સેક્સરાગ : ગણિકા, ગેઈશા, હટીરા....
દરેક સમાજમાં, દરેક કાળે, એક વર્ગ એવો જરૂર હોય છે જે નારીને ભોગ્ય ગણતો હોય છે અને એ પ્રકારની સંસ્થાઓ ઊભી કરતો હોય છે, જે પુરુષના ઉપભોગનું સાધન બનતી હોય છે. આપણી હિંદુ-સંસ્કૃત પરંપરામાં સ્ત્રી માટે એવા અસંખ્ય શબ્દો છે જે સમાજમાં એનું સ્થાન બતાવે છે. સ્ત્રી એ વ્યક્તિ નહીં પણ ભોગવવાની વસ્તુ હોય એવા શબ્દોનું બાહુલ્ય છે.
સ્ત્રી શતરૂપા અથવા સો રૂપોવાળી છે. સહોદરા એટલે એક જ ઉદરમાંથી પ્રગટેલી, ભગિની એટલે એક જ ભગ કે યોનિમાંથી જન્મેલી. નગ્નિકા એટલે એ બાલિકા જે ઋતુમાં આવી નથી. સ્વૈરિણી એટલે સ્વૈરવિહારી, એવી સ્ત્રી જે એની ઈચ્છા પ્રમાણે જાય છે. કાન્તા એટલે જે રહી શકતી નથી. વનિતા એ છે જેનું સંવનન કરવામાં આવ્યું છે. અપ્સરા આડી લાઈને સરકી જનારી સ્ત્રી છે. કન્યા એટલે એ જે ઈચ્છા કરે છે. તરુણી એટલે એ જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે. પ્રમદા એટલે જેને વધારે મદ છે, માનિની એટલે જેને વધારે માન છે. સ્ત્રી વિશે આ પ્રકારના બેશુમાર શબ્દો છે. ગણ ઉપરથી ગણિકા શબ્દ આવ્યો છે. ગણિકા અને ગણવધૂ જેવા કેટલાક સમાંતર શબ્દો : જનવધૂ, કુલવધૂ, નગરવધૂ, જનપદકલ્યાણી! સ્ત્રી માટે એક વિચિત્ર શબ્દ મળે છે : સર્વભોગ્યા!
કાલિદાસ સંસ્કૃતના પાંચમી સદીના કવિ હતા, અને શેક્સપિયર 16/17મી સદીના નાટ્યકાર હતા, અને બંનેની તુલના કરવામાં આવે છે. શૃંગારરસ બે જુદા જુદા કલાખંડના સર્જકોમાં સમાન વહેતો રહે છે, કારણકે સેક્સરસ મનુષ્યની બુનિયાદી ભાવના છે. ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ કાલિદાસનું શ્રેષ્ઠ નાટક ગણવામાં આવે છે. ‘રોમિયો એન્ડ જુલિયેટ’ શેક્સપિયરનું શ્રેષ્ઠ નાટક નથી, પણ પ્રસિદ્ધ નાટક છે. આ નાટકમાં મસ્કયુશીઓ નામનું એક પાત્ર બોલે છે : આ જ વાત છે. છોકરીઓ જ્યારે એમની પીઠ પર સીધી સૂઈ જાય છે / જે એમને દબાવે છે અને ગર્ભધારણ કરતાં પ્રથમ શીખવે છે / અને એમને સારી સંસ્કારી સ્ત્રીઓ બનાવે છે/એમાંની જ આ એક છે (1:4)! ‘શાકુન્તલ’નો સેક્સરાગ જરા જુદા પ્રકારનો છે! શકુન્તલા : સખી અનસૂયા ! આ પ્રિયંવદાએ બહુ ખેંચીને વલ્કલ બાંધ્યું છે, મને જકડી લીધી છે. એને જરા ઢીલું કર ને !... અનસૂયા : અચ્છા (તથા શિલિયતિ)... પ્રિયંવદા : (સહાસ્ય) તારાં સ્તનોને ફુલાવનારા તારા યૌવનને જ દોષ દેને! મને શા માટે દોષ આપે છે? (1:19)
સ્ત્રી ઉપભોગ્યા તરીકે પૃથ્વીના દરેક સંસ્કૃત સમાજમાં ક્યારેક જરૂર રહી છે. પ્રાચીન ભારતીય સમાજમાં ગણિકાનું એક વિશ્વસ્ત અને સમ્માનનીય સ્થાન હતું. સંસ્કૃત નાટકમાં પુરુષ સંસ્કૃતમાં બોલતો હોય, અને સ્ત્રી પ્રાકૃતમાં બોલતી હોય, પણ ગણિકા સંસ્કૃતમાં બોલતી હોય એવું જોવા મળે છે.
આવું જ ઉચ્ચ સ્થાન જાપાનમાં ‘ગેઈશા’નું હતું. ગેઈશા બે જાપાનીઝ શબ્દોમાં સંયોજન છે. શા એટલે આનંદ કરાવનાર, અને ગેઈ એટલે કલામય! કલામય સ્ત્રી, જે આનંદ કરાવે છે એવો શાબ્દિક અર્થ થાય છે. કિહારૂ નાકામુરા નામની પ્રખ્યાત જાપાનીઝ ગેઈશાએ એક પુસ્તક લખ્યું હતું : ‘ધ મેમ્વાર ઑફ અ તોકિયો-બોર્ન ગેઈશા’ (તોકિયોમાં જન્મેલી ગેઈશાનાં સંસ્મરણો). આ પુસ્તકનો 8 ભાષાઓમાં અનુવાદ થયો હતો અને ગેઈશા લેખિકા નાકામુરાનો ફિલ્મ તથા નાટક કંપનીઓએ સલાહકાર તરીકે ઉપયોગ કર્યો છે. 1941માં યુદ્ધ સમયે નાકામુરા હિંદુસ્તાન પણ આવી હતી.
ગેઈશાની વિશેષતા હતી પુરુષને ખુશ રાખવો. જાપાનમાં એ સમયે ગેઈશા-તાલીમની સ્કૂલો ચાલતી! ભડકદાર વસ્ત્રો, ઘેરો મેક-અપ, સ્વરમાં કંપન, બંને પગ સાથે રાખીને ચાલવું - આ બધું ગેઈશાને આવડવું જોઈએ. પ્રથમ પુરુષ- સમાગમની વિધિને જાપાનમાં ‘મિઝુઆજ’ કહેવાય છે. ગેઈશાને સંતાન પણ થઈ શકે છે. ગેઈશાને સફળ થવા માટે શું શું આવડવું જોઈએ? ફીલિંગ સાથે વાદ્યવાદન, એટલે કે ગિટારથી નાનાં તબલાં સુધીનાં વાદ્યો, ગાયન અને નર્તન, અને પુરુષો સાથે ઉષ્માપૂર્ણ વાતો જેમાં રમૂજની છાંટ હોય! ગેઈશામાં ‘ઓઈરાન’ એક એવો વર્ગ હોય છે કે બહુ ઊંચો ચાર્જ લઈને ખાસ પસંદીદા ગ્રાહક સાથે જ રાત ગુજારવા કબૂલ થાય છે. કિહારૂ નાકામુરાનું 2004ના જાન્યુઆરીમાં જ 90 વર્ષે અવસાન થયું, હવે જાપાનમાં ગેઈશા પ્રથા લુપ્ત થતી જાય છે.
પ્રાચીન ગ્રીસમાં હટીરા હતી, જે બુદ્ધિમાનોની પ્રેયસી ગણાતી હતી. હટીરા એક એવી સ્ત્રી હતી, જે બુદ્ધિમાન હતી અને સ્વરૂપવાન હતી. ગ્રીકો માટે એ સેક્સની દેવી હતી. મોટાં કક્ષોમાં ફિલસૂફો અને વિદ્વાનો બેઠા હોય, લેટેલા હોય, અલસાતા હોય, ગંભીર ચર્ચાઓ ચાલતી હોય, અને હટીરાઓ એમના પ્રિયતમોને સુગંધીદાર દ્રવ્યોથી માલિશ કરતી હોય. એ આવી ઉચ્ચસ્તરીય ચર્ચાઓમાં ભાગ પણ લેતી હતી. કેટલીક હટીરાઓ મશહૂર થઈ ગઈ હતી.
દરેક બુદ્ધિમાન વિદ્વાનને એક હટીરા રહેતી અને કેટલીક ગ્રીસના ઇતિહાસમાં સ્થાન પામી છે. હટીરાને પુરુષને ખુશ કરવાની કલા ખાસ શીખવવામાં આવતી. ચર્ચાઓ અને માલિશોની આ આબોહવામાં ફિલસૂફીની ગંભીર ચર્ચાઓ થતી રહેતી, શરાબોની મહેફિલો થતી, નોંકઝોંક અને છિનાઝપટી થતાં, ગુલછર્રા ઊડતા, મારામારી થઈ જતી, સેક્સની મસ્તીઓ થતી. અને ગ્રીકમાં આને જ ‘સિમ્પોઝિયમ’ કહેતા! સિમ્પોઝિયમનો મૂળ અર્થ આ હતો. હવે ઉચ્ચ બૌદ્ધિક ચર્ચાઓ માટે સિમ્પોઝિયમ શબ્દ વપરાતો થયો છે! કદાચ આપણો વારાંગના શબ્દ આ હટીરાની નિકટતમ આવે છે.
ચીનમાં કોન્કયુબાઈન હતી, જેનો કરીબી પર્યાય કદાચ રખાત થઈ શકે. ચીની રાણી વુ-ત્સેઝીઅને પુરુષોને રખાત તરીકે રાખ્યા હતા. આપણા સંસ્કૃત શ્લોક (ભોજનેષુ માતા, શયનેષુ રંભા...) જેવું જ એક વાક્ય સર્વેન્ટિસની સ્પેનિશ નવલકથામાં આવે છે : સ્ત્રી રસ્તામાં દેવી હોય છે, ચર્ચમાં સંત હોય છે, બારીમાં રૂપસી હોય છે, ઘરમાં પ્રામાણિક છે, પથારીમાં રાક્ષસી છે! સ્ત્રી એ પુરુષના મનનું બ્રહ્માંડ છે, જે પુરુષ માટે હંમેશાં રહસ્યમય રહ્યું છે. ભર્તૃહરિએ સ્ત્રી માટે ક્યારેય એકવચન વાપર્યું નથી, એ આદર થાય એવી વાત છે!
પ્રાચીન ગ્રીસમાં એક શિશ્નદેવ હતો, જેને ગ્રીક ભાષામાં ‘ફેસલ’ કહેતા હતા. એ ફેસલનું પ્રતીક ગળામાં પહેરીને સ્ત્રીઓ નૃત્ય કરતી. એક ફ્રેંચ સ્ત્રીનું વિધાન હતું કે અમે કપડાં પહેરીએ છીએ એટલે પુરુષો એક્સાઈટ થઈ જાય છે! ગ્રીસની જવાન એરહોસ્ટેસ દિમિત્રા વૃદ્ધ પ્રધાનમંત્રી પાપાન્દ્રુને પરણી ત્યારે ગ્રીક પ્રજા કહેતી હતી કે મીમી (દિમિત્રા) કેવી તકદીરવાળી છે કે એ હવે તરત જ વિધવા થશે!
હિંદુસ્તાનની એક મુસ્લિમ રિયાસતમાં રાજમાતા એના પુત્રને 16મા જન્મદિવસ પછી દરેક જન્મદિવસે એક નવી છોકરી ભેટ આપતી હતી. મહિલાઓને આ વાંચવામાં સંકોચ ન હોવો જોઈએ. કારણ? મહિલા શબ્દની વ્યુત્પત્તિ જરા વિચિત્ર છે. મૂળ તમિળમાં મદ એટલે નશામાં હોવું. સંસ્કૃતમાં પણ મદ છે. મદનું મહમાં રૂપાંતર થયું અને આ મહ પરથી મહિલા શબ્દ આવ્યો, મહિલા એટલે? શરાબમાં મસ્ત, ચૂર સ્ત્રી એ મહિલા છે. હે ભવ્યજનો! કોઈ પણ સ્ત્રીને મહિલા કહેતાં વિચારજો...
ક્લૉઝ અપ :
સુવાસિની = પિતાને ઘેર રહેતી પરિણીતા સ્ત્રી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર