ઇતિહાસ : ભૂતકાળને કોઈ ભવિષ્ય છે?
ઇતિહાસ આપણી પ્રાચીનતમ વિદ્યા છે, એનું એક કારણ એ છે કે ઇતિહાસને મૃત્યુ નથી. મનુષ્યની ઉત્ક્રાંતિમાં ઇતિહાસની જેમ જ અમર્ત્ય અન્ય એક વિદ્યા છે : સેક્સ, એરિસ્ટોટલે એની ‘પોએટિક્સ’ના નવમા પ્રકરણમાં લખ્યું છે કે લેખિત શબ્દનું બે રીતે જ વિભાજન થઈ શકે છે : કવિતા અને ઇતિહાસ. કવિતા પ્રકૃતિનું અનુકરણ છે, ઇતિહાસ જિવાયેલા મનુષ્યજીવનનું અનુસરણ છે. ગ્રીક ધાતુ ‘હિસ્ટોર’નો શબ્દાર્થ છે : જાણવું. મનુષ્યની અનગિનત પેઢીઓ ઇતિહાસ ભણી છે અને એનો ફલક હવે અસાધ્ય રીતે વિકસી ચૂક્યો છે : વૃત્તાંતથી મૌખિક ઇતિહાસ સુધી, મનુષ્યના મનની ભૂગોળથી ટેપરેકૉર્ડરથી મશીની ઈમાનદારી સુધી ઇતિહાસના અધ્યયનની ઉભાર-ઉતાર રેખાઓ બદલાતી જાય છે.
ઇતિહાસની સાથેસાથે ઇતિહાસની વ્યાખ્યાઓ પણ બદલાતી જાય છે. ઇતિહાસના ગણિતીકરણનો વિરોધ થઈ રહ્યો છે. ઝાક બારઝૂન માને છે કે ઇતિહાસનાં સૂત્રો કરતાં સાહિત્યનાં સૂત્રો વધારે વિશ્વસનીય છે. બર્ટ્રાન્ડ રસેલે ગણિતને ‘લોજિકલ નોનસેન્સ’ની વ્યાખ્યા આપી હતી. આપણે એ વ્યાખ્યાને ઉલટાવીને ઇતિહાસ માટે ‘ઇલ્લોજિકલ સેન્સ’ કહી શકીએ? બર્નાર્ડ શોએ કહ્યું હતું કે, ભૂગોળ વિના કોઈ ઇતિહાસ સંભવ નથી. ટ્રેવેલીને એ ઇતિહાસની વાત કરી હતી, જેમાંથી રાજકારણ બાદ થઈ જવું જોઈએ. વોલ્તેર કહેતો હતો કે ઇતિહાસ તો મૃતકોની સાથેની આપણી રમતમાં આપણી બુદ્ધિચાલાકી છે. હેન્રી ફોર્ડ ઇતિહાસ માટે બન્ક (બકવાસ) શબ્દ વાપરી ચૂક્યા હતા. પ્રશ્ન, બધા જ ગૂંચવી નાખતા ઉત્તરોમાંથી ધુમાડાની જેમ ઊઠતો રહે છે : ‘ભૂતકાળને કોઈ ભવિષ્ય છે?’
નવા ગણિતની જેમ કોઈ નવો ઇતિહાસ હોઈ શકે છે? ઇતિહાસની દેવીનું નામ છે : ક્લીઓ ! એ ક્લીઓને ફૅશનેબલ બનાવી શકાય છે? ન્યાયની દેવીની જેમ એની આંખો પર પટ્ટી બાંધી શકાય છે? ઇતિહાસ રાજાની કથાથી વધીને પ્રજાની ગાથા છે. વંશો અને વિજયોવાળો ઇતિહાસ ટેલિફોન ડિરેક્ટરી જેવો લાગે છે. પ્રજાની રચના, પ્રજાનું પ્રજાત્વ, સમાજનું ઊભરવું, સામાજિક-આર્થિક સમીકરણોનું બદલાવું, ઘટકોનાં ઉત્થાન-પતન... આ બધું ઇતિહાસે પ્રસ્તુત કરવું પડે છે.
અને ઇતિહાસની પોતાની ગમ્મતી વિરોધતાઓ પણ છે. વિશ્વના કેટલાક સર્વકાલીન મહાન ઇતિહાસકારો વિશ્વવિદ્યાલયના પ્રોફેસરો ન હતા : ગિબન, વોલ્તેર, મેકોલે, ગુટ, કાર્લાઈલ, ચર્ચિલ... આપણા જવાહરલાલ નેહરુ ! રશિયાનાં બાળકો માટે નવલકથાકાર ટોલ્સ્ટૉય ઇતિહાસકારની ભૂમિકા અદા કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર મનુષ્ય ‘હોમો ઈરેક્ટસ’ (સીધી કરોડરજ્જુ બન્યા પછીનો)માંથી ‘હોમો સેપીઅન’ (બે પગ પર ઊભો રહેલો, સીધો દિમાગી મનુષ્ય) બન્યો ત્યારથી આજ સુધી મનુષ્યની 40 હજાર પેઢીઓ પસાર થઈ ગઈ છે, પણ સંબદ્ધ, સૂત્રાધારિત ઇતિહાસ ફક્ત 5500 વર્ષોનો જ મળે છે. અનુમાન કરનારાઓ માને છે કે આપણે ઇતિહાસની દ્રષ્ટિએ માત્ર 185 પેઢીઓ જ પ્રાચીન છીએ, મનુષ્યનું આ પૃથ્વી પર કરોડો વર્ષોનું, જલકાય જીવાણુથી માંડીને આજના બે દિમાગી માણસ સુધીનું અસ્તિત્વ, ઇતિહાસ હજી સુધી બરાબર પકડી શક્યો નથી. ઇતિહાસ શું છે? ઇતિહાસ શી રીતે ફરે છે, એ વિશે પણ મહાન ઇતિહાસકારોમાં મતાંતરોના પ્રતિપ્રવાહો વહી રહ્યા છે. ઇતિહાસના મહાન ચિંતકોએ ઇતિહાસના માપદંડોથી મનુષ્યના કાલખંડોને સમજવાના પ્રયોગો અને પ્રયત્ન કર્યા છે.
હેગલે એવું પ્રતિપાદન કરવાનો યત્ન કર્યો કે મનુષ્ય ઇતિહાસ અથવા સમાજ વક્રગતિમાં ત્રિકોણાકાર પ્રગતિ કરે છે. એક સિદ્ધાંત (થિસીસ) આવે છે, જેમાં એનો વિરોધી પ્રતિસિદ્ધાંત નિહિત જ હોય છે. દરેક સિદ્ધાંત કે થિસીસ કાલક્રમે એમાં પ્રતિસિદ્ધાંત કે એન્ટીથિસીસ પ્રકટાવે છે અને કાલાંતરે આ થિસીસ અને એન્ટીથિસીસ એકબીજામાં મળી જાય છે. પોતપોતાનું સ્વત્વ ખોઈને એક સિન્થેસીસ અથવા પરસિદ્ધાંત બની જાય છે અને આ ત્રિકોણાકાર પ્રગતિ ચાલુ રહે છે. આ સિન્થેસીસ અથવા પરસિદ્ધાંત ફરીથી નવા યુગમાં એક થિસીસ કે સિદ્ધાંત બને છે અને ઇતિહાસ બગડતો રહે છે. હેગલની વિચારધારા પ્રકૃતિમાં જોવા મળે છે. એક પાંદડું ફૂટે છે પછી બીજું એનાથી વિરોધી દિશામાં ફૂટે છે અને આ ક્રમમાંથી ડાળી બને છે અને પૂરા વૃક્ષની સર્જનપ્રક્રિયા આ સિદ્ધાંત પર આધારિત છે.
બેરેટો કહેતો હતો કે ઇતિહાસ એક પેન્ડ્યુલમ કે લોલક એક અંતિમ બુંદીથી એ બીજા અંતિમ બિંદુ સુધી ફરી જાય છે. બંને ગતિઓ આત્યંતિક છે. લોલક વચ્ચે અટકતું નથી. સ્પેંગ્લર ઇતિહાસને પ્રકૃતિ રૂપે જુએ છે. ઋતુઓ આવે જ છે. ઋતુઓ બદલાય જ છે અને એ ફેફારો બિલકુલ અચાનક નથી, પણ આયોજિત છે. કોઈક પરાતત્ત્વ મનુષ્યવિકારના ઇતિહાસનું સંચાલન-સંકલન કરી રહ્યું છે? માર્ક્સ પાસે ઇતિહાસને સમજવાનો એક સામાજિક પરિપ્રેક્ષ્ય હતો. એણે કહ્યું કે જે વર્ગના હાથમાં ઉત્પાદનનાં સૂત્રસંધાનો હશે એ જ માલિક બનશે. જે આર્થિક અંકુશ મેળવશે એ જ રાજકીય અંકુશ પ્રાપ્ત કરશે. માઓ ત્સં તુંગ નેતાને સમુદ્ર મોજું અને જનતાને સમુદ્ર ગણે છે, જ્યારે સમુદ્રમાં કોલાહલ અને ઊહાપોહ અને મંથન થાય છે ત્યારે સમુદ્ર જ મોજું ફેંકે છે. પૂરા સમુદ્ર પર ઊંચાઈએ દોડતું મોજું પોતાને સર્વસ્વ સમજે છે અને કિનારાની રેતીમાં ફેંકાઈને ચૂરચૂર થઈ જાય છે, એની પાશવી શક્તિના અંશરૂપ પરપોટા પણ રેતી ચૂસી લે છે. સમુદ્ર જનતા છે, એ બીજું મોજું ફેંકે છે, ફેંકી શકે છે. માઓએ નેતાને ચીની દંતકથાના ડ્રેગનની ઉપમા આપી છે. ડ્રેગન એક કાલ્પનિક ત્રીસ-ચાલીસ ફૂટ લાંબું સર્પ જેવું રેંગતું, સરકતું રાક્ષસી પ્રાણી છે, જેની આંખો લાલલાલ છે અને જેનાં નસકોરાંમાંથી આગ ફેંકાતી રહે છે. માઓ કહે છે કે ‘આ મોઢું નેતા છે અને શરીર જનતા છે.’ પૂરું શરીર સંકોચાય છે, ફૂલે છે, ફેંકે છે, પ્રયત્ન કરે છે, ત્યારે ડ્રેગનનું મોઢું આગળ વધે છે.
આ ઇતિહાસ છે. વ્યક્તિ સમયમાં હોય છે, ઘટના સ્થળ પર બને છે. વ્યક્તિ અને ઘટના અથવા સમય અને સ્થળનું છેદનબિંદુ એ ઇતિહાસ છે? ઇતિહાસમાં અર્થઘટન હોય છે અને દરેક અર્થઘટન એક પરિપ્રેક્ષ્ય કે દ્રષ્ટિકોણ પર નિર્ભર હોય છે. તટસ્થ કે ઑબ્જેક્ટિવ નામનો કોઈ ઇતિહાસ સંભવી શકે ખરો? એક માણસની આંગળીઓએ સર્જેલો ઇતિહાસ અને બીજા માણસની આંગળીઓએ લખેલો ઇતિહાસ, એ બંને એક કેમ હોઈ શકે? ઈતિહ આસ... એટલે આવું બની ગયું ! પણ કેવું બની ગયું એ કોણ કહેશે? અને કોણ સમજશે?
એડોલ્ફ હિટલરનું ‘માઈન કામ્ફ’ (મારું કાર્ય) એની આત્મકથા છે. એ આત્મકથામાં હિટલરે લખ્યું છે કે એનો હીરો એની સ્કૂલના વર્ગમાં એને ઇતિહાસ શીખવતો એનો એક નાનકડો ઇતિહાસ શિક્ષક હતો. વર્ગમાં ઊભેલા આ નાના માણસે હિટલરને શીખવ્યું કે યહૂદીઓ રાક્ષસો છે, આર્યો ઉચ્ચતર પ્રજા છે, જર્મની મહાન થવા માટે જ જન્મ્યું છે. એણે હિટલરને શીખવ્યું, પ્રેરિત કર્યો, ઉત્તેજિત કર્યો, બ્રેઈનવોશ કરી દીધો. આ નાનો ઇતિહાસ શિક્ષક હિટલરના જીવનમાં સૌથી મોટી અસર સાબિત થયો અને હિટલર વીસમી સદીના સૌથી નૃશંસ શાસક તરીકે, યહૂદીઓના કાતિલ તરીકે વિશ્વ ઇતિહાસમાં સ્થાન પામ્યો છે.
કદાચ આપણો ઇતિહાસ ગંગાની સાથે અને હિમાલયની સાથે જન્મ્યો છે. આપણે નદીઓની સંસ્કૃતિઓની અને મોન્સૂનના વરસાદની અને ગ્રીષ્મની ચિલમિલાતી ધૂપની પેદાશ છીએ. આપણી ધૂળ અને આપણી રોટી અને આપણી સ્ત્રીનો એક જ રંગ છે. ધૂળનો રંગ, અસ્તિત્વનો રંગ, ઇતિહાસ ઉપરથી સ્ક્રૂ-ડ્રાઈવર લઈને સ્ક્રૂ-ડ્રાઈવર ટેક્નોલૉજીથી ફિટકરીને પછી ‘ઑબ્જેક્ટિવ’ કે નિષ્પક્ષનું લેબલ ચોંટાડી દેવાથી બનતો નથી. ઇતિહાસ માણસની વાર્તા છે અને માણસની વાર્તા અનાદિ છે. ક્યારેક મને વિચાર થાય છે કે હિંદુસ્તાનના ઇતિહાસમાં અનાદિ અને અનંતની જેમ અમધ્ય પણ છે?
(ગુજરાત ટાઈમ્સ : માર્ચ 7, 2002)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર