છીપનું મોતી ગર્ભનું શિશુ : ઈશ્વરની ગમ્મત

27 Oct, 2017
12:03 AM

ચંદ્રકાંત બક્ષી

PC: newhdwallpaper.in

એક વાર દાર્શનિક બર્ટ્રાન્ડ રસેલે પ્રશ્ન પૂછ્યો હતો કે, જો 60 વર્ષે નિવૃત્ત થાઓ અને 90 વર્ષ સુધી જીવવું પડે તો એ 30 વર્ષ કેવી રીતે ગળશો?  રસેલે જ ઉત્તર આપ્યો હતો કે, માણસના વિશ્વને 60 વર્ષો સુધી જોયું, પછી ઈશ્વરના વિશ્વને જોવાનું, સમજવાનું, અભ્યાસ કરવાનો, ઑફિસનો ઈન્ટરકોમ અને બેંકનું ફર્સ્ટ ક્લિયરિંગ એ પ્રવૃત્તિનાં વર્ષો છે અને એ માણસનું વિશ્વ છે.

ઈશ્વરનું વિશ્વ એટલે હરિત અને સભર છે કે તમે બાકીનાં 200 વર્ષો પણ વ્યસ્ત ગુજારી શકો. ઈશ્વરનું વિશ્વ એટલે પક્ષોની જાતો, પશુઓની ખાસિયતો, ફૂલોનું વૈવિધ્ય, શાકભાજી અને ફળો, હવાઓ અને પાણીઓ, જળચર અને ખેચરો અને વનચરો અ નિશાચરો, ભૂગોળ અને ખગોલ, પથ્થરોનો પ્રાગૈતિહાસ, વરસાદ, જગતનાં કરોડો પ્રકારનાં પાંદડાં અને અબજો પ્રકારનાં જંતુઓ, મનુષ્યશરીરની અદ્વિતીય વિશેષતાઓ, બાળકો, અંતરિક્ષ અને સૂર્યમંડળ, મનુષ્યની આંખો અને કાન, આંગળીઓ, આંગળીઓની ભંગિમાઓ... ઈશ્વરના વિશ્વમાં માત્ર વિસ્મય જીવનને ધન્યથી સહ્ય સુધી ગમે તે કક્ષાએ મૂકી આપવામાં સહાયક થાય છે. નિવૃત્તિના વર્ષોમાં જીવવાની મજા આવે છે...

ઈશ્વરના વિશ્વના કરોડો વિષયોમાંથી એક વિષય છે પ્રાણીઓ, જેમના વિશે આપણે 60 વર્ષો જીવી લીધાં પછી પણ કેટલું બધું ઓછું જાણતા હોઈએ છીએ? પ્રાણીબાગ અને સર્કસની બહાર પણ પ્રાણીઓ હોય છે. સર્જનહારની દુનિયામાં કદાચ તર્કને બહુ અગ્રિમ સ્થાન નથી. છીપ અથવા આયિસ્ટરમાં મોતી બાંધવા માટે બહારથી ધૂળનો એક કણ જવો જોઈએ.

બાહ્ય કંઈક ‘અશુદ્ધિ’ અથવા ઈરિટન્ટ (અસ્થિર કરનારી બાહ્ય અસર) હોય તો જ મોતી બને છે. મનુષ્ય માદાના ગર્ભાશયમાં જો કોઈ બાહ્ય વસ્તુ પ્રવેશ કરે છે તો ગર્ભપાત કે ગર્ભસ્ત્રાવ થઈ જાય છે અને પિંડ બંધાતો નથી! ગર્ભનિવારણના એક માર્ગરૂપે ગર્ભાશયમાં કંઈક મૂકવાનો નિયમ આધુનિક વિજ્ઞાન આજે અપનાવે છે, પણ પ્રાચીન અરબસ્તાનમાં જ્યારે ઊંટનાં કારવાં લઈ જવા હોય ત્યારે બેદુઈન ગ્રામીણો કારવાની માદા ઊંટોના (સાંઢણીઓ) ગર્ભાશયોમાં નાની કાંકરી કે કોઈ વસ્તુ મૂકી દેતા હતા કે જેથી દીર્ઘપ્રવાસ દરમિયાન કોઈ માદા પ્રાણીમાં ગર્ભાધાન ન થઈ જાય. ઈશ્વરે છીપ અને ગર્ભાશય માટે તદ્દન વિરોધી નિયમો શા માટે રાખ્યા હશે?

માણસની બે આંખો ચહેરાની સામે જ છે, જ્યારે પક્ષીની બે આંખો માથાની બે બાજુએ હોય છે. જ્યારે પક્ષીની બંને આંખો એક જ ધ્યેય પર ફોકસ કરે છે ત્યારે સ્ટિરિયોસ્કોપિક દૃશ્ય આંખમાં બતાવી શકે છે. આ પક્ષીનું બાયનોક્યુલર અથવા દ્વિદૃષ્ટિવિઝન છે. જ્યારે પક્ષીની બંને આંખોજુદું જુએ છે ત્યારે એક વિશાળ 10 ડિગ્રી દ્રશ્ય જોઈ શકે છે. એટલે તેનો શિકાર કરવા આવનાર શિકારીને બધા જ કોણથી જોઈ શકે છે. ફક્ત પાછળથી આવનાર શિકારીને પક્ષી જોઈ શકતું નથી.

પણ ઈશ્વર માત્ર કલાકાર કે વૈજ્ઞાનિક નથી, બંને છે અને બધું જ છે. ઘુવડ એક એવું પક્ષી છે, જેને આંખોના ડોળા ફેરવતાં આવડતા નથી અથવા એ ફરતા નથી, એટલે ઘુવડે બીજું જોવા માટે આખું માથું ફેરવવું પડે છે, વ્હેલ માછલીને પણ આખું માથું ફેરવવું પડે છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ પશ્ચિમ પાસિફિક મહાસમુદ્રના અનિવેટોક નામના દ્વીપ પર એટમબૉમ્બનો ટેસ્ટ કર્યો હતો. થોડાં વર્ષો પછી વંશ-વૈજ્ઞાનિકો એ ટાપુ પર તપાસ કરવા ગયા. એમણે જોયું કે માછલીઓ, પ્રાણીઓ, છોડ, માટી બધું જ પ્રદૂષિત રેડિયો એક્ટિવ થઈ ગયું, પણ ઉંદરો બચી ગયા હતા. એ ઉંદરો પર કોઈ રેડિયો એક્ટિવ અસર નહોતી. એ વધારે તગડા થઈ ગયા હતા અને સરેરાશ કરતાં એમની જિંદગી લાંબી થઈ હતી! વાતાવરણ સાથેનું ઉંમરનું અનુકૂલન કુદરતનો ચમત્કાર છે. ઉંદર એકથી દોઢ વર્ષ જીવે છે, ત્રણ મહિને માદા માતા બની શકે છે, એક પ્રસવમાં 6થી 12 બચ્ચાં થઈ શકે છે, વર્ષે આઠ સુધી પ્રસવો થઈ શકે છે.

એક વૈજ્ઞાનિક અંદાજ પ્રમાણએ એક નર અને માદા ઉંદર યુગલને એક વર્ષમાં 15000 બચ્ચાં થઈ શકે છે, ચાર વર્ષમાં આ વર્સાતે 1 કરોડ 10 લાખ થઈ શકે છે અને દસ વર્ષમાં કેટલાં? 48ની સંખ્યા ઉપર અઢાર મીંડા લગાવો એટલાં...!

પ્રાણીઓ-પક્ષીઓનું અદ્દભુત વિશ્વ છે. એલબેસ્ટ્રોસ પક્ષીની બે પાંખોની પૂરી લંબાઈ 11 ફૂટ હોય છે. આ પક્ષીને અંગ્રેજી કવિતા ‘ધ એનશન્ય મેરીનર’એ અમર બનાવી દીધું છે. એલબેટ્રોસ પક્ષી પાંખો ફફડાવ્યા વિના 60 માઈલ સુધી હવામાં તરતું રહી શકે છે. આર્કટિક ટર્ન નામનું એક અત્યંત નાનું પક્ષી, જેની લંબાઈ 35 સેન્ટિમીટર અથવા 13.5 ઈંચ છે. એક ઉનાળાથી બીજા ઉનાળા સુધી દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ સુધીના 35000 કિલોમીટર ઊડીને જઈ શકે છે અને હવામાં ઊડતાં ઊડતાં જ પોતાનો આહાર મેળવી લે છે.

સ્વિત્ઝર્લેન્ડના સેમ્પેસસ્થિત પક્ષી શાસ્ત્રીય સ્ટેશને લાંબું અંતર કાપતાં પક્ષીઓ વિશે અભ્યાસ કર્યો છે, જે પક્ષીઓ માર્ગમાં શિકાર પણ કરતાં રહેતાં હોય છે. એ દિવસે ઊડે છે, પણ બાકીનાં લગભગ બધાં જ પક્ષીઓ રાત્રે ઊડતાં હોય છે. ક્યારેય હવાના પ્રવાહ પર તરતાં આ પક્ષીઓ 400થી 800 કિલોમીટર અંતર એક જ ઉડાનમાં તય કરી લેતાં હોય છે. એમના અભ્યાસ પ્રમાણે આવાં પક્ષીઓ પૂરો ભૂમધ્ય સમુદ્ર કે સહરાનું રણ એક જ ઉડાનમાં ઓળંગી લેતાં હોય છે. એમને દિશાભાન શી રીતે થાય છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પરથી અને તારાઓથી સ્થિતિ પરથી.

જેમ રડાર ધ્વનિનાં સ્પંદનો પકડી શકે છે એમ પશુપક્ષીઓમાં પણ કંઈક સેન્સર પ્રકારની વ્યવસ્થા છે. ચામાચીડિયાના નાકમાં જે કંઈક એવું આયોજન છે કે હાઈ-ફ્રિક્વન્સી અવાજો પકડી શકે છે. માછલીમાં પણ સેન્સર છે. ધરતીકંપની આગળ હાઈડ્રોકાર્બન ગેસ છૂટતા રહે છે, જે સાપ તરત જ સૂંઘી લે છે. કબૂતરો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજીને ઊડે છે. કૂતરાઓમાં અત્યંત તીવ્ર ઘ્રાણેન્દ્રિય તો હોય જ છે, પણ એમની શ્રવણશક્તિ પણ એવી જ તીવ્ર હોય છે, એ જમીનમાંથી આવતાં અલ્ટ્રાસોનિક મોજાં સાંભળી શકે છે. આલ્સેશિયન કૂતરાની સૂંઘવાની શક્તિ માણસ કરતાં દસ લાખ ગણી વધારે છે.

કરોળિયો એ જંતુ નથી. અંગ્રેજીમાં ઈન્સેક્ટ શબ્દ જંતુ માટે વપરાય છે. પ્રાણીશાસ્ત્રના સામાન્ય નિયમ પ્રમાણે જંતુને છ પગ હોય છે, પણ કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયો કરોડો વર્ષોથી પૃથ્વી પર છે, એના માથા પર ઘણીબધી આંખો હોય છે, એ ચારે તરફ જોઈ શકે છે. એના આઠ પગ મજબૂત હોય છે. કેટલાક કરોળિયા એના શરીરની લંબાઈથી વીસ ગણા દૂર કૂદી શકે છે.

(ગુજરાત ટાઈમ્સ : ઓગસ્ટ 30, 2002)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.