એકલતા અને એકલતા
એકલતાને માટે અંગ્રેજી ભાષા પાસે બે શબ્દો છે : અલોનનેસ અને લોનલીનેસ, અને આ બે શબ્દો વચ્ચે એક તાત્વિક ફર્ક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, ‘અલોન’ છો, દુનિયાની દયા ઉપર નથી, તમે ખુદમુખ્તાર છો, તમે તમારા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો. તમારી હવેની જિંદગીનો ગ્રાફ તમે નક્કી કરો છો, તમારી હથેળીની રેખાઓ પર તમારો અખ્તિયાર સંપૂર્ણ છે. જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે, જોડે, પડખે હોવું જોઈએ, તમે લાચાર અને મોહતાજ બની જાઓ છો, દયા એક સહારો બની જાય છે, મોહબ્બત નહીં પણ મહેરબાનીની દિશામાં તમારી આંખો અપલક તાકી રહી છે, ત્યારે તમે ‘લોનલી’ બની જાઓ છો. મર્દ અલોન હોય છે, નામર્દ લોનલી હોય છે. મર્દ તૂટી જઈ શકે છે, નામર્દ ટકી જઈ શકે છે. પણ એકલતા, અલોનનેસ હોય કે લોનલીનેસ હોય, એક ભયાનક દુ:સ્થિતિ છે. જીવનમાં કંઈ ઘટના જ ન ઘટે, એના કરતાં કંટાળો બહેતર છે, કારણકે કંટાળો કમથી કમ બુદ્ધિ વિદ્રોહનું લક્ષણ છે.
મિત્ર વીનેશ અંતાણી કહે છે એમ પીડા કરતાં પણ એકલતા વધારે ભયંકર છે. કારણકે પીડા સહ્ય થઈ જાય છે, એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે. એકલતા પુરુષત્વની અગ્નિપરીક્ષા છે. ઘરમાં એકલી રહેતી સ્ત્રી અને ઘરમાં એકલો રહેતો પુરૂષ એ ભિન્ન મનુષ્યપ્રાણીઓ છે. સ્ત્રી પતિના મૃત્યુ પછી 20-30 વર્ષો સુધી તૂટન ભરેલું પણ સામાન્ય જીવન જીવી લે છે, જીવી શકે છે. વૈધવ્ય એ ઘણીવાર જીવનનો લેફ્ટ કે રાઈટ ટર્ન છે. પત્નીના મૃત્યુ પછી પુરૂષ તૂટનની સાથે સાથે ઘૂટન ભરેલું જીવન જીવવાનો આયાસ કરે છે, જે શેષશૂન્ય ‘લેફ્ટઓવર લાઈફ ટુ લિવ’ છે, એ જીવનને લેફ્ટ કે રાઈટ ટર્ન નથી, માત્ર ડેડ-એન્ડ છે. ‘કલ દ’સેક’ છે, ખાસ કરીને જો એ ઉત્તરાવસ્થામાં વિધુર થયો હોય તો...!
વર્ષો પહેલાં મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવ્યો હતો : બેકલતા! ગુજરાતીઓનો આ અનુભવ હવે ફેલાતો જાય છે. પતિ અને પત્ની હોય, દીકરી પરણી ગઈ હોય, દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમાં હોય, અથવા બંને વિદેશમાં રહેતાં હોય, રંગીન ફોટાઓ જોયા કરવાના, પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીના, ફોન પર વાતો કરતા રહેવાનું, દસ-અગિયાર કલાક ઘડિયાળને પાછળ મૂકીને, અને ઘરમાં બે જણાએ સાથે સાથે બૂઢા થતા જવાનું. સંતાનો એમના સુખની દિશામાં ઊડી ગયાં છે એટલે 500 ફીટનો ફ્લેટ 750 ફીટનો બની ગયો છે. ધીરે ધીરે સમવયસ્ક મિત્રો, પરિચિતો, સગાંઓમાંથી દર વર્ષે કોઈકની બાદબાકી થતી રહે છે. અને એક દિવસ, જ્યારે ગોઠણોમાં દર્દ વધી ગયું છે અને જમણા કાનમાં ઓછું સંભળાય છે અને ડાબી આંખમાં મોતિયો પાકવા આવ્યો છે ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચિરવિદાય લે છે. દીવાલ પર ફોટો, અને સુખડનો હાર, અને છાતી પિસાઈ જાય એવી એકલતા.
ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. હવે વર્ષો ઓછાં રહ્યાં છે અને સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખો માત્ર ભૂતકાળને જ જોયા કરે છે. રોજ બારી પર આવીને બેસતા કાગડાને પણ ખબર પડી ગઈ છે કે ઘરમાં બીજી કોઈ વ્યક્તિ નથી...
એકલતામાં જિંદગીનો રંગ ટેકનિકલરમાંથી બ્લેક ઍન્ડ વ્હાઈટ બનતો નથી, સેપીઆ બની જાય છે, ધૂસર, ધૂમિલ, અતીતની પર્ત ચડેલો, જ્યારે આશીર્વાદ અને અભિશાપ વચ્ચેની ભેદરેખાઓ એકબીજામાં ઓગળી જાય છે. વાણીની બુઝાતા જવાની સ્થિતિ, જે મૌન નથી, વિચારોના બુદબુદા અંદરથી ઊઠતા રહે છે, ચકરાયા કરે છે, ગુમડાતા રહે છે, પણ અવાજ નથી, સંવાદ નથી. નાટકમાં સ્વગતોક્તિ માટે પણ સામે અંધકારમાં બેઠેલા દર્શકોના શ્વાસોચ્છવાસ જોઈએ છે, ઘરમાં સ્વગતોક્તિ નથી, બીજો શ્વાસોચ્છવાસ નથી, જીવંત મૌનની હૂંફ નથી. જમણા હાથની હથેળીમાં બુદ્ધિની પણ એક રેખા હતી, એ ક્યાં ગઈ? એકલતાના તરફડાટમાંથી શું જન્મે છે? સંગીત? કે પ્રાર્થના? કે આત્માનો વિલાપ બની જાય એ આબોહવા?
અમેરિકામાં એક સ્ત્રીમિત્રના વિશાળ વિલાના કિચનમાં અમે બંને ઊભાં હતાં, વાતો કરતાં હતાં, હું તારીફ કરી રહ્યો હતો કે તમારું સ્વાસ્થ્ય સરસ થઈ ગયું છે. પાછળ કોલ્ડ સ્ટોરેજ જેવાં ત્રણ વિરાટ ફ્રિજ ઊભાં હતાં, અને આસપાસ દુનિયાભરનાં લેટેસ્ટ ગેજેટ્સ ગોઠવેલાં હતાં. એ વિદુષી સ્ત્રી હતી, એણે ડૉક્ટરેટ મેળવી હતી. એણે કહ્યું : શરીર સરસ નથી થયું, શરીર જાડું થઈ રહ્યું છે! ખબર છે, શા માટે? અને એણે જરા રોકાઈને કહ્યું : એકલતા! ખાલીપો! આઠ રૂમ છે અને ઘરમાં સવારે 8 વાગ્યાથી સાંજ સુધી હું એકલી જ હોઉં છું અને એકલતામાં સ્ત્રી શું કરે? ખાય, ખાધા કરે! એકલી સ્ત્રી ખાય અને એકલો પુરૂષ? પીએ! કદાચ શરાબી બનવા માંડે. એકલતાથી સ્ત્રી ગ્લટન બની જાય છે અને પુરૂષ આલ્કોહોલિક બની જાય છે! આ વાતમાં હું માનું છું. પુરૂષ જો સંયુક્ત પરિવારમાં હોય, પારિવારિક બંધનો અને મર્યાદાઓની પરિધિમાં જીવતો હોય તો, એને માટે શરાબી થવું એટલું સરળ નથી. એનાથી મોટી વયના અને એનાથી નાની વયનાની સાથે એક જ સિલિંગ નીચે જીવતાં રક્તસંબંધીઓ સાથે જીવતો માણસ એકલતાની ઘૂટનથી બચી શકે છે. ધર્મ અને સમાજ અને કુટુંબનાં પરિબળો એને વિચલિત થવા દેતાં નથી. પણ જ્યાં પરિવાર સીમિત છે, અને છપ્પરની નીચે એકલા જીવવાનું છે અને જિંદગી સૂર્યાસ્ત તરફ ઢળી રહી છે ત્યાં અંકુશ કે આમન્યા અપ્રસ્તુત બની જાય છે. શરાબ દોસ્તીના ખાલી સ્લોટમાં ફીટ થઈ જાય છે અને કામચલાઉ રાહતનો, હૂંફનો, ઉષ્માનો એક આભાસી અહેસાસ પણ જરૂર થાય છે.
એકલતા, ભીંસી નાંખે એવી એકલતા, ઘૂટન દબાવીને જીવતા પુરુષને આલ્કોહોલિક બનાવી શકે છે અને એ સૌથી મોટું ભયસ્થાન છે. અને સાંજ બહુ ક્રૂર સમય છે, તૂટેલા પુરૂષ માટે નિર્વિરોધ પરાજય સ્વીકારવાનું એ મુહૂર્ત છે અને જિંદગીની અંતિમ ક્ષિતિજ સ્પર્શી શકાય એટલી પાસે આવી જાય ત્યારે, અને શાંત બેકલતા જ્યારે અશાંત એકલતા બની ગઈ હોય ત્યારે, ભગવદગીતાનો અંગો સંકોરતો કાચબો યાદ આવતો નથી, ચીની કહેવતનો કાચબો યાદ આવ્યા કરે છે : બળેલો કાચબો પોતાની યંત્રણા સંતાડીને જ જીવે છે...
અને આકાશ અને ધરતીની વચ્ચે દુનિયા ફરતી રહે છે. સૂર્ય ઊગતો રહે છે, ડૂબતો રહે છે, અંધકાર જામતો રહે છે, પ્રકાશ ફૂટતો રહે છે, ઠંડું અને ગરમ નામની બે વિરોધિતાઓને પણ માણસ પ્રફુલ્લિત મને સ્વીકારતો રહે છે, વિભોર થતો રહે છે, મનુષ્યની જાનવરી ક્રિયાઓ થતી રહે છે, ચડવું અને પડવું, ઊંઘવું અને જાગવું, થાકવું અને ફ્રેશ થઈ જવું, મજદૂરી કરવી અને આરામ કરવો, બાળકનું રડવું અને હસવું, પ્રશ્નો અને ઉત્તરો, તર્ક અને શ્રદ્ધા, સ્વર અને ગીત, રંગ અને ડિઝાઈન, પથ્થર અને મૂર્તિ, પાણીનો સ્વાદ, રોટીની ભાપ, આંસુની ખારાશ, લોહીની લાલાશ, ફૂલ, ખુરશી, આગ, સ્ત્રી, નમો અરિહંતાણં અને એકલતા.
ક્લૉઝ અપ :
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરિયો બરિયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
- ભગવતીકુમાર શર્મા : ‘ગઝલ બઝલ’માંથી
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર