જલ મેં...?

30 Sep, 2016
12:00 AM

ચંદ્રકાંત બક્ષી

PC: deviantart.net

71મે વર્ષે માણસને મોતની ક્ષિતિજ પાસે દેખાય છે અને બાળપણની ક્ષિતિજ બહુ દૂર ચાલી ગઈ છે. ભૂતકાળનું વજન છે અને હવે ભવિષ્ય નથી. વ્હિસ્કીના 'બૉટમ્સ અપ'નો પણ હવે કોઈ મતલબ રહ્યો નથી. દર વર્ષે એક-બે પ્રિય પાત્રો, દોસ્તો, સ્વજનો ચિતા પર સૂઈ જાય છે. એમનાં ઘરોમાં એમના ફોટાઓ પર સુખડના હાર જોઈને ગ્લાનિભાવ થાય છે. જે દોસ્તો મરી ગયા છે, એમના બેટાઓને પણ હાર્ટઅટેક આવી રહ્યા છે. બહુ જિવાઈ ગયું છે? પ્રોસ્ટેટ, કેન્સર કે કિડની ફેઈલ્યોર કે હાર્ટ-અટેકનો છદ્મ આનંદ કેમ છે? કારવાં કૂચ કરે છે. કેટલાક તૂટી રહ્યા છે. માર્ગમાં ગબડી ગયા છે. અને આપણે... જાદા-પૈમાં હૈ, કારવાં હમારા... ના હિસ્સા રૂપે આગળ વધવાનું છે. મોત હવે કેમ ડરાવતું નથી? 71મે વર્ષે તૈયારી હોય જ છે, ચિતા પર સૂઈ જવાની ! હોતા હૈ જાદા-પૈમા, અબ કારવાં હમારા... ઇકબાલે ગાયું હતું.

નાનો હતો ત્યારે બા મીઠાઈ બનાવતી હતી. બાપાજી જયપુરના વેપારીઓ સાથે શતરંજ રમતા હતા. ચાંદીના ગ્લાસોમાં ઠંડાઈ પિવાતી હતી. ઠંડાઈ માટે વરિયાળી, ગુલાબની પત્તીઓ, ખસખસ અને અન્ય સામગ્રી લેવા જતો હતો. બાલટીમાં ઠંડાઈ આવતી અને ચાંદીના ગ્લાસોમાં પિવાતી. ચિન્સુરા જતા ગાડીમાં, અને ત્યાં ગાયિકાઓ ગાતી અને દાદાજીના મંદિરની પાસેના નૃત્યગૃહમાં કાચની ફર્શ પર નર્તકીઓ નાચતી, જેમનું પ્રતિબિંબ સિલિંગ પર પડતું. ગાયકો હારમોનિયમ પર બિહાગ રાગ ગાતા. સવારે ભૈરવી ગવાતી. પણ હું નાનો હતો, રાત્રે સૂઈ જતો હતો. ભૈરવી સાંભળવા ઊઠ્યો નથી !

1945 અને 2003. હિન્દુસ્તાન બદલાઈ ગયું છે. ફૈયાઝ ખાનું 'બાજુબંધ ખૂલ ખૂલ જાય' હતું. આજે 'કે સેરા સેરા' પણ જુનવાણી લાગે છે. આજે દુનિયા બદલાઈ ગઈ છે. પુરુષોમાં સિગારેટ પીવાનું ઓછું થઈ ગયું છે. સ્ત્રીઓમાં શરાબ પીવાનું ચલણ વધ્યું છે. હવે પાકિસ્તાની સૂફી ગાયિકાઓની રબની રબૂબિયતની વાતો સાંભળવાની મજા આવે છે. એક લુત્ફ આવે છે. ઈશ્વરને સમજવા માટે ઉંમરની કૈદની જરૂર નથી. મોતને ઉંમર સાથે કોઈ સંબંધ નથી, પણ આ ગણતરી, જિંદગીનાં વર્ષો ગણતા રહેવાની, આ ગણિત-ગમ્મત એક કેદ છે. હતાશાપ્રેરક છે. ઘડિયાળના કાંટાઓ ઈશ્વરે બનાવ્યા નથી. સમવયસ્કોનાં મૃત્યુઓ, હમઉમ્રની જીવલેણ બીમારીઓ મારી જિંદગીને એક ફોક્સમાં મૂકી દે છે. હવે ભરપૂર જીવી લેવામાં વિલંબ કરવાનો નથી. વૃદ્ધાવસ્થાનો શોક ફક્ત એક સ્પીડબ્રેકર બની ગયો છે. ભવિષ્ય અને વર્તમાન હવે લગભગ એક જ બની રહ્યા છે. એક દિવસ શાશ્વતની શોધ પૂરી થશે : બહરહાલ... આજ રાત ઝૂમ લે, આસ્માં કો ચૂમ લે/કિસકો પતા હૈ કલ આયે કિ ન આયે...

શરીરની તૂટન, મનની ઘૂટન, વર્ષો સુધી ધબકી રહેલું આ હૃદય, વર્ષો સુધી શ્વાસ લેતાં અને ઉચ્છ્વાસ ફેંકતાં આ ફેફસાં, હવે બધું સ્વીકારી લેવાનું છે, ક્લાન્તિ અને રિક્તતા, એક જિંદગી આંખો ફોડી હતી, આંગળીઓ સુજાવી હતી, કમર તોડી હતી. મૌલિક સર્જન કર્યું હતું, પહેલાં જે ન હતું એ સર્જન, ખરાબ અક્ષરો જેવું, જે માત્ર મારું અને મારું જ હતું. એ અક્ષરો, એ શબ્દો, એ વાક્યો જે 100 વર્ષો જીવવાનાં છે, આવતી કાલની ટીન-એજર આંખોમાં સ્વપ્નોની રંગીની ભરી આપશે. આંદ્રે માલરોએ કહ્યું હતું કે, જો હું પાંચ લાખ છોકરાં-છોકરીઓની આંખોમાં સ્વપ્નોનો રંગ પૂરી શકું છું તો પછી મને સંતોષ છે. આઈ હેવ લિવ્ડ માય લાઈફ ! વેલકમ ડેથ !

વેલકમ ડેથ ! ખુશ આમદીદ જેવા સ્વાગતશબ્દો મૃત્યુ માટે વાપરવાની શક્તિ પ્રાપ્ત કરવી પડે છે. જેણે સર્જન કર્યું છે અને માત્ર ઉત્પાદન કર્યું નથી, જેમ કલાકાર છે અને માત્ર કારીગર નથી, જેણે સ્વપ્ન જોયું છે અને માત્ર સુષુપ્તિમાં ખોવાયો નથી, જેણે શરીરને એક અદાલત નહીં પણ મંદિર ગણીને જીવી લીધું છે એને માટે મૃત્યુ નિર્વાણ બની જાય છે.

જીવનભર જિજ્ઞાસક રહ્યો છું માટે જિંદગી ખુશનુમા બની છે. મારી જિંદગી મારી આત્મકથા હોય છે, અથવા અન્યની ઉપકથા હોય છે. મેં એને ઉપકથા બનવા દીધી નથી. મારી ભૂલો પર મને નાઝ છે અને... તૂ ફિર આ ગઈ ગર્દિશે - આસ્માની / બડી મહર્બાની, બડી મહર્બાની ! ગર્દિશની મહર્બાનીઓ પર હું જીવતો રહ્યો છું. નિર્ભાર થવાની લાચારી હતી, ધન્યતા અનુભવવાની ખુદ્દારી હતી. ગિલ્ટ કે દોષભાવ મારા શબ્દકોશના શબ્દો નથી. મોતનો અહસાસ બધી જ ગ્રંથિઓને ભૂંસી નાંખે છે. ઓછા લાકડે બળવામાં હું માનતો નથી. જિંદગીભર બદનામ થયો છું. પણ છેલ્લી ક્ષિતિજ દેખાઈ રહી છે ત્યારે નેકનામ બની ગયો છું. ઈટાલિયન સંગીતની જે ક્રિસેન્ડોની સાથે સાથે ડિ-ક્રિસેન્ડો પણ અનુભવી લીધો છે. ચલ યાર, ઝરા દેખ લેં, બરસાત કા તમાશા... ગાતા રહેવાનું મન વારંવાર કેમ થયા કરે છે?

બશરમાંથી ઈન્સાન થવાની પ્રક્રિયામાં એક આખું અસ્તિત્વ ગુજરી જાય છે. મોહ અને માયા અનેકાર્થી શબ્દો છે. તમારી બદલાતી ઉંમરની સાથે આ શબ્દોના અર્થો બદલાતા જાય છે. સારું અને ખરાબની પણ કોઈ ચિરંતન વ્યાખ્યા રહેતી નથી. ફરીદા ખાનમની એક નઝમની એક ઝિલમિલ : પાપની ક્ષણો જિંદગીમાં રોજ રોજ આવતી નથી ! એ પાપની ક્ષણોને સહારે માણસ નિરાશાનો પૂરો સમુદ્ર તરી જાય છે. રાત્રે સૂતાં પહેલાં આંખો બંધ કરીને યાદ કરવાની ક્ષણો, વ્હિસ્કીના અઢી પેગ પી લીધા પછીની ક્ષણો, યાદદાસ્તના ટોર્ચરની ભીનીભીની ક્ષણો... બકૌલ ફિરાક ગોરખપૂરી : શામ ભી થી કુછ ધુઆં-ધુઆં/દિલ ભી થા ઉદાસ-ઉદાસ/ઐસે મેં કુછ કહાનિયાં /  યાદસી આ કર રહ ગઈ...! આ લાઈનો મેં 1958માં મારી નવલકથા 'રોમા'માં લખી હતી. આજે 2003માં પણ સાંદર્ભિક છે. સંબદ્ધ છે, પ્રાસંગિક છે, પ્રસ્તુત છે. પાપ? જબરદસ્ત મધુર શબ્દ... પાપ ! જિંદગીને જાહોજલાલ કરી નાંખતો ઝળહળતો શબ્દ... પાપ ! ઘેરાતા પડછાયાઓમાં ચકાચૌંધ રોશની ફેંકતો શબ્દ... પાપ ! કારણ કે પાપ શબ્દમાં એક મુક્તિબોધ છે !

સિકંદરો અને આલમગીરો અંતે એ મિટ્ટીને હવાલે થાય છે. ચક્રવર્તી શ્રી સિંહ વિક્રમો ચિતાની ભડભડતી આગમાં ખાક થઈ ગયા છે. મિટ્ટી અને ખાસ એ જીવનનાં અંતિમ સત્યો છે. માણસનો અને મિટ્ટીનો એક સિલસિલેદાર રિસ્તો રહ્યો છે. તેરે સાહિલ કી ખામોશી મેં હૈ અન્દાઝે બયાં... પૂર્ણવિરામ પછીની ખામોશી કોઈએ સાંભળી નથી. એ ખામોશીનો કોલાહલ કહેવા માટે કોઈ પાછું ફર્યું નથી. જીવનભરની શ્રમસિદ્ધિઓનો ઉપહાસ છે એ ઉપસંહાર, આ બધું જ મૂકીને જવાનું છે અનજાન અંધકારમાં, અનાદિ અને અનંત જેવા હવાઈ શબ્દોથી રમતાં રમતાં, અને અર્થ ચુસાઈ ગયેલા બધાં જ વિશેષણોને પાછળ મૂકીને...! તાલ મિલે નદી કે જલમેં, નદી મિલે સાગરમેં/સાગર મિલે કૌનસે જલમેં.... પછી પ્રશ્ન અને ઉત્તર એક જ બની જાય છે. તમામ શુદ.

ક્લોઝ અપ

વિવક્ષિતં હિ અનુક્તં અનુતાપં જનયતિ

- કવિકુલગુરુ કાલિદાસ

(અર્થ : જે કહેવાનું હોય એ ન કહીએ તો પસ્તાવો થાય છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.