ચૂંટણીમાં રિંગિંગ અથવા ગોલમાલ : બંદૂક લઈને વોટ આપવા જવું પડશે?
વી.પી. ધ સિંહની જીત થઈ છે. કોંગ્રેસ અને વિપક્ષોની એક જીવલેણ દંગલ શરૂ થઈ ચૂકી છે. ડિસેમ્બર 1989ના અંત તરફ આખરી કશ્મકશ થઈ જશે. પણ એ પહેલાં હજી 11 લોકસભા અને 18 વિધાનસભાની સીટો માટે મુકાબલા બાકી છે. જંગનું નિશાન બંને તરફ ચડી ચૂક્યું છે! વી.પી., ધ સિંહ,ના વિજયે કેન્દ્રના પ્રધાનમંડળને જંકયાર્ડ બનાવી દીધું છે. તૂટેલા, ફાટેલા, ખખડેલા બગડેલા મુખ્ય પ્રધાનોનું કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કોંગ્રેસી ટોળાંઓમાં ભાગદોડ થઈ જાય એ સમજી શકાય એવું છે. દોઢ વર્ષ પછી નિર્વાચન આવી રહ્યું છે અને આ વખતનું મધ્યસત્ર નિર્વાચન સત્તારૂઢ પક્ષનું એક નવું શસ્ત્ર બહાર લાવ્યું છે : રિંગિંગ અથવા ગોલમાલ! હવે જે ચૂંટણીઓ થશે એ માત્ર મતદાનથી નહીં જીતી શકાય, માત્ર ફેંકાફેંક પૈસાથી નહીં જીતી શકાય, દરેક પક્ષે પોતાના મસલમેન કે પહેલવાનો રાખવા પડશે અને નિર્વાચન થઈ ગયા પછી મતપેટીઓ પર ભરેલી બંદૂકો લઈને પહેરેગીરો ગોઠવવા પડશે. અલ્હાબાદમાં રાતભર જાગીને હજારો મતદાતાઓએ જે રીતે રક્ષણ કર્યું છે એમ રક્ષણ કરવું પડશે.
ફિલિપિન્સમાં માર્કોસે, બાંગ્લાદેશમાં ઈર્શાદે પાકિસ્તાનમાં ભુટ્ટોએ મોટા પાયે ગોલમાલ કરાવ્યો હતો. આ વખતે હિંદુસ્તાનમાં જૂન 1988ના મધ્યસત્ર ચનાવમાં જબરદસ્ત રિંગિંગ થયું છે. કોંગ્રેસના રક્ષા રાજ્યપ્રધાન સંતોષ મોહન દેવે કહ્યું કે અલ્હાબાદમાં વી.પી.સિંહે ગોલમાલ કરાવ્યો. મોટા ભાગે ગોલમાલ કરાવ્યો નહીં તો એ ફક્ત 20,000 વોટથી જ જીતી શકત! દેવના કહેવા પ્રમાણે સિંહના 70,000 વોટ રિંગિંગના વોટ હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ફરીદાબાદ અને તાઓરુમાં દેવીલાલના લોકદળે ગોલમાલ કર્યો છે. ઉધમપુરમાં વિપક્ષોના ભીમસિંહે કોંગ્રેસીઓ પર રિંગિંગના આરોપો મૂક્યા જે નિર્વાચન આયોગે સ્વીકારી લીધા. મધ્યપ્રદેશના ખરસિયામાં અર્જુનસિંહને એટલા બધા વોટ મળ્યા છે કે વિપક્ષોને ગોલમાલની વાસ આવ્યા કરે છે.
મધ્યપ્રદેશનું ખરસિયા, જ્યાં મુખ્યપ્રધાન અર્જુનસિંહ કોંગ્રેસી ઉમેદવાર હતાં. મતદાન થયું : 87.82 ટકા (અલ્હાબાદથી 18 ટકા વધારે). આ વિસ્તારમાં 51 ટકા પછાત વર્ગો, 29 ટકા આદિવાસીઓ, 12 ટકા હરિજનો છે. કુલ 95729 મતોમાંથી 84153 વોટ મતપેટીઓમાં પડ્યા! નિર્વાચન આયોગનો કાયદો છે કે જ્યાં 90 ટકા મતદાન થયા ત્યાં એ મતદાન ખોટું છે એમ સમજવું. 1972માં મતદાન 50 ટકા હતું. 1977ના જનતાપક્ષ જુવાળ વખતે મતદાન 55 ટકા હતું. 1984માં મતદાન 48 ટકા હતું. આ વખતે મધ્યસત્ર ચૂંટણી હોવા છતાં 88 ટકા મતદાન થયું! દક્ષિણ અમેરિકાના મિલિટરી શાસકો, સ્તાલિનનું રશિયા, જમાલ અબ્દેલ નાસરનું જિપ્ત, આફ્રિકાના જુલ્મી સરમુખત્યારો, નાઝી આપખુદોમાં મતદાનનું આવું પ્રમાણ હોય છે. પશ્ચિમ યુરોપ, ઇંગ્લેંડ, અમેરિકા જ્યાં આપણી જેમ મતદાતા માટે ફરજિયાત મતદાન નથી. 90 ટકા જેટલું મતદાન ક્યારેય થતું નથી! ઇંગ્લેન્ડ-અમેરિકા-યુરોપમાં પછાત વર્ગો, આદિવાસીઓ, હરિજનો નથી. કોઈ પછાત નથી. બધા જ અગ્રસર છે અને શિક્ષિતને જ મતાધિકાર છે.
1984માં કોંગ્રેસ 22000 વોટથી જીતી હતી, જ્યારે મતદાન 48 ટકા હતું. જ્યારે 1988માં કોંગ્રેસ ફક્ટ 9000 વોટથી જીતી છે જ્યારે મતદાન 88 ટકા થયું છે! જીવનમાં કોઈ પણ ઉંમર વિસ્મય માટે નાની નથી...! ખરસિયામાં આંગળી પર ટપકું કરવા માટેની શાહી બદલવામાં આવી હતી અને એ માટે કારણ અપાયું હતું કે પહેલાંની શાહીમાં દોષ હતો.
જમ્મુ અને કાશ્મીરનું ઉધમપુર, કોંગ્રેસના અય્યુબ ખાન વિરુદ્ધ વિપક્ષોના સંયુક્ત ઉમેદવાર ભીમસિંહ, નિર્વાચનના ગોલમાલો માટે કાશ્મીર પ્રથમથી જ બદનામ છે. ઉધમપુરમાં ભીમસિંહની 32000 વોટની સરસાઈ હતી. પછી બનિહાલ અને ગુલ-ગુલાબગઢ વિસ્તારોની મતગણતરી થઈ. ભીમસિંહની સરસાઈ ફક્ત 2229 વોટની રહી ગઈ અને 3523 વોટોની ગણતરી હજી બાકી હતી!
ઉધમપુર શાસક પક્ષના ચૂંટણી ગોલમાલનો અને ભવિષ્યના ભયસ્થાનનો એક પ્રતીક નમૂનો છે. ઉધમપુરમાં 50 ટકાથી ઓછું મતદાન થયું છે, પણઆ બે દૂર દૂર ફેંકાયેલા પર્વતીય વિસ્તારોમાં કોંગ્રેસી અય્યુબખાનને 91 ટકાથી વધારે વોટ મળે છે! એક કેન્દ્રમાં કુલ મતદાનનું 95 ટકા મતદાન કોંગ્રેસના પક્ષમાં જાય છે! એક મતપેટીમાં 300 મતપત્રકો સમાઈ શકે છે પણ ઉધમપુરમાં આ દૂરદરાઝના પહાડી ઈલાકાની એક મતપેટીમાં 1139 મતો નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસી અય્યુબખાન માટેનો આ અગાધ જનપ્રેમ વૈજ્ઞાનિક તર્કથી સમજાવતો કઠિન છે, કારણ કે 1977નાં નિર્વાચનમાં આજ અય્યુબકાને અહીં પોતાની જમાનત ખોઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે અહીંનું મતદાન 45 ટકા હતું. અન્યત્ર દરેક વિભાગમાં મતદાન 50 ટકાથી નીચે હતું અને ઘણાખરા મત ભીમસિંહને ગયા હતા. કોંગ્રેસના પક્ષમાં પડેલા ઘણા મતોની પાછળ રિટર્નિંગ ઑફિસરની સહી ન હતી. ભીમસિંહનો આગ્રહ હતો કે કાઉન્ટરફોઈલો નહીં બતાવો ત્યાં સુધી હું મતગણતરી નહીં થવા દઉં! એક સૂચક વાત એ હતી કે આ બે વિસ્તારોથી મતપેટીઓ ચૂંટણી પછી ત્રણ દિવસ બાદ ગણતરી કેન્દ્ર પર આવી હતી અને ગણતરી શરૂ થયે કલાકો વીતી ગયા પછી આ પેટીઓ પહોંચી હતી.
ચૂંટણી આયોગ અહીં અમુક વિસ્તારોમાં જ પુનઃનિર્વાચન કરાવવા માંગે છે જ્યારે ફરીદાબાદમાં 161 મતદાન કેન્દ્રોમાં પુનઃનિર્વાચન કરાવવાનું આગ્રહી છે. આ લખાય છે ત્યારે (જૂન 27, 1988) વિપક્ષો પુરા ઉધમપુર વિસ્તારમાં ફરીથી મતગણના માગે છે. ચૂંટણીમાં આયોગ કોંગ્રેસ તરફી ઝોક બતાવી રહ્યું છે એવો વિપક્ષોનો અભિયોગ અંશતઃ સાચો છે અને એ આ નિર્વાચનની કરુણતા છે, એક ખતરનાક કરુણતા છે. ભીમસિંહે કહ્યું છે, હું ગાંધીનો અનુયાયી નથી. હું નેતાજી સુભાષ બોઝનો અનુયાયી છું... જ્યારે તમે બેલટ (વોટ)થી નિર્ણય લાવવા માંગતા નથી તો પછી બુલેટ (બંદૂકની ગોળી) જ નિર્ણય લાવશે...
જ્યારે ચૂંટણી આયોગની વિશ્વસનીયતા ખતમ થવા લાગે, જ્યારે શાસકોને આટલા બધા ગોલમાલ કરવાની જરૂર પડી જાય ત્યારે લોકશાહી શબ્દ અર્થહીન નહીં પણ અનર્થહીન બની જવાનો ભય છે. આ વખતે કેટલીક ઘટનાઓ નોંધપત્ર છે. રાજીવ ગાંધી, બહાનાં બતાવીને પેટા ચૂંટણીઓ મોકૂફ રાખતા હતા. ઉત્તર ભારતમાં સખત ઠંડી છે. પછી સખત ગરમી હતી. પછી મુસ્લિમ ભાઈઓનો પવિત્ર રમજાન મહિનો આવી ગયો અને મુસ્લિમ ભાઈઓને મતદાનમાં કષ્ટ પડે માટે જાહેર કરેલી તારીખો ફેરવવામાં આવી. પછી સરકારી કર્મચારીઓની હડતાળની વાત આવી. અંતે ચોઘડિયું, વાર નીકળ્યાં. છેલ્લી ઘડીએ સસ્પેન્સ ફિલ્મની જેમ સુનીલ શાસ્ત્રી ગોઠવાયા અને બચ્ચન અમિતાભ રણભૂમિ છોડીને ભાગી છૂટ્યો. કોંગ્રેસના લગભગ બધા જ જવાબદાર નેતાઓએ વી.પી.સિંહ માટે લગભગ ગુંડાગર્દીની ભાષા વાપરી : દેશદ્રોહી, ટ્રેઈટર, મીરજાફર, દસ મોઢાવાળો રાવણ, દગાબાજનું ખૂન વગેરે વગેરે.
અલ્હાબાદનું નિર્વાચનમાં 68 ઉમેદવારો ઊભાહતા. જેમાંથી 65 અપક્ષ હતા. એક અપક્ષ હતા. એક અપક્ષ ઉમેદવાર રામ નિજહવાન પર 31મીં મેએ હુમલો કરવામાં આવ્યો. એ બચી ગયો. જો એ મરી ગયો હોત તો આખી પેટાચૂંટણીમાં મુલતવી રાખવી પડત. ‘ઑર્ગનાઈઝર’ સાપ્તાહિકમાં લાલકૃષ્ણ અડવાનીએ આ પ્રશ્નનું પૃથક્કરણ કર્યું છે. જો કોઈ એક ઉમેદવાર મરી જાય તો ચૂંટણીમાં વિલંબ કરી શકાય છે. 1985માં પંજાબની વિધાનસભા માટેની ચૂંટણી વખતે એક ઓર્ડિનન્સ કે અધ્યાદેશ જારી કરવામાં આવ્યો હતો. એ વખતે ત્રાસવાદીઓ ઉમેદવારોને ઉડાવી દેતા હતા. આ અધ્યાદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અધિકૃત રાજકીય પક્ષોના ઉમેદવારોમાંથી જો કોઈની હત્યા થશે તો જ એ ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે, પણ જો કોઈ અપક્ષ ઉમેદવારની હત્યા થશે તો એનાથી ચૂંટણીમાં વિલંબ નહીં થાય અને દરેક રાજકીય પક્ષના ઉમેદવારને સલામતી રક્ષકો આપવામાં આવ્યા હતા. પણ આ ઓર્ડિનન્સની અવધિ પૂરી થઈ પછી એને અખિલ ભારતીય ધોરણે સજીવ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ નહીં.
કોંગ્રેસને ખબર પડી ગઈ હતી કે આ વખતે વી.પી.સિંહ અને વિપક્ષો જીતી જશે એટલે એક વાત વહેતી કરવામાં આવી કે કોઈપણ બાયઈલેકશન કે ઉપ-નિર્વાચન કે પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી ભાગ લેતા નથી અને પ્રવચનો આપતા નથી. આ નિયમના સમર્થનરૂપે રાજીવગાંધી રણભૂમિથી દૂર રહ્યા અને અલ્હાબાદ આવ્યા નહીં. પણ આ વાત તદ્દન સાચી નથી. 1972માં ગઢવાલમાં હેમવતી નંદન બહુગુણાનું નિર્વાચન થઈ ગયા પછી રદ થયું હતું અને પુનનિર્વાચન કરવું પડ્યું હતું. એ એક પેટાચૂંટણી હતી અને શ્રીમતી ગાંધીએ એ અલિખિત નિયમ તોડ્યો હતો અને એ ગઢવાલ જઈને પ્રવચનો કરી આવ્યાં હતાં. નહેરુ વંશ જે કરે છે એ કાયદો ચે. શ્રીમતી ગાંધી એમની રીતે અને રાજીવ ગાંધી એમની રીતે અર્થઘટન કરે છે.
કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં એક નવું પ્રતિમાન સ્થાપ્યું. અલ્હાબાદના નિર્વાચનની લગભગ પૂર્વસંધ્યાએ એમનાં પાળેલાં પત્રોમાં લોકમત કોના પક્ષમાં છે એના વરતારા છાપવા માંડ્યા. જૂન 12ના ‘સન્ડે’માં અને જૂન 16ના ‘ટેલિગ્રાફ’માં આગાહીઓ પ્રકટ થઈ ગઈ : વી.પી. સિંહ બહુ જ પાછળ છે... હારી જશે... સુનીલ શાસ્ત્રી આગળ છે... જીતી જશે! આ આગાહીઓ દિલ્હીથી ફીડ કરવામાં આવી હતી. કારણ કે પાળેલા કોંગ્રેસી તંત્રીઓમાં એમ.જે.અકબરનો નંબર ઉપર છે. આ દેશમાં સરકારી તંત્રીઓ અને સરકારી પત્રકારો દરેક ભાષામાં છે, રાજીવ ગાંધીના ખવાસ તરીકે પાછળ પાછળ ફરનારા ગુજરાતી તંત્રીઓ-પત્રકારોની કલમ માટેની નમકહલાલી કે નમકહરામી એ બીજો વિષય છે. પણ આ આવું અભિયાન એવી હવા ઊભી કરવા માટે થયું હતું કે કોંગ્રેસનો સિતારો અલ્હાબાદમાં તેજ છે અને વૈજ્ઞાનિક મતગણના અથવા પેલના લિબાસમાં આ બધું પેશ કરવામાં આવ્યું હતું.
વિનાશકાળે વિપરીત બુદ્ધિવાળો શ્લોક આવા પ્રસંગો માટે લખાયો હશે? અલ્હાબાદને 80 કરોડ ઑફર થયા. પ્રલોભનો, અનુદાનો, લહાણીઓ, સખાવતો, દક્ષિણાઓ દસે હાથોથી દસે દિશાઓમાં ફેંકવામાં આવ્યા. રાજસ્થાનમાં અકાલગ્રસ્ત વિસ્તારના 60,000 મજદૂરોને એકાએક જૂના પગારો એકસાથે અપાઈ ગયા. બીજા 16,000 મજદૂરોને જૂન 30 સુધીની મજૂરીના પૈસા એડવાન્સમાં આપી દીધા. આખું ઉત્તર પ્રદેશનું પ્રધાનમંડળ અને 15 કેન્દ્રીય પ્રધાનોની ફોજ વી.પી.સિંહને ઝબ્બે કરવા છૂટી ગઈ, લગભગ ધામા નાખીને પ્રયાગના તીર્થસ્થાનમાં બેસી ગઈ. બુડાપેસ્ટમાં રાજીવ ગાંધી કહ્યું કે ગમે તે કિંમતે... અલ્હાબાદ જીતીશું!
‘ગમે તે કિંમતે એટલે’? ટેલિવિઝનની નૌટંકી ‘રામાયણ’ના રામ, નટ અરુણ ગોવિલને છોડી મૂકવામાં આવ્યો. કોંગ્રેસી લીડર અશોક બાજપાયીએ કહ્યું : આ ધર્મયુદ્ધ છે, રામ અને મૌલાના રાજ બબ્બર વચ્ચે (રાજ બબ્બરની પત્ની નદિરા મુસ્લિમ છે કે હતી. હિન્દી ફિલ્મી નટોની લેટેસ્ટ ધર્મપત્ની કે અધર્મપત્ની કોણ છે એનો ટ્રેક-રેકર્ડ રાખવા માટે મિલ્ખા સિંઘ કે પી.ટી. ઉષા જેટલી ઝડપ જોઈએ!) બીજી તરફ નામીચા તમંચાબાજ ગુંડાઓને છોડવામાં આવ્યા. ઉત્તર પ્રદેશનો એક હૂડ (અમેરિકન શબ્દ, ગુંડા માટે અમેરિકનો કોમિક શબ્દો વાપરે છે : હૂડ ! અથવા ગુન ! કદાચ આ ‘ગુન’ શબ્દ આપણે ત્યાંથી એક્સપોર્ટ થયો છે, ગુન્ડા પરથી.) ... હા, તો આ હૂડ મુખલ મહારાજ મતદાન કેન્દ્રો કબજે કરવાનો એક્સપર્ટ હતો. એક પત્રે વર્ણ કર્યું છે : હૂડ મુખલ અને એના ગુન્સ બંદૂકો – તમંચાઓ લઈને આવ્યા. પોલિંગ એજન્ટ ભાગ્યા. હવામાં વાર થયા, પુલિસ ભાગ્યા, મતદાતાઓ ભાગ્યા, ફક્ત પોલિંગ ઑફિસરને ગુન્સે રોકી રાખ્યો (મતપત્રકોની પાછળ એ મૂઆની સહી જોઈએ). થપ્પા પડ્યા, મતપેટી ભરાઈ ગઈ, હૂડ એની ગેંગ લઈને જીપોમાં ભાગી ગયો, પછી બધા પાછા આવ્યા, ખેલ પતી ગયો. પણ એ પછી કોઈ જ મતદાતા મત નાખવા આવ્યો નહીં ! ભયનું વાતાવરણ સ્ત્રી-મતદાતાઓને સૌ પ્રથમ ભગાડી મૂકે છે.
ભારતીય લોકશાહીનું આ બહુ મોટું યોગદાન છે. એને બુથ-કેપ્ચરિંગ અથવા મતદાન કેન્દ્ર કબજો કહેવાય છે!
અને આ બધું થઈ ગયા પછી પણ મતદાન કેન્દ્રો પર મતપેટીઓની હિફાઝત કરતા જાગતા રહેવું પડે છે. ભરેલી પેટીઓ બદલાઈ ન જાય એ વિશે સતર્ક રહેવું પડે છે. મધ્યપ્રદેશમાં ભાજપના નેતા પટવા મતદાન થયા પછી નિરાંતથી પાછા ઘરે આવી ગયા હતા, જ્યારે અર્જુનસિંહ ત્યાં જ રહ્યા હતા. વી.પી.સિંહે પોતાની સહી અલગ અલગ ભાષાઓમાં કરીને, નંબરવાર પર્ચી દરેક પેટીમાં છૂપી રીતે નખાવ્યા હતા. જો એ પર્ચી મળે તો જ સમજવું કે પેટી બદલાઈ નથી.એ પેટીનું સીલ કોઈ તોડી ન નાખે માટે દરેક પેટીને એક રૂપિયાની નોટ ચોંટાડી બંધ કરી હતી! એક રૂપિયાની એક જ નંબરવાળી એક જ નોટ હોય અને એ નંબર વી.પી.સિંહના માણસોએ લખી રાખ્યા હતા એટલે એને બદલે બીજી નોટથી પેટી સીલ કરી શકાય નહીં.
આ નિર્વાચન જેટલું ગોલમાલિયું નિર્વાચન કદાચ આપણે જોયું નથી. હજી દોઢ વર્ષ છે. નવું શીખવા માટે પર્યાપ્ત સમય છે. હમણાં તો એક જ ગીત ગાવાનું છે : કૌન જીતા, કૌન હારા, યહ કહાની ફિર કભી...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર