ધર્મ : બોલવા અને લખવા વચ્ચે પ્રકટતી આસ્થા
સામાન્ય માણસ માટે બે સૂત્રો સૌથી મોટાં છે, એક, શાસ્ત્રોમાં લખ્યું છે અને બીજું, સાધુમહાત્માએ કહ્યું છે. ચીનના કોન્ફ્યૂશિયસથી ગ્રીસના સોક્રેટિસ સુધી જ્યારે પ્રમાણો આપવામાં આવે છે ત્યારે ભાવિકજનોનો ધર્મ છે કોઈ પણ પ્રકારના સંશય વિના એ વિધાન સ્વીકારી લેવાનો.
હિંદુ ધર્મ એક પુસ્તકનો ધર્મ નથી, પણ એક જ પુસ્તકના ધર્મો, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ કે શીખ ધર્મમાં પુસ્તક એ અંતિમ અધિકૃત અને પ્રમાણિત વાણી છે. પુસ્તકના શબ્દની સામે અનાસ્થા હોય તેને ત્રણસો-ચારસો વર્ષ પહેલાં યુરોપમાં મૃત્યુદંડ અપાતો હતો અથવા એને જીવતો જલાવી દેવામાં આવતો હતો. આજે પણ ઈસ્લામમાં ગ્રંથમાં લિખિત વાતમાં અનાસ્થા રાખનારને માટે કોઈ સ્થાન નથી. ધર્મસ્થાપકોની વાણી એ ‘ફાઈનલ વર્ડ’ છે.
અને ત્યારે ઈતિહાસકારો જન્મે છે અને સંશોધન થાય છે અને પ્રશ્નો પૂછવામાં આવે છે, કારણ કે પ્રશ્ન એ જ્ઞાનપ્રાપ્તિ માટેનો પ્રથમ ચકમક સ્પર્શ છે. જે ધર્મ લેખિત સ્વરૂપે આપણી પાસે આવ્યો છે. એ કેટલો ‘સાચો’ છે? જિઝસ ક્રાઈસ્ટની સલીબ પર શહાદત થઈ એ પછી વર્ષો સુધી કંઈ જ લખાયું નહોતું.
જિઝસ સાથે વાતો કરનારા કોઈએ કંઈ લખ્યું નથી, પણ એમના દેહાંત પછી 50 વર્ષ પછી એક સ્મરણ પ્રકટ થાય છે, જેમાં બોધકથાઓ અને લોજીઆ છે. આ સર્જન પીટરના સાથી માર્કનું ગણાય છે. મહાન આત્માઓના જીવનમાં પાછળથી ઘટનાઓ, વિચારો, વાર્તાલાપો ઉમેરાતાં જાય છે. એ પછી મેથ્યુનો ગોસ્પેલ આવે છે, જે કદાચ હિબ્રૂમાંથી અનૂદિત છે.
માર્ક પછી 10 કે 15 વર્ષો પછી મેથ્યુ આવે છે, પછી લ્યુકની વાર્તા આવે છે. પોલનો સાથી લ્યુક ગ્રીક વિદ્વાન હતો. એવું મનાય છે કે લ્યુકે પોતાની ભાષા પણ પોતાના નાયકની વાણીમાં ઉમેરી છે! એક નાનું દૃષ્ટાંત : જિઝસે કહ્યું છે કે બ્લેસેડ આર.પી. પુઆર! (તમે ગરીબો ભાગ્યશાળી છો !) લ્યુક આ વિધાન એમ જ રાખે છે. મેથ્યુમાં આ વાક્ય આ રીતે લખાયું છે : બ્લેસેડ આર ધ પુઅર ઈન સ્પિરિટ !
કેટલો લેખિત ધર્મ પ્રમાણિત છે એ ચિંતકનો પ્રશ્ન છે. અસો જરથુસ્ત્રના અનુયાયીઓમાં આપણા પારસીઓ પણ છે. એમના અવસ્થાનો પ્રાચીનતમ ભાગ ગાથા છે, જેમાં વેદની ભાષા જેવું સામ્ય છે. વેદાંતકાળમાં જરથોસ્ત્ર થઈ ગયા એવું મનાય છે. વિદ્વાનો માને છે કે એમનો કાળ ઈ.સ. પૂર્વે 1000થી 800 સુધીનો છે. એ વખતે તો લેખનનો વિકાસ પણ થયો નહોતો. તો પછી જે લેખન આપણી પાસે આવ્યું છે એમાં એક જ વાતનાં જુદાં જુદાં સ્વરૂપો જરૂર સંભવી શકે છે.
લગભગ દરેક મહાન ધર્મપ્રવર્તક કે વિચારકના જીવનમાં એક સામાન્ય વાત સમજવા મળે છે. એમણે એમના હાથે લખ્યું નથી, એમના દેહાંત નથી, વર્ષો પછી ભક્તો અને અનુયાયીઓએ ગુરુની વાણીને શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. માટે જુદા જુદા અર્થો આવ્યા છે અને કાળક્રમે ક્યારેક વિરોધી અર્થઘટનો પણ ઊપજ્યાં છે.
સોક્રેટિસે એક અક્ષર પણ લખ્યો નથી, જે લખ્યું છે એ પ્લેટોએ સોક્રેટિસ વિશે લખ્યું છે અને એમાંથી જ આપણને સોક્રેટિસનું જીવન અને વિચારધારાઓ મળે છે. કોન્ફ્યૂશિયસે જીવનમાં 3,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા, જેમાંથી 72 યશસ્વી થયા. કોન્ફ્યૂશિયસ વિશે વિશ્વને જે માહિતી છે એ એના વિદ્યાર્થીઓ દ્વારા મળી છે. કોન્ફ્યૂશિયસ વિશેનું આ પ્રથમ અને સર્વગ્રાહી પુસ્તક છે.
ભગવાન મહાવીર વિશેની વાત પણ આ જ પ્રકારની છે. ત્રણ દસકો સુધી મહાવીરે આખ્યાનો આપ્યાં. પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે આ વાણી ગ્રંથસ્થ કરી અને જૈન ‘અગમો’ ની ઉત્પત્તિ થઈ. મૂળ 12 અગમો હતાં, પણ પછી આચાર્યો આવતા ગયા અને પુનર્વિચાર અને ઉમેરાઓ થતા ગયા અને 45 અગમો બન્યાં.
ભગવાન બુદ્ધે પણ કંઈ જ લખ્યું નથી. એવું મનાય છે કે બુદ્ધના નિર્વાણ પછી બુદ્ધના શિષ્યો એકત્ર થયા અને જેને જે યાદ હતું એ શબ્દસ્થ કરવામાં આવ્યું. આ ત્રણ પીટકોમાં સંગ્રહિત કરવામાં આવ્યું છે. બુદ્ધના સમયથી 500 વર્ષ પછી પાલિ ભાષામાં આ પ્રકટ થયું એવું મનાય છે. મજિઝમ નિકાયમાં બુદ્ધે પોતાના શિષ્યોને આપેલા 152 ઉપદેશોના સંગ્રહ છે.
બૌદ્ધ ગ્રંથો વિશે એક-બે સૂચક વાતો એ છે કે ઘણાખરા ધર્મસંવાદોનો આરંભ થાય છે : ‘એવું મેં સાંભળ્યું છે...!’ અને બુદ્ધ હંમેશાં કહે છે કે ‘આવું મેં અનુભવ્યું છે... ’બુદ્ધની વાત ‘મહોપદેશ’ કહેવાય છે અને એ સ્વાનુભાવ પર હંમેશાં ભાર મૂકે છે. ભગવાન બુદ્ધની વાણી પણ એમના સમસામયિકોની જેમ પાછળથી ગ્રંથસ્થ થઈ છે.
ઈસા પૂર્વ 800થી 200 સુધીનો કાળ, એટલે કે આજતી 2200થી 2800 વર્ષ પૂર્વનો કાળ મનુષ્યજાતિની બૌદ્ધિક ઉત્ક્રાંતિનો એક સ્વર્ણકાળ ગણાય છે. એ સમયે તત્કાલીન સંસ્કૃતિવિશ્વમાં એકસાથે એટલી બધી મહાન પ્રતિભાઓ પ્રકટી, જે પછી ક્યારેય જોવા મળી નથી.
ચીનમાં લાઓ-ત્સે અને કોન્ફ્યિશિયસ, ઈરાનમાં જરથુસ્ત્ર, જ્યુડિયામાં મહાન યહૂદી ભવિષ્યવેત્તાઓ, ગ્રીસમાં સોક્રેટિસ અને પ્લેટો, ભારતવર્ષમાં ઉપનિષદ ઋષિઓ, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર. ખ્રિસ્તી ધર્મના જિઝસ 500-600 વર્ષો પછી આવે છે અને ઈસ્લામના મોહમ્મદના આગમનને બીજાં 700 વરષ લાગી જાય છે.
ઈસ્લામ આવે છે ત્યારે લેખિત ભાષા વિકાસ પામી ચૂકી છે. પણ કુરાનની પણ એ જ વાત છે. હજરત મોહમ્મદ નિરક્ષર હતા, ગેબી અવાજ દ્વારા એમને ઈશ્વરીય સંદેશ પહોંચાડવામાં આવતો હતો, એ અન્ય કોઈ સાંભળી શકતું નહોતું અને આ ક્રિયા 22 વર્ષો સુધી ચાલે છે.
મોહમ્મદના અવસાન પછી હજરત ઉમરે અબુ બકરને સૂચન કર્યું અને એ મુજબ ઝૈન બિન સાબિતના માર્ગદર્શન નીચે કુરઆનની એક સત્તાવાર પ્રત તૈયાર કરવામાં આવી. આ પ્રત ઉમરની પુત્રી હફશા પાસેથી હજરત ઉસમાને મગાવી લીધી અને કુરઆનની બધી જ પ્રતોનું આ મૂળ છે. ઉસમાને તૈયાર કરાવેલી એ કુરઆનની બે પ્રતો આજે પણ ઈસ્તંબુલ અને તાશ્કંદનાં સંગ્રહાલયોમાં છે.
સંજય જુએ છે અને જે ધૃતરાષ્ટ્રને કહે છે એ ભગવદ્દગીતા છે. મહાભારતના લેખનમાં વ્યાસ અને ગણેશનું યોગદાન છે, મહાભારત લખાવાય છે. આપણે ત્યાં શ્રુતિ છે અને સ્મૃતિ છે, જે સાંભળેલી અને યાદ રાખેલી વસ્તુઓ છે. પૂરા વેદો કંઠસ્થ હતા, પછી ગ્રંથસ્થ થયા.
લગભગ દરેક મહાન ધર્મની આ અદ્દભુત એકસૂત્રતા જોયા પછી ધર્મ અને સત્ય પણ રોમાન્ટિક શબ્દો બની ગયા છે. આ ધર્મગ્રંથોની પાછળ એક સ્પષ્ટ પ્રક્રિયાગ્રાફ છે : બોલવું, સંભળાવું, લખવું, ગ્રંથસ્થ થવું, અર્થ થવો, ભાષ્ય થવું, અર્થઘટનો થવાં, વિવાદ-વિસંવાદ થવો, ધર્મની વિવિધ પ્રશાખાઓ ફૂટવી ! અને દરેક ધર્મગ્રાફની દિશા એ જ બની જાય છે : સત્ય.
(ગુજરાત ટાઈમ્સ : સપ્ટેમ્બર 13, 2002)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર