સ્તન, સ્તન્ય, સ્તન્યદાયિની...

22 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

કાકા કાલેલકરે નદીઓને લોકમાતાઓ કહી હતી. એમણે નદી માટે એક શબ્દ વાપર્યો હતો : સ્તન્યદાયિની! દૂધ આપનારી, પોષણ કરનારી, એટલે કે માતા. સ્તન્ય એટલે દૂધ, માનું દૂધ. સ્તન શબ્દ સાથે ઉપસર્ગ-વિસર્ગ લગાવીને ઘણા શબ્દો બનાવી શકાય છે, અને સંસ્કૃતમાં આવા શબ્દોનું વૈપુલ્ય છે : સ્તનાંશુક (સ્તન ઢાંકવાનું કપડું), સ્તનાંગરાગ (સ્તનો પર લગાવાતો રંગ), સ્તનાન્તરમ્ (બે સ્તનોની વચ્ચેનું સ્થાન). અંગ્રેજીમાં જે પ્રાણીઓની માદાએ બચ્ચાં ધાવીને મોટાં થયાં છે એ મેમાલ્સ કહેવાય છે. સ્તનને માટે મેડિકલ ભાષામાં ‘મેમ્મરી ગ્લેન્ડઝ’પણ વપરાય છે. નર અને માદા બંનેને સ્તન હોય છે, પણ 20 ડક્ટ્સ સર્જાય છે, અને સેક્સ હોર્મોન્સને કારણે માદા સ્તનમાં વૃદ્ધિ થાય છે. એ પછી પ્રકૃતિમાં એક અદ્દભુત પરિવર્તન આવે છે. સ્તનાગ્ર અથવા નીપલને શિશુ ચૂસે છે એમ દૂધનો સ્ત્રાવ થાય છે.

સ્તનમાં દૂધ પ્રકટવાની પ્રક્રિયા એ કુદરતનો એક કમાલ છે. ગર્ભાવસ્થાના ચોથા કે પાંચમા મહિનામાં શરીરમાં દૂધનો આવિર્ભાવ થાય છે. જે પ્રથમ દૂધસ્ત્રાવ થાય છે એ કોલોસ્ટ્રમ કહેવાય છે, જે નવજાત શિશુને પોષણ પૂરું પાડે છે. નવજાત શિશુને કોઈ ચેપ ન લાગી જાય એ માટેની પણ કુદરતી વ્યવસ્થા એમાં હોય છે. આરંભનું કોલોસ્ટ્રમ જાડું અને પીળાશ પડતું હોય છે. પ્રસવ પછી થોડા દિવસો સુધી કોલોસ્ટ્રમ આવતું રહે છે અને પછી દૂધ પાતળું પડી જાય છે, અને દૂધ એનો સફેદ રંગ પકડે છે. અહીં સર્જનહારનો બીજો કમાલ એ છે કે શિશુ જેટલું વધારે ધાવે એટલું વધારે ધાવણ આવતું રહે છે!

શિશુની ભૂખ પ્રમાણે પ્રકૃતિ એને માટે પોષણ પેદા કરતી રહે છે. ગર્ભાશયમાં આકાર લઈ લીધા પછીનું ગર્ભશિશુ ચૂસવાના નાના અવાજો કરતું રહે છે જે અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોથી નોંધી શકાય છે. પ્રસવ પછી અડધા કલાકથી એક કલાકની અંદર શિશુને સ્તનાગ્ર પર લગાવવામાં આવે છે ત્યારે ધાવવું એને માટે એક રિફ્લેક્ષ-એકશન હોય છે, એ શીખવવું પડતું નથી.

મનુષ્યમાદાના દૂધનો એટલે કે સ્તન્યનો કોઈ વિકલ્પ નથી. શિશુની વય વધતી જાય છે એમ એમ જરૂરિયાત પ્રમાણે એ દૂધની ક્વૉલિટીમાં પરિવર્તન આવતું જાય છે. આ દૂધ પચવામાં સૌથી સરળ છે. જે મહિલાઓ નોકરીપેશા છે, અથવા જેને વધારે કલાકો બહાર રહેવું પડે છે, એમને માટે દૂધ કાઢીને, સાચવીને રાખવાની પણ એક વિધિ છે, અને અંગ્રેજીમાં એને ‘એક્ષપ્રેસ્ડ બ્રેસ્ટ મિલ્ક’ કહેવાય છે.

દુબઈની ડૉક્ટર કામિની નાયક આ વિશે સલાહ આપે છે. કર્મચારી માતાએ પોતાની નોકરી કે પેશા પર ફરીથી જોડાતાં પહેલાં પંદર દિવસ આગળ આ સ્તન્ય (દૂધ)ને કેવી રીતે ‘એક્સપ્રેસ’ કરવું એ શીખી લેવું જોઈએ. આમાં બ્રેસ્ટ પમ્પથી દૂધ કાઢીને બહારના ઉષ્ણતામાન પ્રમાણે 8 કલાક, ફ્રિજમાં 72 કલાક અને ફ્રિઝરમાં 1 માસ કે વધારે રાખી શકાય છે. પણ શિશુને પાતાં પહેલાં આ દૂધના વાસણને ગરમ પાણીમાં ઊભું રાખીને શરીરની ગરમી સુધી લાવવું જોઈએ. કેટલાક દેશોમાં સ્તનપાન વિશે વર્ગો ચાલતા હોય છે, જેમાં પ્રસવ-વિશેષજ્ઞો પ્રવચનો આપીને ગર્ભવતી સ્ત્રીઓને આ વિષય સમજાવતા હોય છે.

મનુષ્યમાદાનું દૂધ પચવામાં બહુ જ આસાન હોવાને કારણે ક્યારેક આ દૂધનો વિચિત્ર ઉપયોગ થતો હોય છે. જ્હોન ડી. રોકફલેર અમેરિકન ધનાઢ્ય હતો અને તેની ગણના વિશ્વના સૌથી ધનિક માણસોમાં થતી હતી. એને જગતભરમાં એના વ્યવસાય માટે ફરવું પડતું હતું. પણ એની એક તકલીફ હતી. વિશ્વના સૌથી તવંગર માણસોમાંના એક રોકફ્લેરની પાચનશક્તિ એટલી ખલાસ થઈ ગઈ હતી કે એ લગભગ મનુષ્યમાદાના દૂધ પર જ જીવી શકતો હતો! એ જ્યારે જ્યારે અમેરિકાની બહાર અન્ય દેશોમાં જતો ત્યારે આગળથી એક ટીમ એ દેશ કે શહેરમાં રવાના કરવામાં આવતી જે નવજાત શિશુઓની માતાઓને શોધી કાઢતી અને એમના દૂધ દ્વારા રોકફલેરને ‘આહાર’ મળી રહેતો! રોકફલેરને વધારે હોંગકોંગ જવું પડતું હતું.

2003ના વર્ષમાં ચીનના દક્ષિણ હૂનાન પ્રાંતના ચાંગશા શહેરમાં એક રેસ્તરોંએ મનુષ્યમાદાના દૂધની વાનગીઓ બનાવી હતી જેને માટે ગ્રામીણ ખેડૂત સ્ત્રીઓનું દૂધ એકત્ર કરવામાં આવ્યું હતું. એ પછી 108 ડિશોની મોટી જયાફતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વાનગી અને વ્યંજન મનુષ્યમાદાના દૂધની બનવાની હતી પણ છાપાઓમાં આનો વિરોધ થયો, લોકો વીફર્યા અને રેસ્તરોંને આ જયાફતનું આયોજન બંધ કરવું પડ્યું.

પશ્ચિમમાં સ્ત્રીના શરીરના સૌંદર્યીકરણનો એક વિરાટ ઉદ્યોગ ખૂલી ગયો છે. નાક અને જડબાના આકારો બદલી શકાય છે, આંખો અને નાભિને વધારે આકર્ષક બનાવી શકાય છે. પગની પિંડી જાડી હોય તો અંદર નર્વ કાપી નાંખવામાં આવે છે કે જેથી એ પિંડીનો સ્નાયુ સુકાઈને નાનો થઈ જાય છે. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે, કપાળ પર ચાંદલો કરવાની જગ્યાએ, બે આંખોની વચ્ચે, અને જરા ઉપર, એવું ઇંજેકશન આપવામાં આવે છે જેથી ચહેરાના સ્નાયુઓને હલકો પક્ષાઘાત થાય છે અને એ માંસ સખ્ત થઈ જવાથી કરચલીઓ ગાયબ થઈ શકે છે, અને આ પ્રકારના સૌંદર્યીકરણના પ્રયોગોમાં ‘બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ’ અથવા સ્તનવૃદ્ધિનાં ઑપરેશનો સૌથી વધારે થાય છે.

નાનાં સ્તનને મોટાં કરવા માટે ઈમ્પ્લાન્ટનાં ઑપરેશનો થાય છે. આ ઈમ્પ્લાન્ટ એટલે બહારના કોઈ દ્રવ્યને અંદર પ્રવેશ કરાવવો. ડૉક્ટરો સમજાવે છે કે આ ઈમ્પ્લાન્ટ બહુ જ મુલાયમ હોય છે, પ્લાસ્ટિકની કોથળીમાં પાણી ભર્યું હોય એમ એ અસ્થિર થતું રહે છે. સ્તનની પાછળ આ ઈમ્પ્લાન્ટ ગોઠવવામાં આવે છે, જેમાં મુખ્યતઃ એક સેલાઈન હોય છે, બીજું સિલિકોન હોય છે. સ્તન એ સ્નાયુ નથી, પણ ગ્લેન્ડ્રઝ અને ચરબીના ટિશ્યુનું બનેલું છે, જે એક વાર પોતાની સખ્તાઈ છોડે છે પછી પ્રાકૃતિક રીતે સખ્ત થઈ શકતું નથી. પણ વિજ્ઞાન ભગવાનની આ ભૂલને સુધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે! ઈમ્પ્લાન્ટ મૂકવા માટે સ્તનની નીચે કાપો મુકાય છે અથવા બગલમાં કાપો મુકાય છે. આ કાપો અદૃશ્ય રહે એ બહુ જરૂરી હોય છે. વૈજ્ઞાનિક જ્યાં અટકે છે ત્યાં ઉદ્યોગનો તાંત્રિક બાજી હાથમાં લઈ લે છે. બ્રેઝિયર કંપનીઓ એવાં બ્રેઝિયરો બનાવે છે જેના નીચેના ગોળાર્ધમાં એવાં ખાસ પેડ ફિટ કર્યા હોય છે કે ઢળતી ઉંમરમાં પણ સ્ત્રીમાં આત્મવિશ્વાસ પ્રકટી શકે છે.

પૃથ્વી પર મનુષ્યના શિશુરૂપે આગમન પછી એનો પ્રથમ સંસ્પર્શ માતાના સ્તન સાથે થાય છે. હિંદુસ્તાનની 100 કરોડની વસતિમાં 50 કરોડ સ્ત્રીઓ છે, જેમનાં 100 કરોડ સ્તનો છે અને જન્મની ક્ષણથી મૃત્યુના અંતિમ કલાકો સુધી મનુષ્ય આ સ્તનને જોતો રહે છે. મનુષ્યમાદાના પગ કે કાન કે આંગળીઓ માટે કુદરતે નરમાં આ જીવલેણ આકર્ષણ મૂક્યું નથી, જેટલું સ્તન તરફ છે. 50, 60, 70 વર્ષો સુધી આ ઉપાંગોને જોવા છતાં નરની આ ઉપાંગને જોવાની, જોયા કરવાની અદમ્ય વૃત્તિ માટે શરીરની કઈ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે? સ્તન નરની મનઃસ્થિતિમાં કયું સ્પંદન, કયો ચાર્જ, કયું ચેઈન-રિએકશન, કઈ કાતિલ કશિશ પેદા કરી શકે છે? સમજાતું નથી....

ક્લૉઝ અપ :

મનુષ્યનું સર્જન જીવનને સમજવા માટે થયું નથી, જીવવા માટે થયું છે.

- જ્યોર્જ સન્ટાયન

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.