જીવવું : કલાકારનો વિશેષાધિકાર

08 Jul, 2016
12:05 AM

ચંદ્રકાંત બક્ષી

PC:

એક કલાકાર તરીકે મને જે જે વસ્તુઓમાં રસ હતો એ દરેક વસ્તુ હું લગભગ કરી શક્યો છું. સત્યજિત રાયે એક ઈન્ટરવ્યુમાં જાન્યુઆરી 1991માં કહ્યું હતું. હું મારા સમયનો, મારી ઉંમરનો માણસ છું... એક અસામાન્ય વિચાર, જે મને સતત આવ્યા કરે છે એ છે મરવું કેવો અનુભવ હોય છે, એના પછી શું થાય છે?

મૃત્યુ પછી અને જન્મ પહેલાં શું થાય છે અને શું હોય છે? જ્ઞાનની સીમાઓ અટકે છે અને પ્રજ્ઞાએ વિહાર કરવો પડે છે અને અનુત્તરના અંકુરમાંથી તર્ક અને દર્શનનું પૂરું સામ્રાજ્ય પ્રકટે છે. માહિતી પાસે પહોળાઈ છે, ઊંડાઈ નથી અને એ પહોળાઈનું ફલક સતત બદલાતું રહે છે. માહિતીમાં 'લેટેસ્ટ' શબ્દ એક જૂનો શબ્દ છે. માહિતી એ લેટેસ્ટતરની શોધ છે. સંસ્કાર એક ઉદ્યાન છે. એ માટે જ વોલ્તેયરે 'કેન્ડીડ'ના અંતે લખ્યું હતું કે દરેક માણસે પોતાનો જ એક બગીચો બનાવવો પડે છે. બીજી સંસ્કૃતિઓમાંથી પૌધા લાવીને વાવવા પડે છે. બધી જ જાતિઓ અને બધી જ પ્રજાઓની સિદ્ધિઓ ઓગળે છે, અને આજનો માણસ એક જીવનવિજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ ફ્રેંચ કે જાપાની કે પંજાબી કે ગુજરાતી કે કપોળ કે જૈન કે બાજ ખેડાવળ કે દસા સોરઠિયા બનવામાંથી મુક્ત થવાની પ્રક્રિયામાં જ વધારે ખૂંચતો જાય છે. મનુષ્યત્વ નામનું રસાયણ સમજાતું જાય છે. જન્મ અને કિસ્મત, હાઈડ્રોજન અને ઑક્સિજનની જેમ પ્રમાણસર મળે છે અને જીવનના પાણીનું એક બિંદુ બંધાય છે. ગુણધર્મ પાણીનો આત્મા છે. મનુષ્ય ગુણ અને ધર્મનાં દિશાચિહ્નોના આધારે મૃત્યુનો સ્વીકાર સહ્ય બનાવવાનો પ્રયાસ કરતો રહે છે.

યુવતા ઊગે છે અને યુવતા સ્પૃહાઓ જન્માવે છે, દૈહિક અને માનસિક, શરીરી અને અશરીરી. આમાં દેખાદેખી હોય છે. ગતાનુગતિક હોય છે. શિક્ષણ લેવાનું હોય છે. પછી ધન કમાવવાનું હોય છે. પછી ગૃહસ્થી વસાવવાની હોય છે. અને સેક્સમાં, અર્થશાસ્ત્રની જેમ, 'લો ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ'ની દુવિધા રહેલી છે. પહેલા 10 રૂપિયા કમાવાનો આનંદ બીજા 10 રૂપિયામાં નથી, ત્રીજા ચોથા પાંચમા દસ રૂપિયા કમાવાનો આનંદ ક્રમશઃ ઓછો થતો જાય છે. રિટર્ન ડિમિનિશ થતું જાય છે. સેક્સના ઉપભોગનો આનંદ. ધંધાની ભાષામાં કહીએ તો, પહેલે વર્ષે 40 ટકા ડિપ્રિસિયેશનનો છે, પછીના વર્ષે 25 ટકા, પછી 10 ટકા જ રહે છે. ચોથે વર્ષે સેક્સ માત્ર 5 ટકા જ આનંદ આપે છે. પૈસા કમાવા ડ્રગિંગ જેવું છે. વધારે અને વધારે પૈસા કમાવા એ ચ્યુઈંગ ગમ ચાવ ચાવ કરવાની સ્વાદહીન ક્રિયા છે, એક આદત, ડ્રગ જેવી, પછી એના વિના રહી શકાતું નથી. પૈસાની ખરીદશક્તિ, પૈસાનું મૂલ્ય બધું જ ગૌણ બની જાય છે. શા માટે અને કોને માટે જેવા પ્રશ્નો પણ ભૂલાઈ જાય છે. ધર્મ અને/અથવા બીમારી પાછલી ઉંમરે પ્રવૃત્ત રાખે છે, સહારારૂપે એ બંને સારાં છે. બીમારીનું સુખ એ છે કે એમાં કોઈ ભાગ પડાવતું નથી. ધર્મ જ્ઞાનહીનને જ્ઞાની જેવું મોઢું બનાવીને બોલવાની શક્તિ આપે છે.

ધર્મ કોને સાંત્વન આપે છે. શિક્ષિતને કે અશિક્ષિતને? યુવાને કે વૃદ્ધને? એક નાની બેબી એની મમ્મી સાથે એક વૃક્ષ નીચે બનાવેલા ગણપતિના 'મંદિર' પાસે ઊભી છે. એ ચંપલ કાઢીને નમસ્કાર કરે છે. ઊછળીને ઘંટ વગાડે છે, અને ચારેચાર ઘંટ વગાડે છે, પછી એની મમ્મી પૂજા કરે છે ત્યારે એક પગથિયું ઊતરીને ચંપલ પહેરીને ઊભી રહી જાય છે અને ઉપર ઝાડની ડાળીઓમાં જુએ છે. પાંચ-સાત કાગડાઓ ગણપતિની ઉપર છાપરાના ખૂણાના એક માળા પર ઝપટ મારે છે, એક કાગડો એક કબૂતરના નાના બચ્ચાને પકડીને ઊડે છે. સામેના મકાનના છજા પર બેસે છે, બીજા કાગડાઓ લપકે છે અને કબૂતરના જીવતા બચ્ચાંનાં અંગો ખેંચાતાં જાય છે, ઝડપથી ખવાતાં જાય છે. ચિત્કાર શમી જાય છે, ફક્ત પીછાં રહે છે. બેબી જોયા કરે છે.

વિઘ્નહર્તા ગણપતિ એમની ઉપર જ બનેલા માળામાં જન્મેલા નિરીહ કબૂતરના બચ્ચાને બચાવી શકતા નથી. ગણપતિનાં કેટલાં બધાં વિશેષણો છે? એ દુઃખહર્તા છે, સંકટત્રાતા છે, વિઘ્નહર્તા છે અને ઘણુંબધું છે. ધર્મ આવા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે નથી. કબૂતરના બચ્ચાને જે ધર્મ કાગડાઓના ટોળાથી બચાવી શકતો નથી, એ ધર્મ કેટલો સંબદ્ધ છે?

જુલમ અને અન્યાયની સામે ધર્મ અનુત્તર થઈ જાય છે એ સત્ય દરેકે પોતાના અનુભવથી સમજવું પડે છે. જીવન સ્વયં હૃદયદ્રાવક છે અને સીધા પ્રશ્નોના સીધા ઉત્તરો મળતા નથી. સૌથી કઠિન પ્રશ્નો બાળકો પૂછી લે છે, જેના ઉત્તરો પૂરું જીવન જીવી ચૂકેલા વૃદ્ધો પાસે નથી. દરેક મોટો માણસ બાળકની જેમ હસવાનું ઈચ્છે છે પણ શીખી શકતો નથી. કારણ કે બાળકના હાસ્યને અન્યાયની સમજ કે અન્યાયનો અહસાસ નથી, કારણ કે બાળકના હાસ્યની પાછળ સ્મગલ કરેલી બુદ્ધિ નથી, કારણ કે બાળકને આત્મા નામના શબ્દની ખબર નથી.

એરિસ્ટોટલે સ્વભાવથી ગુલામ એવા એક મનુષ્યવર્ગની વાત લખી છે, જે કદાચ આજની ચમચા સંસ્કૃતિમાં સપાટી પર આવી છે. 19મી સદીએ યુરોપને ઉદ્યમવાદ આપ્યો હતો. 20મી સદીએ અને આજના યુગે તિકડમવાદને જન્મ આપ્યો છે. ગાંધીજીએ મીન્સ (સાધન) અને એન્ડઝ (સાધ્ય, ધ્યેય)ની ચર્ચા વારંવાર છેડી હતી. જો સાધનો શુદ્ધ હોય તો જ ધ્યેય શુદ્ધ હોઈ શકે. ધ્યેય શુદ્ધ હોય અને સાધનો અશુદ્ધ હોય એ માર્ગ ખોટો છે, ગાંધીજીનું વિધાન હતું. લેનિને કહ્યું હતું : એન્ડઝ સેન્કટીફાય મીન્સ (સાધ્ય જ સાધનોને પવિત્ર કરે છે!). આ બંને અંતિમધ્રુવી વિચારધારાઓ છે. સામાન્ય વ્યક્તિ આ દ્વન્દ્વમાં ખોવાઈ જાય છે અને રમૂજને ફિલસૂફીની ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે છે. દક્ષિણ અમેરિકન લેખક કેલિસ્ટો કાર્લોસ ઈન્કાએ એ માટે જ એનું તખલ્લુસ પણ રમૂજી રાખ્યું હતું : કોન્કોલોરકોરવો ! અને એણે પુસ્તક લખ્યું હતું : અંધ યાત્રીઓ માટે ગાઈડ! એની યોગ્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે હાસ્યકારે કહ્યું : મને ચર્ચમાં કૂતરા પકડવાની નોકરી મળી શકે છે!

બીજી તરફ સ્વભાવથી ગુલામ એવા ચમચાઓની જીવલેણ સ્પર્ધા છે. 18મી સદીમાં પેરુના રાજકુમારે એક બળદ મારી નાખ્યો ત્યારે વૃદ્ધ રાજકવિ પેરાલ્ટા બાર્ન્યુએનોએ એક ખંડકાવ્ય લખ્યું જેનું શીર્ષક હતું : અમારા માલિક, પ્રિન્સે અદ્દભુત શોટથી બળદને ખતમ કર્યો એની મહાસિદ્ધિનું હાર્દિક પ્રશસ્તિકાવ્ય ! બીજા કવિ બર્મ્યુડેઝ દ'લા તોરેએ વધારે જાડું ખંડકાવ્ય લખી નાખ્યું. અને એનું શીર્ષક : પ્રિન્સ ઑફ એસ્ટુરીઅસના જંગલમાં એક બળદને મારવાના વીર કાર્યની વફાદાર પ્રશસ્તિ ! શીર્ષકો બદલાતાં રહે છે, પ્રિન્સ અને બળદો બદલાય છે, ખંડકાવ્યોનું ફોર્મ નાનું-મોટું થતું જાય છે, પણ ગુલામના સ્વભાવનું પુનઃસંસ્કરણ થતું રહે છે, દરેક જમાનામાં.

માણસના અધિકારની વાત યુરોપમાં આવતી રહી અને 18મી સદીના ફ્રાંસે અધિકાર શબ્દને ઘનત્વ આપ્યું. અને 19મી સદીના અમેરિકાએ અધિકાર શબ્દને કાનૂની આકાર આપ્યો. હિંદુસ્તાનના સમાજોમાં માણસના અધિકાર સાથે જ એક બીજી વિભાવના સંલગ્ન છે. વિશેષ માણસના વિશેષાધિકારો ! માણસ સમાન નથી, પૂર્વના સમાજોમાં પુરુષ અને સ્ત્રી સમાન નથી, માણસ અને માણસ સમાન નથી, માટે અસમાનને વિશેષાધિકાર છે. વૃક્ષ પર ઊગેલાં પાંદડાં કરતાં ફળને પ્રકૃતિએ કોઈ વિશેષાધિકાર આપ્યો છે? સમાજ સૌંદર્યને, સફેદ ચામડીને, કાળા ધનને વિશેષાધિકાર આપી દે છે? મધ્યયુગ ઇતિહાસનાં પાનાંઓની અંદરથી બહાર નીકળીને આપણી ચામડીની અંદર ઘૂસી ગયો છે. ઈન્ફ્રેકશનની જેમ, ફેલાતા ચેપની જેમ. પાપ અને અન્યાયને કોઈ ખાસ સંબંધ છે?

કલાકાર તરીકે જે જે વસ્તુઓમાં રસ હતો એ બધી જ વસ્તુઓ લગભગ કરી શકવાનો સત્યજિત રાયને સંતોષ હતો. કલાકાર જીવનને જ એક વિશેષાધિકાર સમજીને જીવી લેતો હોય છે ને સર્જન એને માતૃત્વનો સંતર્પક આનંદ આપે છે. ધર્મ અને વિજ્ઞાન, સ્થળ અને કાળ, આત્મા અને શરીર જેવાં હજારો દ્વૈતો અને દ્વન્દ્વોને કલાકાર એની તૂલિકા દ્વારા એક જ સેપીઆ રંગથી ચીતરી શકે છે. કારણ કે એના ત્રાજવાનાં બે પલ્લાંઓમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ છે. કલાકાર પ્રકૃતિથી જ, એના વર્તમાનકાળ તરફ એક સૂફી ઉદાસીનતા ઉગાડી લે છે. તડબૂચની છાલની જેમ, અંદરની લાલઘૂમ મીઠી ભીનાશ સંતાડીને.

ક્લોઝ અપ

વેદ પ્રામાણ્યં કસ્યચિત્ કતૃ વાદઃ સ્નાને ધર્મેચ્છા જાતિવાદાવલેપ:
સંતાપારંભઃ પાપહાનાય ચેતિ ધ્વસ્તપ્રજ્ઞાનાં પંચ લિંગાનિ જાડ્યે.

- ધર્મકીર્તિ (સન 600)

(રાહુલ સાંકૃત્યાયન કૃત 'દોર્જેલિંગ પરિચય' પૃષ્ઠ 167) વેદને અથવા કોઈ ગ્રંથને પ્રમાણ માનવો. કોઈ ઈશ્વરને દુનિયાનો સર્જનહાર માનવો. સ્નાનને ધર્મ માનવો, જાતિભેદને માનવો અને પાપમાંતી મુક્તિ માટે ઉપવાસ આદિ કરવા એ અક્કલ વગરના લોકની જડતાનાં પાંચ લક્ષણો છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.