લવ : વ્યાખ્યાઓ તોડીને મુક્ત થઈ ગયેલો શબ્દ...

27 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

જગતમાં સૌથી વધારે વપરાતા શબ્દોમાંનો એક શબ્દ છે લવ અને એનું ગુજરાતી આપણે પ્રેમ કર્યું છે.

ઓશો રજનીશનું વિધાન છે કે લુભ-લોભ પરથી લવ શબ્દ આવ્યો છે અને એમાં લોભનો ભાવ છે. હશે અથવા નહીં હોય. પણ લવ શબ્દની વ્યાખ્યા દરેક પુરૂષ અને દરેક સ્ત્રીની જુદી હશે. એમના પોતાના અનુભવથી પ્રમાણિત અને એમનાં પોતાનાં કલ્પનો પર આધારિત.

લવ એટલે માતા અને સંતાનનું વાત્સલ્ય નહીં કે ભાઈ અને બહેનનો સ્નેહ નહીં. લવ એટલે સ્ત્રી અને પુરૂષનો પ્રેમ. જેમાં સૌંદર્ય અને શરીર અને સંલગ્નતાથી નગ્નતા સુધીના બધા જ આયામ આવી જાય છે.

દુનિયાભરમાં કેટલાક વિચારો જુદા જુદા દેશકાળમાં સમાન ઉદ્દભવી શકે છે. આપણા સંસ્કૃતમાં ભોજન સમયે માતાથી શયનેષુ રંભા જેવી આદર્શ સ્ત્રીની કલ્પના વિદ્વાનોએ કરી છે. એક જ સ્ત્રીમાંથી પુરૂષને અનેક સ્વરૂપો જોઈએ છે! પણ આ પ્રકારની જ વાત મહાન સ્પેનિશ નવલકથાકાર સર્વેન્ટિસે એમની નવલ 'લા ટીઆ ફીન્જીડા'માં લખી છે :

સ્ત્રી રસ્તામાં દેવદૂત હોવી જોઈએ. ચર્ચમાં સંત હોવી જોઈએ. બારીમાં ખૂબસૂરત હોવી જોઈએ. ઘરમાં પ્રામાણિક હોવી જોઈએ અને પથારીમાં રાક્ષસી હોવી જોઈએ!

આ વિધાન સ્પેનિશ સ્ત્રી માટે છે અને ત્રણસો વર્ષ પૂર્વે કરેલું છે, જેમ આપણી સંસ્કૃત ઉક્તિ કદાચ પંદરસો વર્ષ જૂની હશે. પણ વાસ્તવ એ છે કે પુરૂષને એક સ્ત્રીની અંદર ઘણી સ્ત્રીઓની અપેક્ષા હોય છે! કદાચ પુરૂષને કિચનમાં અને બેડરૂમમાં જે સ્ત્રી જોઈએ છે એનો ચહેરો એક હોવો જોઈએ. પણ મન જુદાં હોવાં જોઈએ... અને પુરૂષભાઈને આ બધાને લવ કરવો છે. આફ્રિકન જનજાતિના એક સભ્યે એક વાર આફ્રિકન ટ્રાઈબલ સમાજ અને પશ્ચિમી સમાજનો ફર્ક સમજાવતા કહ્યું હતું કે, તમારા ગોરાઓમાં અને અમારા કાળાઓમાં બુનિયાદી ફર્ક છે. તમે એક જ સ્ત્રીમાં નર્સ, પત્ની, માતા, રસોઈયણ, કામવાળી, બાળકોની શિક્ષિકા, ઘરની ગવર્નેસ, ટેલિફોન ઑપરેટર, સેક્રેટરી, પ્રેયસી બધું જ માગો છો. અમે આ બધા માટે જુદી જુદી સ્ત્રી રાખીએ છીએ! તમારી જેમ અમે એક જ સ્ત્રી પર આટલો બધો જુલ્મ કરવામાં માનતા નથી.

લવનું કોઈ શાસ્ત્ર નથી. લવ કરવા માટે કોઈ ટ્રેઈનર કામ આવતો નથી. જેમ ચોપડી વાંચીને તરવું કે ઘોડેસવારી શિખાય નહીં, પાણીમાં કૂદવું પડે કે ઘોડા પર ચડવું પડે એમ લવ ચોપડીઓ વાંચીને કે લાલ પેન્સિલ લઈને અન્ડરલાઈન કરીને કે લેસન કરીને થાય નહીં. લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દૂની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી. પાનવાળાની દુકાને ઊભા રહીને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દૂના શેર ચરકતા રહેવું ઠીક છે, બાકી લવ એ જુદી ચેલેન્જ છે. એમાં થોડા મર્દ બનવું પડે છે!

જેમ્સ હિન્ટન લખે છે કે સ્ત્રીના શરીરની કાતિલ ઊર્જા વિશ્વની બધી જ ઉદ્દીપક કે સંતર્પક વસ્તુઓ કરતાં વધારે કાતિલ છે. ફૂલો અને તારાઓ અને સમુદ્રો કરતાં પણ! ફૂલ નગ્ન છે પણ આપણે એની નગ્નતા જોઈ શકતા નથી. સ્ત્રી નગ્ન હોય ત્યારે આપણે નગ્નતા જ જોઈ રહ્યા છીએ.

સેક્સપર્ટ બોલ્સચ લખે છે, કારણકે નગ્નતામાં શક્તિ, સ્વાસ્થ્ય, સૌંદર્ય છે. ઈંગ્લિશ ભાષામાં એક શબ્દપ્રયોગ થાય છે : સેક્સ્યુઅલ લવ. જે આપણે ત્યાં નથી. પશ્ચિમના પ્રેમની અભિવ્યક્તિમાં સેક્સ પ્રધાનસ્થાને છે. નગ્નતાની પીઠિકા ઊંચી છે. ક્લીમેન્ટ ઑફ એલેક્ઝાન્ડ્રીઆ નામના એક પ્રાચીન ધર્મગુરૂનું આ વાક્ય પશ્ચિમી સમાજનું બ્રહ્મવાક્ય બની ગયું છે :

આપણને શા માટે શરમ હોવી જોઈએ એ નામો લેતાં, જેમને ઈશ્વરે સ્વયં સર્જ્યા છે!

- અને અહીં નામો એટલે યોનિ અને શિશ્ન! માર્ટિન લ્યુથર પ્રોટેસ્ટન્ટ ધર્મશાખાનો પ્રવર્તક હતો. પણ એણે એક નવો આગ્રહ રાખ્યો હતો : રાઈટ્સ ઑફ ધ બૉડી! દેહના અધિકારો.

લવ અને લસ્ટ વચ્ચે પશ્ચિમી વિચારધારા સ્પષ્ટ ભેદરેખા દોરે છે. લવનો નિકટતમ ગુજરાતી શબ્દ છે પ્રેમ. અને લસ્ટને આપણે વાસના રૂપે જોઈએ છીએ. લસ્ટ એટલે માનસશાસ્ત્રની ભાષામાં લિબિડો અથવા સેક્સતૃષ્ણા.

પશ્ચિમી વિચારકોએ આ બે શબ્દ વિશે બહુ ચિંતાચર્ચા કરી છે. એ સેક્સના સામીપ્યને શું કહેવું જોઈએ? લવ? પણ લવને જો સેક્સના સંદર્ભમાં મૂલવવામાં આવે તો એ વાસના વત્તા મિત્રતા છે! લવ એ ભૂખ કે પ્યાસ નથી પણ વિદ્યુતના કરન્ટ કે લોહચુંબકના ચુંબકત્વથી નિકટ એવી એક ફિલિંગ છે.

જોકે ડોને નામનો નાટ્યકાર એના નાટક લ એસ્કેલેડમાં કહે છે કે લવ એ મેન્ટલ ડિસઑર્ડર કે માનિસક અસ્થિરતા છે! લવ એક પ્રાકૃતિક પાગલપણું છે. લવ એક ભ્રમ છે કે વાસ્તવ છે? બહારવાળા માટે ભ્રમ અને અંદરવાળા માટે વાસ્તવ એ લવનું નિષ્પક્ષ પૃથક્કરણ ગણાય છે. પણ એક હકીકત છે કે માણસ વિચારતાં કે અભિનય કરતાં કરતાં થાકી શકે છે. લવ કરવામાં થાકને સ્થાન નથી! લવ કવિતાની કક્ષાએ પહોંચે એ દરેકના કિસ્મતમાં હોતું નથી...

લેટિન કવિ ઑવિડે લવની કલા વિશે પ્રચુર લખ્યું છે પણ એ લેખન નૈતિક કરતાં અનૈતિક વિશેષ છે. લવ એ પતિની કલા કરતાં પ્રેયસીની કલા વધારે છે. એવું પ્રવર્તમાન સાહિત્યના અભ્યાસથી ફલિત થાય છે. પુરૂષ કરતાં સ્ત્રી લવને વધારે સમજે છે એવું દુનિયભરના ચિંતકો માને છે. લવ કરવો એ કલા છે વાદ્યમાંથી સંગીત પ્રકટાવવા જેવી અને દરેકને એ કલા હસ્તગત થતી નથી. તમે વાજિંત્ર ખરીદી શકો છો. ઘરમાં સજાવીને ગોઠવી શકો છો. પણ એ વાજિંત્રના તારમાં સ્પંદન પેદા કરતાં આવડવું જોઈએ.

એલન કે નામના માનસજ્ઞ લખે છે કે દરેક પુષ્ટ સ્ત્રી પોતાને કોઈ પ્રેમ કરે એમ ઈચ્છે છે. અને લવ કરનારે શરીરની પહેલાં આત્માને સ્પર્શ કરવો પડે છે. સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાટીને ઈન્દ્રિયોમાં પ્રસરતો હોય છે. પુરૂષનો પ્રેમ ઈન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહેતો હોય છે. અને ઘણી વાર એ આત્મા સુધી પહોંચી શકતો નથી. કદાચ લવ વિશેની શ્રેષ્ઠ વ્યાખ્યા મારી દૃષ્ટિએ હેવલોક એલિસે આપી છે :

લવની કલા શેમાં રહેલી છે? એક જ અને એ જ વ્યક્તિમાંથી હંમેશાં કંઈક નવું શોધી કાઢવામાં લવની કલા રહેલી છે!

કાળક્રમે લવની કલા પ્રેમ જગાડવા કરતાં પ્રેમને જીવંત, ચેતનવંત રાખવામાં રહેલી છે. સેક્સ એ લવની કલાનું માત્ર આરંભબિંદુ છે...! લગ્નનાં વર્ષો પસાર થતાં જાય છે એમ એમ પત્નીનું પત્નીત્વ માતૃત્વમાં કેમ બદલાતું જાય છે?

લવના વિશ્વમાં તમે કોઈને લવ કર્યો છે? જેવા પ્રશ્ન માત્ર આનુષંગિક બનીને ગૌણ બની જાય છે.

જે પ્રશ્ન મુખ્ય છે એ છે : તમને કોઈએ લવ કર્યો છે? એક પુસ્તક વાંચ્યું હતું. લવ-સ્ટોરી જેવું કંઈક નામ હતું. અને એમાં એક વ્યાખ્યા હતી :

લવ એ સ્થિતિ છે જ્યાં થેન્ક યૂ કહેવાતું નથી...!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.