ખલિલ જિબ્રાનની અમર કૃતિ : ‘ધ પ્રોફેટ’ : અર્થગહન, બહુઅર્થી, વૈવિધ્યસભર વિચારોનો સાગર

15 Dec, 2017
07:01 AM

ચંદ્રકાંત બક્ષી

PC: thefamouspeople.com

ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ એક જમાનામાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ જેટલું જ લોકપ્રિય બની ગયું હતું ગુજરાતી બૌદ્ધિકોમાં અને એના અનુવાદો થતા ગયા, ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું, જિબ્રાનને ન મળ્યું. કોઈ પણ બૌદ્ધિક માપદંડથી જિબ્રાન નોબલ પુરસ્કાર માટે યોગ્ય હતા, જે રીતે ગાંધીજી નોબલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય હતા, પણ જાન્યુઆરી, 1926માં ‘ધ પ્રોફેટ’ પ્રકટ થઈ ત્યારે ગોરા શાહીવાદનો પૃથ્વી પર દોરદૌરો હતો, અને લબનાનના જિબ્રાનને નજરઅંદાજ કરવામાં આવે એ સાહજિક હતું. ‘ધ પ્રોફેટ’ ખૂબ વંચાયું, હજી વેચાતું છે, ઉમર ખય્યામની રુબાઈયતની જેમ એ સર્વકાલીન બેસ્ટસેલર રહ્યું છે. જિબ્રાનનો ફ્લાસફરાનો રહસ્યવાદ કદાચ વિશ્વની યુવાનીને વિષકન્યાની જેમ ખેંચી ગયો. જિબ્રાનમાં લાઓ-ત્ઝૂની જેમ વિધાનોની વિરોધિતા છે, ટાગોરની જેમ સાદગી છે ને પરવાઝ છે, અને રજનીશની જેમ દાહક મૌલિકતા છે. રજનીશ બહુ પાછળ આવે છે, અને ક્યારેક ઓશો રજનીશની પાછળ જિબ્રાન લરઝતા દેખાય છે...! જિબ્રાનના ‘ધ પ્રોફેટ’ની કરોડો ડૉલરની રોયલ્ટી જમા થઈ ગઈ છે, પણ દાવેદાર વારસદારોની એક ફૌજ કાનૂની જંગ લડી રહી છે, ત્યાં સુધી આ ધનરાશિ જમા થઈ રહી છે.

જિબ્રાનના ‘ધ પ્રોફેટ’ના અને એમાંના ગદ્યખંડોના ગુજરાતી અનુવાદો પ્રકટ થતા રહ્યા છે. અત્યંત સરળ લાગતું અત્યંત કઠિન કામ છે જિબ્રાનનો અનુવાદ કરવાનું, એના ઉદ્દેશ્યને સમજવાનું, એના ઉદ્દેશ્યના ગોપિત અને ગર્ભિત હાર્દને સમજવાનું. ઑર્ફેલિસ નગરમાં 12 વર્ષ રહ્યા પછી અલ-મુસ્તફા એના વતનદ્વીપ તરફ જવા તૈયાર થાય છે. દૂર ધુમ્મસ પાસે આવી રહેલું જહાજ દેખાઈ રહ્યું છે. મીમાંસકોએ આ નાની ઘટનાને રૂપક તરીકે બતાવી છે, અંતિમ સફર છે. અલ-મુસ્તફા, ધ માસ્ટરની અને ગામલોકો એકત્ર થાય છે, જુદા જુદા વિષયો વિશે અલ-મુસ્તફાના વિચારો સાંભળવા. અને વિષયો છે : ‘પ્રેમ, લગ્ન, સંતાનો, દાન, ખાવું-પીવું, કામ, ઉલ્લાસ અને વિષાદ, ઘર, વસ્ત્રો, ખરીદી અને વિક્રય, દોષ અને સજા, કાનૂન, સ્વાતંત્ર્ય, મનની સ્વસ્થતા, ઉન્માદ, યંત્રણા, સ્વજ્ઞાન, શિક્ષણ, મૈત્રી, બોલવું, સમય, સારું અને ખરાબ પ્રાર્થના, મજા, સૌંદર્ય, ધર્મ, મૃત્યુ... અને અંતે વિદાયની ક્ષણ આવે છે. ધ માસ્ટર અલ-મુસ્તફા નગરજનોને સંબોધન કરે છે અને વહાણમાં ચડીને અદ્રશ્ય થઈ જાય છે. વહામ, ધુમ્મસ અને મહાપ્રયાણ સાફ પ્રતીકો છે. ‘ધ પ્રોફેટ’ પૂર્ણ ફિલસૂફી છે. આમાંનાં કેટલાંય વાક્યો વિશ્વભરની ભાષામાં હજી પણ જનપ્રિય છે. જિબ્રાનની ભાષા ક્યારેક એટલી સરળ બની જાય છે કે અર્થઘટન બહુઅર્થી બની જાય છે. ઓર્ફેલિસ નગરના લોકોથી છુટા પડતાં જિબ્રાન શરૂમાં જે ભાષા વાપરે છે એ ધુમ્મસી ભાષામાં મધ્યયુગીન વિષાદી રોમાંસભાર સતત ઝળક્યા કરે છે.’

... આ દીવાલોની વચ્ચે વેદનાના દિવસો મેં ગુજાર્યા છે અને એકલતાની લાંબી રાતો... આ છોડતાં એક વજન અને એક દુઃખનો અહેસાસ થાય છે. હું વસ્ત્ર ઉતારી રહ્યો નથી, મારા હાથોથી મારી ચામડી ઉતરડી રહ્યો છું...

... અવાજ જીભ અને હોઠોને લઈન ઊડી શકતો નથી, જે જીભ અને હોઠોએ એને પાંખો આપી છે. ગરુડે સૂર્યની સામેથી એકલા જ ઊડવાનું છે... મારી પ્રાચીન માતાના પુત્રો ! મારા સ્વપ્નમાં તમે હતા. અને મારી જાગૃતિ એ મારું વધારે ગહન સ્વપ્ન છે. નવી હવામાં હું બીજો શ્વાસ લઈશ. અને તું, વિરાટ મહાસમુદ્ર, મારી સૂતેલી માતા...

... હું એ વાંસલી છું, મારામાંથી એનો ઉચ્છવાસ પસાર થશે... હવે સમુદ્રનાં મોજાં આપણને છૂટાં ન પાડે. તમારા પડછાયાથી અમારા ચહેરાઓ દીપી ઊઠ્યા છે. અમારો પ્રેમ અશબ્દ હતો... અને પ્રેમને પોતાની ગહરાઈની ત્યાં સુધી સમજ પડતી નથી જ્યાં સુધી જુદાઈ આવતી નથી...

અને અલમિત્રા નામની એક ભવિષ્યવેત્તા સંબોધન કરે છે : પ્રોફેટ ઑફ ગોડ ! ખુદાઈ પયગંબર ! તમે અમને છોડો એ પહેલાં અમારી સાથે વાત કરો, અમને તમારું સત્ય કહો. અમે એ સત્ય અમારાં સંતાનોને કહીસું અને એ એમનાં સંતાનોને કહેશે, અને એમનાં સંતાનો એમનાં સંતાનોને કહેશે અને સત્ય અવિનાશી બનશે... જન્મ અને મૃત્યુની વચ્ચે જે છે...

અને અલ-મુસ્તફા કહે છે : ઓર્ફેલિસના નગરજનો ! બીજું તો હું શું કહી શકું એના સિવાય, જે અત્યારે પણ તમારા આત્માઓમાં ધબકી રહ્યું છે ! પછી અલમિત્રાએ કહ્યું : અમને પ્રેમ વિશે કહો.

જિબ્રાનની આ શૈલી, આ લાઘવ, આ મૌલિકતાએ વિશ્વના બૌદ્ધિકોને ઝકઝોર કરી નાખ્યા. પશ્ચિમે સત્યની આવી આષાનો અનુભવ કર્યો નહોતો. આ ઓરિયેન્ટલ મિસ્ટિશીઝમ અથવા પૌર્વાત્ય રહસ્યવાદ હતો. જ્યાં ભા, રૂપકોની હતી, વ્યંજનાની હતી, તુલનાની હતી, સાતત્યની હતી. અહીં સંશ્લેષણ કે વિશ્લેષણની જરૂર નહોતી, કારણ કે અર્થઘટન અને મર્મઘટન સામૂહિક નહિ, પણ વૈયક્તિક હતાં. એક પછી એક વિષયને જિબ્રાન રોમાંસની અને રહસ્યની રોચક ભાષામાં પ્રસ્તુત કરે છે અને પુસ્તકનાં અંત તરફ, બધી જ પ્રસ્તુતિઓ પછી વિદાય લે છે. વિદાય સમયનાં વાક્યો દાર્શનિક ઉદાત્તતા પ્રાપ્ત કરી લે છે. કિશોરલાલ મશરૂવાળાએ ‘ધ પ્રોફેટ’નો જે અનુવાદ કર્યો છે એનું નામ પણ છે : વિદાય વેળાએ ! વિદાયકાલીન આ ગદ્યખંડના અંતે જિબ્રાનનું કદાચ સૌથી સુખ્યાત વાક્ય છે : થોડી વાર... હવા પર વિશ્રામની એક ક્ષણ...અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સૂઈ જઈશ...! (અ લિટલ વ્હાઈલ, અ મોમેન્ટ ઑફ રેસ્ટ અપોન ધ વિન્ડ, એન્ડ અનધર વુમન શેલ બેર મિ) જિબ્રાનનો અનુવાદ કરવો દુષ્કર છે, કારણ કે એ ગદ્ય કાવ્યમય દર્શનની કક્ષાનું છે. અને એમની ભાષા ગદ્ય અને પદ્યની વચ્ચેની લગભગ અર્ધજાગ્રતાવસ્થાની, ટ્રાન્સની ભાષા છે. સાંજ પડે છે, જહાજ આવી ગયું છે, અને ધ માસ્ટર, ધ પ્રોફેટ, અલ-મુસ્તફા પસન્દીદા અને પ્યારા (ધ ચોઝન એન્ડ ધ બિલવેડ) ભવિષ્યવેત્તા અને ઓર્ફિલિસ નગરની સ્ત્રી અલમિત્રાને કહે છે : એ હું હતો જે બોલ્યો હતો? શું હું શ્રોતા પણ નહોતો?... ઓર્ફેલિસના નગરજનો ! હું હવાઓની સાથે જ રહ્યો છું... મૃત્યુ મને સંતાડી દેશે, પણ હું ચઢતી ભરતીની સાથે પાછો આવીશ... માણસની જરૂરતો બદલાય છે, એનો પ્રેમ બદલાતો નથી. સમજી લો... હું વધારે વિરાટ ખામોશીમાંથી પાછો ફરીશ... તમારો શ્વાસ મારા ચહેરા પર હતો. હું તમને બધાને ઓળખું છું... હું તમને શબ્દોમાં કહું છું જે તમે વિચારોમાં સમજો છો. તમારા વિચારો અને મારા શબ્દો એક કૈદ સ્મૃતિમાંથી આવતાં મોજાં છે... તમે તમારા શરીરોમાં બંધ નથી...

ફેર યૂ વેલ, ઓર્ફેલિસના નગરજનો, આ દિવસ પૂરો થાય છે, ભૂલશો નહિ, કે હું તમારી પાસે પાછો આવવાનો છું. થોડી વાર... મારી અપેક્ષાઓ બીજા શરીર માટે મિટ્ટી અને ફીણ ભેગું કરશે... અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સૂઈ જઈશ...! ફેરવેલ ટુ યૂ... અને એ જવા જે મેં તમારી સાથે ગુજારી હતી. ગઈ કાલે જ આપણે મળ્યાં હતાં, એક ખ્વાબમાં, સ્મૃતિની ગૌધૂલિમાં એક વાર ફરીથી મળીશું, આપણે ફરીથી એક ભાષા બોલીશું, અને તમે મને એક વધારે મધુર વાત સંભળાવશો... જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ વિશ્વસાહિત્યનાં મહાપુસ્તકોમાં સ્થાન પામે છે. આ માધ્યમ પૌર્વાત્ય છે ફક્ત અલમિત્રા શાંત છે, જોઈ રહી છે. જહાજ ધુમ્મસમાં અદ્રશ્ય થતું જાય છે.

ક્લોઝ અપ:

સ ભૂમિ વિશ્વતો વૃત્યા, અત્યતિષ્ઠદ દશાંગુલમ

ઋગ્વેદ

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.