કાળાના પક્ષમાં : તન્વીશ્યામાથી બ્લેક કિસ!

08 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

સફેદ એ રંગ નથી, કાળો રંગ છે. સફેદમાં સાત રંગો સમાયેલા છે પણ એ રંગ કહેવાતો નથી. ઘણી ભાષાઓમાં સફેદ માટે સાદા શબ્દ વપરાય છે. સફેદની માત્રાઓ છે - ધવલ, શ્વેત, શુભ્ર. પણ કાળાની જાહોજલાલી જ ઓર છે. સફેદમાં ડાઘ પડી જાય છે, પણ કાળા વિશે મીરાંબાઈએ ગાયું છે : ઓઢું હું કાળો કાંબળો, દૂજો ડાઘ ન લાગે કોઈ, ફેશનની દુનિયા એમ કહે છે કે કાળો રંગ પહેરવાથી તમે પાતળા લાગો છો? સફેદ પહેરવાથી તમે જાડા લાગો છો? સાધુઓ સફેદ અને કામિનીઓ કાળો પહેરે છે એની પાછળ આ કારણ હશે? જેને સાધુ અને કામિની બંનેનો અનુભવ હોય એવા કોઈ કુર્તાધારી ગુજરાતી ચિંતકને પૂછવું જોઈએ...

ગુજરાતી પુરુષો કોઈ વસ્તુમાં કાળો રંગ પસંદ કરતા નથી, સિવાય કે રૂપિયા! એમાં કાળો રંગ પ્રિય હોય છે. કાળા રૂપિયાના આધારે ગોરી છોકરીને પરણવું એ એક બોધપાઠ છે. ગુજરાતી મુરતિયાઓમાં 100માંથી 110 મુરતિયાઓને ગોરી છોકરી જ જોઈએ છે. મહાકવિ કાલિદાસ લખી ગયા છે કે સૌંદર્યવાન સ્ત્રી એટલે તન્વીશ્યામા! તન્વી એટલી પાતળી, અને શ્યામા એટલે કાળી, પણ કાલિદાસ પછી આવેલા ભાષ્યકાર મલ્લિનાથે ભાષ્ય કર્યું કે શ્યામા એટલે એવી સ્ત્રી જે ઉનાળામાં ઠંડક આપે અને શિયાળામાં ગરમી આપે. શ્યામા એટલે એરકન્ડિશનિંગ એન્ડ સેન્ટ્રલ હિટિંગ. શ્યામા એટલે કમનીય, દર્શનીય, ઈચ્છનીય, મયનીય. આજના ફ્રેશ ગુરુઓએ મલ્લિનાથ વિશે સાંભળ્યું નથી.

સ્પેનમાં જો તમે કોઈ સ્ત્રી સાથે અવૈધ સંબંધ બાંધો છો તો એ ‘બ્લેક કિસ’ (કાળું ચુંબન) કહેવાય છે. સ્પેનમાં સ્ત્રીઓ વર્ષો સુધી કાળાં કપડાં પહેરે છે. કાળો એ હવે ફેશનનો રંગ છે. આપણી વાત જુદી છે. આપણે તો અગ્નિની સાક્ષીએ પરણેલી સગી પત્નીને ‘વ્હાઈટ કિસ’ કરવી હોય તો પણ ભાભા, ભાભુ, ભાણિયા, ભાણી બધાંનો વિચાર કરવો પડે છે. કોઈ જોઈ જશે તો? બધી જ ઉત્તેજના પર ગંગાજલ છાંટી દે છે! સ્પેનીઆઓમાં એવી આમન્યા-બામન્યા મળે નહીં!

કાળો શબ્દ હવે એટલો બદનામ રહ્યો નથી. અમેરિકામાં પહેલાં નિગ્રો કહેતા હતા. એના પહેલાં એક કુત્સિત શબ્દ હતો નીગર, અને એ પહેલાં સ્લેવ હતા. આજે બ્લેક્સ કહી શકાય છે. એફ્રો-અમેરિકન કહી શકાય છે. અમેરિકામાં મેં ટેલિફોન પર એક વાર ‘અ જેન્ટલમેન ઑફ કલર’ જેવું માનવાચક સંબોધન પણ સાંભળ્યું છે. દક્ષિણ આફ્રિકામાં કલર્ડ (રંગબેરંગી) શબ્દ વપરાય છે. વિદેશોમાં આપણે કાળા જ ગણાઈએ છીએ, જોકે આપણે આપણી જાતને ઘઉંવર્ણા કે બ્રાઉન તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લેંડમાં એશિયન શબ્દનું ચલણ છે અને આપણે ત્યાં આપણે ‘ઊજળો વાન’ જેવો કૃત્રિમ શબ્દપ્રયોગ પણ કરી લઈએ છીએ અને એમાં પણ યુરોપ-અમેરિકામાં જો કોઈ આપણને ગ્રીક કે ઈટાલિયન ધારી લે તો આપણે ખુશખુશ થઈને ઝૂમવા લાગીએ છીએ!

આ સામાન્ય માનસિકતા છે. જો કોઈ કહી દે કે તમે ગુજરાતી જેવા લાગતા નથી, તો આપણે કેમ ખુશખુશાલ થઈ જઈએ છીએ? આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી ‘ડાર્ક’નો ભાવ બતાવતો શબ્દ મળતો નથી. ડાર્ક એટલે ઘેરો, તામ્રવર્ણી, પૌરુષિક, ચુંબકીય વ્યક્તિત્વવાળો, અંગ્રેજીમાં ડાર્કને હેન્ડસમ સાથે વાપરવામાં આવે છે. આપણી પાસે શ્યામ છે, ઘનશ્યામ, પણ ડાર્ક નથી. પણ આપણાં ઘણાંખરાં દેવીદેવતાઓ ગોરાં નથી, કાળાં છે, એટલે કે ડાર્ક છે.

કાળાનું મહત્ત્વ અંગ્રેજી ભાષામાં કેટલું હોવું જોઈએ કે બ્લેક એન્ડ વ્હાઈટમાં પ્રથમ બ્લેક આવે છે! પણ સફેદનું સ્થાન ઊંચું રહે છે. શતરંજ રમતી વખતે જેની પાસે સફેદ મોહરાં છે એને એડવાન્ટેજ છે એમ કહેવાય છે. લગ્ન કરવા નીકળેલો વરરાજા ક્યારેય કાળા કે બદામી ઘોડા પર આવતો નથી, એ ધોળી ઘોડી પર બેસીને જ પરણવા નીકળે છે. આપણાં લોકગીતોમાં ‘ગોરી’ એક લાખ વાર આવ્યું છે અને સમસ્ત ઉર્દૂ શાયરીમાં હૂસ્ન એટલે ગોરી ઔરતનું હૂસ્ન! ગાલિબથી ગુલઝાર સુધીના સેંકડો ઉર્દૂના શાયરોમાંથી ત્રણ શાયરો પણ એવા વાંચ્યા છે જેમણે કાળી છોકરીના સૌંદર્યની કવિતા કરી હોય? અને પૂરી આફ્રિકન કવિતામાં માત્ર કાળી છોકરીનાં સૌંદર્યની જ વાત છે, માટે એ 21મી સદીની કવિતા છે.

ઉર્દૂ કવિતા સ્ત્રીસૌંદર્યની બાબતમાં હજી સામંતી, દકિયાનૂસી, 19મી સદીની વાસ મારતું સાહિત્ય છે. મારી 26 નવલકથાઓમાં એક ‘રોમા’માં નાયિકા ગોરી આવી છે (કદાચ નાદાન ભૂલથી!) બાકી બધી જ નાયિકાઓ કાળી અથવા ડાર્ક છે. વર્ષો પહેલાં મેં એક વાર લખ્યું હતું કે કાળી છોકરી ડાયનેમો જેવી હોય છે. ગોરી છોકરી ધોવાયેલી લાશ જેવી લાગે છે. અને એનું પરિણામ, અથવા પરિણામો, નકારાત્મક અને સકારાત્મક, હું હજી ભોગવી રહ્યો છું...
હિંદુ સંસ્કૃતિમાં મારી જેમ ઘણાના આદર્શ પુરુષ શ્રી કૃષ્ણ હશે. કૃષ્ણ પ્રાગૈતિહાસથી આજ સુધી આવી ગયેલાં ભારતીય નામોમાં ઉચ્ચતર શ્રુંગ છે, અને કૃષ્ણ કાળા હતા. કાળા કે શ્યામ કે જે શબ્દ વાપરવો હોય એ, પણ એ ગોરા ન હતા અને મારે માટે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ પાત્ર દ્રૌપદીનું છે, આદર્શ હિરોઈન, મૌલિક, અત્યંત નિશિતા, સ્ત્રીસ્વાતંત્ર્યની પ્રથમ પુરસ્કર્તા, દ્રૌપદીને કૃષ્ણા કહેવાતી હતી, એ કાળી હતી. પૂરા મહાભારત કે રામાયણમાં આટલું તેજસ્વી અને મનસ્વી પાત્ર નથી. કૃષ્ણ અને દ્રૌપદીની જેમ રામ કાળા હતા. કાળા એટલે ડાર્ક, એટલે કે ગોરા નહીં. લક્ષ્મણ કાળા હતા. અર્જુન કાળા હતા. વિદ્વાનો માને છે કે રાવણ પણ કાળો હતો અને વાલ્મીકિ અને વ્યાસ અને કવિ કાલિદાસ પણ કાળા હતા.

ગુજરાતના ઇતિહાસને યુ-ટર્ન આપનારી બે સ્ત્રીઓ- મીનળદેવી અને જસ્મા ઓડણ, બંને કાળી હતી. કાળી સ્ત્રી કેવી હોય છે? આફ્રિકાના સેનેગાલના મહાન કવિ લિયોપોલ્ડ સેંઘોરની કવિતા ‘ન્યૂ યોર્ક’ની પ્રથમ લીટીઓ : ન્યૂ યોર્ક, હું કહું છું તને, ન્યૂ યોર્ક, કાળું ખૂન વહેવા દે તારા ખૂનમાં/એ તારા લોખંડી કાટને ધોઈ નાંખશે/તારા પૂલોને ઔરતના નિતંબોનો ઘુમાવ આપશે...! અને આફ્રિકન કવિતાઓએ કાળી સ્ત્રીની કેવી તારીફ કરી છે? હંમેશાં ભીંજાયેલી... ઝામ્બેઝી નદી પર પડેલા વરસાદ પછીની તોફાની... હવ્વાની બેટી જેવી... સર્પાકાર બદનમાંથી ફાટેલા દૂધની વાસવાળી... મકાઈના આથવેલા શરાબ જેવી... કાળા નમકની ખારી તામસિક વાસથી તરબતર...! માદા. માંસલ. ભરપૂર. જંગલી કાળા સાથળો નચાવતી કાળી સ્ત્રી, જિંદગી, ચૂસી લેતી કાળી સ્ત્રી. આફ્રિકન સ્ત્રી.

ફારસીમાં હિંદુ એટલે કાળો, હિંદુકુશ પર્વત હિંદુસ્તાનની બહાર છે, પણ હિંદુકુશ એટલે કાળો પહાડ! હિંદુ શબ્દનો ઉપયોગ એક અત્યંત પ્રસિદ્ધ ફારસી પંક્તિમાં છે : અગન ઔર તુર્કે શિરાઝી/બેઅસ્ત આરદ દિલે મારા/બખાલે હિંદુયશ બક્ષમ/સમરકંદો-બુખારારા! (જો પેલી શિરાઝી તુર્ક છોકરી મારું દિલ જીતી લે તો હું એના ગાલ પરના કાળા તલ પર સમરકંદ અને બુખારા ન્યોચ્છાવર કરી દઉં!) અહીં હિંદુ એટલે કાળો એવો અર્થ છે અને 14મી સદીના ફારસીના પ્રખ્યાત શાયર હાફિઝની આ પંક્તિ છે.

અને કાળા શબ્દ તરફ અરુચિ રાખનારાઓ માટે પ્રશ્ન : શ્રીનાથજીથી કાલિમાતા સુધી આપણાં કેટલાં દેવતા-દેવીઓની મૂર્તિઓ કાળી છે? અને નાના હતા ત્યારે ‘કાળી ધોળી રાતી ગાય...’ કેટલી બધી વાર ગાયું છે? ગાયોમાં પ્રથમ ગાય કાળી હતી...! કેમ?

ક્લૉઝ અપ :

લંડનનો ટ્રાફાલ્ગર સ્કવેર બ્રિટિશ સામ્રાજ્યની જાહોજલાલી દર્શાવવા બંધાયો હતો અને એમાં ત્રણ મૂર્તિઓ છે : જ્યોર્જ ચોથો, હેનરી હેવલોક અને સર ચાર્લ્સ નેપિયર. ચોથી મૂર્તિ માટે પ્રકાર પ્રકારનાં સૂચનો આવ્યાં છે... ચોથી મૂર્તિ આંતરરાષ્ટ્રીય આદરપ્રાપ્ત ગાંધીની હોવી જોઈએ... એ ચૌક જે બ્રિટિશ સામ્રાજ્યના કીર્તિસ્થંભરૂપે બંધાયો હતો એના સામ્રાજ્યવાદી અભિગમનું સંતુલન કરવા માટે આ મૂર્તિ યોગ્ય રહેશે...

- લંડનના ‘ગાર્ડિયન’ દૈનિકના ડિસેમ્બર 12, 2003ના તંત્રીલેખમાંથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.