લોકશાહી સાળાના સાળાના સાળા સુધી પહોંચવી જોઈએ!

16 Feb, 2018
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: khabarchhe.com

એક જમાનામાં સગાવાદ કે ભઈભત્રીજાવાદ ભ્રષ્ટાચાર ગણાતો હતો. આજે હવે આપણે જ નેતાઓનાં સગાંઓની ગણતરી કરીને થાકી ગયા છીએ! દીકરો, જમાઈ, ભાઈ, પત્ની બધા જ રાજનેતા બની શકે છે. વેશ્યા, ઈલેક્ટ્રિક મિસ્ત્રી, ડૉક્ટર, મોટર મિકેનિક, અણુ વૈજ્ઞાનિક જલ્લાદ... દરેકને પરમિટ કે લાઈસન્સ કે અમુક લઘુત્તમ ઉપાધિ હોવી જરૂરી છે પણ દેશનેતા થવા માટે કોઈ ડિગ્રી કે લાઈસન્સની જરૂર નથી. એકાદ સગો રાજકારણમાં હોય તો ઠીક રહે છે. પાછળનો દરવાજો ખુલ્લો હોય તો ઘૂસવામાં સહૂલિયત રહે છે...

મોરારજીના પુત્ર કાન્તિ, લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હરિ, જગજીવનરામના પુત્ર સુરેશ રામ, વી.વી. ગિરિના પુત્ર શંકરગિરિ કે પછી ખફરૂદ્દીન અલી અહમદની પત્ની કે ઝાકિરહુસેનના જમાઈ હવે જૂના થઈ ગયા. ઇંદિરાજીના સંજય અને રાજીવ વિશે હવે એવું લખવું બંધ થયું છે. મુંબઈના એક ગુજરાતી સમાચારપત્રના તંત્રી રાજીવ માટે આખું નામ ‘રાજીવ લોચન’ લખે છે જે ખોટું છે. રાજીવનું મૂળ નામ ‘રાજીવ રત્ન’ છે અને નામ કોંગ્રેસના તત્કાલીન મહામંત્રી શંકરરાવ દેવે પાડ્યું હતું. આની પાછળ અર્થ પણ હતો! ‘રત્ન’ એટલે જવાહર અને ‘રાજીવ’ એટલે કમળ (કે કમલા)! કમલા નેહરુ અને જવાહરલાલ નહેરુનાં નામોનું સંયોજન કરીને એમના પ્રથમ પૌત્રનું નામ પાડવામાં આવ્યું હતું.

ભારતના રાજકારણમાં બેટાવાદ કે ભાઈચારાનાં દ્રષ્ટાંતો ગણાવા બેસીને તો ગાંડા થઈ જઈએ. હવે આ પ્રેમ ભાઈ કે બેટા સુધી સીમિત રહ્યો નથી. ચરણસિંહ અને બહુગુણાની પત્નીઓ પણ સંસદસભ્યો હતી! 1980માં ટિકિટો વહેંચી ત્યારે કોને કોને મળી હતી? કમલાપતિ ત્રિપાઠીના પુત્ર અને જમાઈ, રાજેન્દ્રકુમાર બાજપેયીના પુત્ર શાલિગ્રામ જયસ્વાલના પુત્ર, દિનેશસિંહના ત્રણ સગાઓ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર ઈસ્લામ એહમદના પુત્ર, મોહસીના કિદવઈના બનેવી, બિહારના અનંદપ્રસાદ શર્માના ભાઈ, કેદાર પાંડેની પત્ની. રામદુલાર સિન્હાના પુત્ર... આ સૂચિ અહીં જ અટકતી નથી. જો આટલાથી જ આશ્ચર્ય થઈ શકતું હોય તો નમ્રતાપૂર્વક કહેવું પડશે કે આપણે હજી બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી જ આવ્યા છીએ. હજી આપણે હરિયાણા પહોંચ્યા નથી!

ભારતીય લોકશાહીને સમજવી હોય તો બે વસ્તુઓને સમજવી પડશે : હરિયાણા અને અબ્દુલ રહમાન અંતુલે! ભારતીય લોકશાહી જ આ બે વસ્તુઓ પેદા કરી શકે...

હરિયાણામાં મુખ્યમંત્રી ભજનલાલ પાસે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટોમાંથી પ્લોટ આપવાનો મુખ્યમંત્રીનો ખાસ ક્વોટા છે. આ ક્વૉટામાંથી જેમને મુખ્યમંત્રીએ પ્લોટ ફાળવ્યા એમાંનાં થોડાં નામો અને એમનાં સંબંધો : પત્ની જસમા દેવી, પુત્રી રોશનદેવી, પુત્રી રોશનીદેવીની સાસુ વિભાદેવી, ભાઈ માનફૂલનો પુત્ર દ્વારકા, ભજનલાલના મામાનો છોકરો હનુમાન, ભજનલાલનો સાળો સુરજા, ભજનલાલનો દાણાના જથ્થાબંધ ધંધામાં ભાગીદાર પોખરમલ, ભાગીરદાર પોખરમલનો જમાઈ અચિંતરામ, ભાગીદાર પોખરમલની પુત્રવધૂ રાજબાલા, ભજનલાલના સાળા સુરજાનો સગો અને ભજનલાલનો જૂનો ખાનગી કારભારી જયપ્રકાશ, ભજનલાલના સાળા સુરજાના સગા જયપ્રકાશનો સાળો આત્મારામ બિશ્નોઈ, ભજનલાલના બેટાઓ જે સ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલના હેડમાસ્તર, ભજનલાલના મિત્ર શિવકુમાર શર્મા...

અને અંતે ભજનલાલ ખુદ! મુખ્યમંત્રીના ખાસ ક્વૉટામાંથી એક પ્લોટ મુખ્યમંત્રીએ પોતે જ પોતાને આપી દીધો હતો...!

આપણા માધવસિંહ સોલંકી, પ્રબોધ રાવળ, સનત મહેતા વગેરે વગેરે મંત્રીઓએ જમાઈવાદ, ભાઈવાદ, સાળાવાદ, સાળાના સાળાના સાળાનો સાળાવાદ વગેરે વગેરે વગેરે વિદ્યાઓમાં હવે પારંગત થઈ જવું જોઈએ!

અને આપણે સગાવાદની બીજી પેઢી અને એની સમસ્યાઓ સુધી આવી પહોંચ્યા છીએ. આપણો ભાઈ-ભદ્રીજાવાદ પણ હવે બીજી ત્રીજી પેઢી પર આવીને પુખ્ત બની ગયો છે. હવે રાજકારણમાં એલ્જિબ્રાની ફોર્મ્યુલા વાપરવી પડે એ દિવસો પણ આવશે. કાશ્મીરને જ જોઈએ! શેરે કાશ્મીર શેખ મહંમદ અબ્દુલ્લા હતા. એમના જ્યેષ્ઠ બેટા. ડૉ. ફારૂક અબ્દુલ્લા એમના પછી ગાદીના વારસદાર બન્યા. અબ્દુલ્લાની વિધવા બેગમે ફારૂકનો પક્ષ લીધો. બીજા દીકરા તારીક અબ્દુલ્લા ગાદીના હકદાર તરીકે દાવો કરવા આપી ગયા. એમના પક્ષમાં શેખ અબ્દુલ્લાની બેટી અને જમાઈ ગુલમોહમ્મદ શાહ આવી ગયા. આ દરેકને એલ્જિબ્રાની એક એક સંજ્ઞા લગાવી દો તો દાખલો ઘણો સરળ થઈ જાય...

શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના સર્વોચ્ચ નેતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સિરિમાવો ભંડાર નાયકોને પણ આવી જ ચિંતા છે. પતિ સોલોમન વેસ્ટ રીજ ડાયઝ ભંડારનાયકે પ્રધાનમંત્રી હતા, એમનું ખૂન થઈ ગયું. એટલે સિરિમાવો પ્રધાનમંત્રી બની. પછી એમના બેટા અનુરા ભંડારનાયકે ને પ્રધાનમંત્રી બનાવવા તૈયાર કર્યો... અને જમાઈ વિજયકુમાર ટુંગેએ બળવો કર્યો! પુત્ર અને જમાઈ વચ્ચેનો ઝઘડો એ શ્રીલંકાની રાજનીતિનો નવો ખેલ છે! ભારતનું સદ્દભાગ્ય છે કે શ્રીમતી ઇંદિરા ગાંધીને પુત્રી નથી અને જમાઈ નથી નહીં તો... કંઈક જુદી જ ઇંદિરાલીલા રમાતી હોત!

સગાઓના જંગલમાં કદાચ સૌથી સુખી એક બેટીના બાપ લાગે છે! પરિવારમાં બેટીનું સ્થાન ઋતુઓમાં વસંત જેવું છે. વસંતદાદા પાટિલની પુત્રી ઉચ્ચકક્ષાની ભારતનાટ્યમ્ નર્તકી છે. બીજુ પટનાયકની પુત્રી ગીતા મહેતા ઇંગ્લેંડાં સ્થાયી થઈ ગઈ છે અને અંગ્રેજીમાં લેખિકા છે. આપા પંતની પુત્રી ડૉ. અદિતિ પંત દક્ષિણ ધ્રુવ ગયેલા ભારતીય વૈજ્ઞાનિક મંડળની બે સ્ત્રી વૈજ્ઞાનિકોમાંની એક સ્ત્રી હતી. ઝૈલસિંહની બેટી હોમિયોપથિક ડૉક્ટર છે : સોવેયિત રશિયાના પ્રથમ નેતા ચેરનેન્કોને એક જ બેટી છે. ડૉ. હેલેના ચેરનેસ્કોને, જે દસ વર્ષથી સિનિયર રીસર્ચ વૈજ્ઞાનિક છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રુમેનની એક પુત્રી માર્ગારેટ ટ્રુમેન સરસ પિયાનો-વાદક હતી. અને જવાહરલાલ નહેરુને પણ એક જ બેટી હતી. ઇંદિરા પ્રિયદર્શની!

એક બેટીના પિતા મને હંમેશાં સુખી લાગ્યા છે. હિન્દી લેખક કમલેશ્વરને એક જ પુત્રી છે. અને ગુજરાતી ભાષામાં આજે બે જ મહાન હાસ્યલેખકો છે અને એ બંનેને એક એક પુત્રી જ છે. બકુલ ત્રિપાઠી અને તારક મહેતા અને જેવા સાદા સુખી સંતોષી નરો ગુજરાતી સાહિત્યના મંડીઓ અને ગુજરાતીઓ બહુ ઓછા જોવા મળે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.