ગાંધારી રડાવી નાખતી નથી, બધાં જ આંસુ સૂકવી નાખે છે...
ગાંધારી મહાભારતનું એક પાત્ર છે, પણ એનું વ્યક્તિત્વ રામાયણના કોઈ પાત્ર જેવું છે. બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. રામાયણમાં ભૂમિકાઓ આદર્શ છે. લક્ષ્મણ આદર્શ નાનો ભાઈ છે, જેને ભાભીનાં કુંડલ-કેયૂરની ખબર નથી, માત્ર નૂપુરં ચૈવ જાનામિ, નિત્યં પાદાભિ વન્દનાત્ એટલે કે એણે આંખો ઊંચી કરીને સીતાને જોઈ નથી ! રામ મર્યાદા પુરુષોત્તમ છે. આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ જ્યેષ્ઠ ભ્રાતા. કૈકેયી કનિષ્ઠ ખલનિયકા છે. સીતા આદર્શ પત્ની છે. રામાયણમાં રાક્ષસો છે, મહાભારતમાં નથી. રામાયણમાં વાનરો છે, મહાભારતમાં નથી. રામાયણનાં પાત્રો હનુમાન જેવાં એકસૂત્રી, એકદિશા, એકદૃષ્ટિ છે, અક્ષુણ્ણ છે, નિષ્કલુષ છે. મહાભારતમાં ધર્મરાજા પણ અધર્મ કરે છે, અર્જુન ભૂલો કરે છે, ભીષ્મ પણ સંપૂર્ણ નથી, કુંતીનું સ્ખલન છે. મહાભારતનું બધાં જ પાત્રો માનુષ્યિક છે, આપણા જેવાં છે, વિરોધિતાઓથી ભરેલાં છે. રામાયણ દેવકથા છે, મહાભારત મનુષ્યકથા છે.
પણ મહાભારતમાં એક પાત્ર છે, જેનામાં રામાયણનાં પરિમાણો છે. રામાયણની ઊંચાઈ છે. ગાંધારીની પતિપરાયણતા સીતાથી જરા પણ ઓછી નથી, પણ કંઈક વધારે છે. કદાચ એનો ત્યાગ, એની તપસ્યા રામાયણના કોઈ જ સ્ત્રીપાત્રમાં નથી. ગાંધારી સમજાતી નથી, ગાંધારી વિશે પણ બહુ ઓછું લખાયું છે.
ગાંધારના રાજા સુભલની પુત્રી ગાંધારીએ ભગવાન શંકરની આરાધના કરીને એકસો પુત્રોનું વરદાન માગ્યું હતું. પિતાએ ગાંધારીનું ધૃતરાષ્ટ્ર માટે વાગ્દાન કર્યું હતું. ભાઈ શકુનિ સાથે ગાંધારી હસ્તિનાપુર આવી હતી. નગરની બહાર ભીષ્મ ગાંધારીના સ્વાગત માટે આવ્યા હતા, પછી ખબર પડી કે ધૃતરાષ્ટ્ર અંધ છે, ગાંધારીને મૂર્છા આવી ગઈ. જન્માંધ વ્યક્તિ સાથે એનું લગ્ન કરવામાં આવ્યું હતું. દગો થયો હતો.
ગાંધારીએ આંખો પર રેશમી પટ્ટી બાંધી લીધી કે જેથી એ એના પતિના દોષ ન જોઈ શકે ! જીવનભર ગાંધારીએ બીજા પુરૂષનું નામ પણ લીધું નથી. કુંતીને ગર્ભ રહ્યો એ વાત સાંભળીને ગાંધારીના ગર્ભથી પ્રગટ થયેલા માંસપિંડને વ્યાસે એ સો પુત્રોમાં વહેંચી નાખ્યો. ગાંધારીના બધા જ પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામ્યા ત્યારે ગાંધારીએ કૃષ્ણ પર જ આક્રોશઅગ્નિ વરસાવ્યો છે, એ મહાભારતનો એક અત્યંત કરુણ પ્રસંગ છે. ગાંધારી એક જ એટલી પવિત્ર હતી કે ભગવાન કૃષ્ણ જેવાને પણ શાપ આપી શકે! કૃષ્ણ જ્યારે પાંડવોની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાંત્વ આપવા ગયા ત્યારે ગાંધારી ભડકી ગઈ, કારણ કે કૃષ્ણની યોજનાઓ પ્રમાણે થયેલા યુદ્ધમાં ગાંધારીનો એક પણ પુત્ર બચ્યો નહોતો. ગાંધારી પૂછે છે : તમે મારા એક પુત્રને પણ બચાવ્યો નહિ કે જેથી વૃદ્ધાવસ્થામાં અમારો ખ્યાલ રહે? તમે એ રીતે વિચાર્યું હોત તો કદાચ આ મહાયુદ્ધની જરૂર ન પડત. ગાંધારીએ શાપ ફટકાર્યો કે તમારી યાદવજાતિ પણ એનાં કુકર્મોને લીધે સ્વનાશ વહોરી લેશે અને મહાભારતને અંતે યાદવાસ્થળીની કરુણાન્તિકા છે, યાદવો આપસમાં લડી લડીને શેષ થઈ જાય છે.
શ્રીકૃષ્ણ વાસુદેવને શાપ આપનારી ગાંધારીનું પાત્ર નાનું છે, પણ બૌદ્ધિક અને માનવીય સ્તર બહુ ઊંચો છે. યુધિષ્ઠિર પર કોપિત થયેલી ગાંધારીની જરાક દૃષ્ટિ પડતાં યુધિષ્ઠિરના પગના નખ કાળા પડી ગયા હતા. યુદ્ધ પછી ગાંધારી પૂછે છે : કેટલા રહ્યા ? દરેક સંતાન એક નવી વેદના હતું. મારે મારું પોતાનું કોઈ જીવન નહોતું. આજે હું શાંત છું. હવે કોઈનો વિજય મને સુખી કરી શકતો નથી, કોઈનો પરાજય મને દુઃખી કરી શકતો નથી. હવે કોઈ આશા નથી, કોઈ ભાવ નથી.
કુંતી અને વિદુર ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ગંગાદ્વારના વન તરફ પ્રસ્થાન કરે છે. અંતમાં ગંગાદ્વાર તરફ વનમાં દાવાનળ લાગ્યો છે. ધૃતરાષ્ટ્ર કહે છે : ગાંધારી, તું જે જોઈ શકતી નથી એ હું સૂંઘી શકું છું, સાંભળી શકું છું. આગ પાસે આવી રહી છે. મૃત્યુની રાહ જોતાં જોતાં જીવતા રહેવાનો મને થાક લાગ્યો છે. ધૃતરાષ્ટ્ર કહે છે : તું નદી ઓળંગીને નીકળી જા. ગાંધારી કહે છે : હવે હું તમને છોડવા માગતી નથી. અગ્નિની પ્રતીક્ષા કરવા કરતાં ચાલો આપણે જ અગ્નિને મળી જઈએ.... અને અંધપતિ ધૃતરાષ્ટ્રનો હાથ પકડીને ગાંધારી અગ્નિની દિશામાં ચાલે છે અને કુંતીની સાથે, એ ત્રણ દાવાનળમાં જલી જાય છે. પાછળથી યુધિષ્ઠિર આવે છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
ગાંધારી અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો અંતિમ સંવાદ અત્યંત સાહિત્યિક કક્ષાનો છે. ધૃતરાષ્ટ્ર વિચારતા રહે છે, શા માટે એ પ્રથમ રાત્રિએ મેં ગાંધારીને મારી ન નાખી? હું સમ્રાટ હતો, મેં ગાંધારીની આંખોની પટ્ટી ફાડી નાખી હોત. ગાંધારીને સંતાનનો ચહેરો જોવા માટે પણ એ પટ્ટી ખસેડવાનું હું કહી શક્યો હોત. કદાચ એક પ્રતિશોધની ભાવના હતી કે તું તારા પોતાના પુત્રનો ચહેરો પણ જોઈ નહિ શકે!
અંતમાં ધૃતરાષ્ટ્ર ગાંધારીને એની આંખોની પટ્ટીઓ ખોલી નાખવા કહે છે. આ જગતને જોતાં શીખવાનું છે, માણસોને જોતાં શીખવાનું છે, તારા ભૂતકાળને જોતાં શીખવાનું છે. આપણાં જીવન સમાપ્ત થઈ ગયાં છે. આંખો પર પટ્ટીઓ સાથે મૃત્યુ થાય એ ધૃતરાષ્ટ્રની ઈચ્છા નથી. ગાંધારી ધીરે ધીરે આંખો પરની પટ્ટીઓ ખોલે છે, અને કહે છે : મેં મારી આંખો પરની પટ્ટીઓ ખોલી નાખી છે, પણ કંઈ જ સ્પષ્ટ દેખાતું નથી! ધૃતરાષ્ટ્ર ગાંધારીનો હાથ પકડે છે, કદાચ પહેલી વાર અંધ સમ્રાટ નાના બાળકની જેમ રડી પડે છે. મહાભારતનું આ એક અત્યંત ગમગીન દૃશ્ય છે. વર્ષો સુધી જે આંખોએ માત્ર અંધારું જોયું છે એ આંખો પ્રકાશ જોઈ શકતી નથી. આંખોની અંદર પ્રકાશ હતો, જે અંધારું જોઈ શકતો હતો. હવે અંદરનો એ પ્રકાશ બહારના ચકાચૌંધ પ્રકાશને જોવા અસમર્થ છે. અને ધૃતરાષ્ટ્ર કહે છે : ગાંધારી ! એક-બે દિવસ કુંતી તને સહાય કરશે. પછી તું જોઈ શકશે, જે દિવસે તું સ્પષ્ટ જોઈ શકે એ દિવસે મારો હાથ પકડજે મને દોરજે...
ગાંધારીના જીવનગ્રાફની સામે, ગાંધારીના આરોહ-અવરોહની સામે, ગાંધારીના સંવેદનની સામે સીતાનું અસ્તિત્વ તદ્દન ફ્લેટ લાગે છે. ગાંધારી પણ ભયાનકની કક્ષાએ જઈ શકે એવી પતિવ્રતા હતી. અને એ નીરસ, એકેન્દ્રિય નથી. એનો ત્યાગ ક્રૂર ટોર્ચરની ઝળહળી રહેલી સીમા સુધી પહોંચી જાય છે. ગાંધારી રડાવી નાખતી નથી. બધાં જ આંસુ સૂકવી નાખે છે. ગાંધારી એક રહસ્યમય સ્ત્રી છે, જેણે સ્વેચ્છાએ, જીવનભર, એના એકસો પુત્રોમાંથી એકનો પણ ચહેરો જોયો નથી...
ક્લોઝ અપ :
સ્ત્રી એ યોદ્ધાનું નહિ, પણ ગુનેગારનું ઈનામ છે.
આબ્લેર કામ્યુ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર